દેશની રાજધાની નવીદિલ્હીમાં ઝડપાયેલી પાકિસ્તાનની મહિલા જાસૂસ અને તેના સાથીના નિશાન ઉપર ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ બંનેને નેપાળના રસ્તે ભારત મોકલ્યા હતા. તેમનો ઈરાદો ગુજરાતમાં અનેક આતંકવાદી હુમલાને અંજામ આપવા માટેનો પણ હતો.
દિલ્હીના એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સોફિયા અને ઈમરાન કરાંચીના રહેવાસી છે. તેમને અમદાવાદમાં અક્ષરધામ મંદિર ઉપરાંત આગ્રા અને દિલ્હીના કેન્ટોનમેન્ટ વિસ્તારની રેકી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
જો કે, નરેન્દ્ર મોદીને મારવા માટે સોફિયાની અને ઈમરાનની શું યોજના હતી અથવા તો તેમને કેવી રીતે મારવા માંગતા હતા, વગેરે જેવી બાબતો પર બંને મૌન રહ્યાં હતા. પરંતુ દિલ્હી પોલીસ દ્વારા તમામ એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે. લશ્કર-એ-તોઈબા અને ઈન્ડિયન મુજાહિદ્દીન સાથેના સંબંધની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સંગઠનોમાંથી કોઈએ તેમને હથિયાર આપ્યા છે કે કેમ.. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, નરેન્દ્ર મોદીના જીવ ઉપર જોખમ હોવાની ટીપ પર ગુજરાત પોલીસને વાકેફ કરી દેવામાં આવી છે અને એલર્ટ કરી દેવામાં આવી છે.
પોલીસ દ્વારા બંને જાસૂસોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં તેમને મળેલી ટ્રેનિંગ અંગે પણ સવાલ કરવામાં આવી રહ્યાં છે. બંનેના સંબંધ ઈન્ડિયન મુજાહિદ્દીનના નેટવર્ક સાથે હોવાના સગડ પોલીસને મળ્યા છે. ભારતમાં આઈએમના વડા સિદ્દી બાપા ઉર્ફે શાહરૂખે તેના સંગઠનના લોકોને આદેશ આપ્યા છે કે, અંદરોઅંદર વાતચીત કરવા માટે અલગ-અલગ સીમકાર્ડનો ઉપયોગ કરવો. શાહરૂખ ખુદ પણ અનેક મોબાઈલ ફોન રાખે છે.
તમારો મત
શું તમને લાગે છે કે, ગુજરાતમાં સમૃદ્ધિ હોવાના કારણે ત્રાસવાદીઓ દ્વારા અવારનવાર અહીં અશાંતિ ફેલાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. શું તેમના આ ઈરાદા સફળ થશે. તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.