- બુટ-ચપ્પલ ખાનારામાંથી વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ બાકાત નથી
ભારતની જનતા ભ્રષ્ટાચારથી ખદબદતાં રાજકારણથી કેટલી ત્રસ્ત થઇ ચૂકી છે. ક્યારેક બૂટ-ચપ્પલના રૂપમાં તો ક્યારેક થપ્પડના રૂપમાં તેની અકળામણ બહાર આવી રહી છે. અત્યારસુધીમાં સૌથી વધુ બુટ-ચપ્પલ કોંગ્રેસ અને તેના સાથી દળોએ 'ખાધા' છે. ગત વર્ષે આ પ્રકારની જેટલી ઘટનાઓ બની તેમાં સૌથી વધુ હુમલાઓ કોંગ્રેસ અને તેના સાથી દળો પર થયા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસ પર હુમલાનું મુખ્ય કારણ તે વધારે સમયથી સત્તામાં છે તે છે. જે પણ સત્તામાં રહેશે તેણે વધતી મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓની જવાબદારી લેવી પડશે પરંતુ કોંગ્રેસના નેતાઓ તેનાથી બચતા રહ્યા એટલા માટે જ સરકાર સાથે જોડાયેલા નેતાઓ વિરૂદ્ધ લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.
- કોંગ્રેસીઓને પડ્યો સૌથી વધુ માર
શરદ પવાર પર થયેલા હુમલાના કેટલાક દિવસો પહેલા કોંગ્રેસની સરકારમાં વરિષ્ઠ મંત્રી રહી ચુકેલા સુખરામે પણ મેથીપાક ખાધો હતો. ભૂતપૂર્વ સંચાર મંત્રી સુખરામ પર કોર્ટ પરિસરમાં જ એક યુવકે હુમલો કરવાની કોશિશ કરી હતી. હરવિંદરસિંહ નામના યુવાન પાસે કોઇ હથિયાર નહતું પરંતુ તેણે સુખરામને ઢીકાપાટુનો માર માર્યો હતો.
- વડાપ્રધાન પણ બાકાત નથી
બુટના પ્રહારથી વડાપ્રધાન મનમોહનસિંહ બચી નથી શક્યા. તે સમયે વડાપ્રધાન જાહેરસભા સંબોધી રહ્યા હતા. હિતેશ ચૌહાણ નામના એક યુવકે ફેંકેલું બુટ વડાપ્રધાનના સ્ટેજથી થોડે દૂર પડ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે તેના પર બુટ ફેંક્યું હતું. તે સમયે ચિદમ્બરમ સીબીઆઇએ જગદીશ ટાઇટલરને આપેલી ક્લીનચીટ અંગે વાત કરી રહ્યા હતા.
આ જ વર્ષે એપ્રિલમાં કોમનવેલ્થ ગેમ્સ ગોટાળા મામલે ધરપકડ કરાયેલા સુરેશ કલમાડી પર સીબીઆઇ કોર્ટની બહાર ચપ્પલ ફેંકાયું હતું. કપિલ ઠાકુર નામના એક શખ્સે ફેંકેલા ચપ્પલથી કલમાડી બચી ગયા હતા. ચપ્પલ તેને લાગ્યું નહતું.
કોંગ્રેસના નેતા જનાર્દન દ્વિવેદીને પણ એક પત્રકારે બુટ મારવાની કોશિશ કરી હતી. તે વખતે દ્વિવેદી કોંગ્રેસના હેડક્વાર્ટર ખાતે આયોજિત કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.
- ભાજપના નેતાઓ
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને યુવા સાંસદ વરૂણ ગાંધી પર બુટ-ચપ્પલથી હુમલા થઇ ચુક્યા છે. મધ્યપ્રદેશના કટનીમાં જ્યારે અડવાણી સભા સંબોધી રહ્યા હતા ત્યારે ભાજપના જ એક કાર્યકરે તેના પર ચપ્પલ ફેંકાયું હતું. આ જ રીતે ભાજપના સાંસદ વરૂણ ગાંધી પર પણ પક્ષના કાર્યકરોએ બુટ-ચપ્પલ ફેંક્યા હતા. વરૂણ એક જાહેરસભામાં ગયા નહતા જેનાથી નારાજ થઇને કાર્યકરોએ આ પગલું ભર્યું હતું.
- તમારો મત
નેતાઓ પર બુટ-ચપ્પલ વરસાવવા કેટલી હદે યોગ્ય છે? આ અંગે તમે શું માનો છો? નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.