તામિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા અને તેમની બહેનપણી શશિકલા નટરાજનની મૈત્રી રાજ્યના ઈતિહાસમાં એક દંતકથા સમાન હતી. જો કે, હવે તે ભૂતકાળ બની ગઈ છે. છતાં તેમની વચ્ચેની મૈત્રીમાં કેવી રીતે તિરાડ પડી તે એક રહસ્ય છે.
જે મુજબ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાને તેમની 'નજીક'ના લોકોથી સાવચેત રહેવા તાકિદ કરી હતી. જેમાં મોદીએ એક ઉદ્યોગપતિના ઉદાહરણને ટાંકતા શશિકલા તરફ નિર્દેશ કર્યો હતો.
-નિષ્ફળ મૈત્રી, આકાશને આંબતી મહત્વકાંક્ષા, અને રાજકીય વેરઝેરની કહાણી
-શશિકલાના પરિવારનું સામ્રાજ્ય કથિત રીતે રૂપિયા પાંચ હજાર કરોડનું
-જયલલિતાને મળતા પહેલા શશિકલાની મંજૂરી લેવી પડતી
-જયલલિતાએ કર્યા વહિવટી તંત્રમાં વ્યાપક ફેરફાર
લગભગ એક મહિના પહેલા તા. 17મી ડિસેમ્બરના જયલલિતાએ તેમના એક સમયના બહેનપણી શશિકલાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. ત્યારે નિષ્ફળ મૈત્રી, આકાશને આંબતી મહત્વકાંક્ષા, અને રાજકીય વેરઝેરની કહાણી સાંપ્રત ભારતીય રાજકારણમાં ક્યાંય નહીં જોવા મળે. જયલલિતાના રાજકીય ગુરૂ એમ. રામચંદ્રનના અવસાન પછી શશિકલા જ તેમની સૌથી નજીક હતા. ઘરની અને રાજકીય બાબતોમાં શશિકલાના મતને જયલલિતા શાંતિ અને ધીરજથી સાંભળતા હતા.
'માનરગુંડી માફિયા' એટલે શશિકલા નટરાજન?
તામિલનાડુની રાજકીય બાબતોમાં શશિકલાના પરિવારની ઊંડી પેઠ હતી. આથી જ તેમના પરિવારને 'માનરગુંડી માફિયા' તરીકે ઓળખવામાં આવતો હતો. (તિરૂવર જિલ્લાની પાસેના એક નાનકડા શહેર માનગુંડીના શશકિલા છે. આથી, આ નામથી વિખ્યાત થયા. જો કે પાર્ટીના લોકો તેમને 'ચિન્નમા' કે 'નાના મા' તરીકે ઓળખતા હતા. જ્યારે જયલલિતાનું રાજકીય ભાવિ ડામાડોળ હતું ત્યારે શશિકલાનું ભાવિ પણ ડામાડોળ થઈ ગયું હતું. પરંતુ ગતવર્ષે જ્યારે જયલલિતા સત્તા પર પરત ફર્યા ત્યારે જાણે વધુ એક વખત જયલલિતાનું રાજકીય ભાવિ પણ ચમકી ઉઠ્યું. શરૂઆતના છ મહિના તો બધુ સારું રહ્યું પરંતુ જે થયું તે ખરાઈ ન થઈ શકે તેવી વાતો, રાજકીય અફવાઓ, માન્યતાઓ અને ષડયંત્રના કોકેટલ સમાન છે. સામયિક 'તહેલકા' દ્વારા આ અંગેનો એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. સામયિકના કહેવા પ્રમાણે, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જે. જયલિલતાને તેમની નજીકના લોકોથી સાવચેત રહેવા કહ્યું હતું.
'અમ્મા'ના સ્થાને ચિન્નમ્માને ગોઠવવાનો કારસો
એવી પણ ચર્ચા થઈ રહી છે કે, જયલિલતાના ગુસ્સા પાછળનું એક કારણ એવું પણ છે કે, માનગુંડી માફિયા 'અમ્મા'ના સ્થાને 'ચિન્નમા'ને સીએમની ખુરશી પર બેસાડવા માંગતા હતા. આ અંગેની ગંધ આવતા જયલલિતાએ કડક પગલા લેવા શરૂ કરી દીધા છે. શશિકલાના દરવા સુધી પલીસ પહોંચી ગઈ છે. પોલીસે 'ધ બોસ'ના નામથી વિખ્યાત શશિકલાના ભાઈ વી.કે. દિવકારણ સામે કેસ દાખલ કરી દીધો છે. આવક કરતા વધુ સંપતિના કેસમાં જો જયલલિતા વિરૂદ્ધ કોર્ટનો ચુકાદો આવે તો રાજકીય વાતાવરણ તેમની સામે થઈ જાય તેમ હતું. આ સમયે રાજકીય વાતાવરણ જયલલિતાની વિરૂદ્ધ જાય તો તેમણે સત્તા છોડવી પડે તેમ હતી. આવા સંજોગોમાં તેમણે કોઈ નજીકની વ્યક્તિ પર વિશ્વાસ મુક્યો હોત અને તેમાં શશિકલા હોય શકે તેવો વિચાર તેમના પરિવારજનોનો હતો.
ઘર પર શશિકલાની નાગચૂડ
વર્ષો સુધી જયલલિતા તેમના બહેનપણી શશિકલા પર જાણે આધારિત હતા. જયલલિતાના ઘરમાં કામ કરતા નોકર, ડ્રાઈવર, રસોયા તમામ લોકો શશિકલાના ગામેથી લાવવામાં આવ્યા હતા. લગભગ ચાલીસ જેટલા લોકોના સ્ટાફને તેમણે જ ભરતી કરાવ્યો હતો. લગભગ એક દાયકા સુધી એવી સ્થિતિ હતી કે, જો કોઈએ જયલલિતાને મળવું હોય તો શશિકલાની મંજૂરી લેવી પડતી હતી ! સનદી અધિકારીઓ શશિકલાની હાજરીમાં જયલલિતાને 'બ્રિફ' કરતા હતા અને રાજ્યના પ્રધાનો શશિકલાની સાથે વહિવટી નીતિઓની ચર્ચા કરતા હતા. તેમના બોલને જયલલિતાનો આદેશ ગણવામાં આવતો હતો. શશિકલા જાણે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે, તામિલનાડુના વિજલન્સ વિભાગ દ્વાર શશિકલા અને તેમના પરિવારના અનેક સભ્યોની સામે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એક સમયે શશિકલાના ઘરની બહાર તરફેણ માંગનારાઓની લાંબી કતારો જોવા મળતી હતી, તે હવે દેખાતી નથી.
મોદી બન્યા જયલલિતા-શશિકલાની તિરાડના નિમિત ?
એઆઈએડીએમકેના સૂત્રના કહેવા પ્રમાણે, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ મનારગુંડી માફિયાથી જે. જયલલિતાને ચેતવ્યા હતા. મોદીએ જયલલિતાને કહ્યું હતું કે, મોટા-મોટા રોકાણકારો તામિલનાડુમાં રોકાણ કરવાનું ટાળે છે, કારણ કે, મનારગુંડી માફિયા દ્વારા નાણાની માંગણી કરવામાં આવે છે. જ્યારે જયલલિતાએ સ્વતંત્ર રીતે તપાસ કરી તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. જયલલિતાને લાગતું હતું કે, માત્ર બદલીઓમાં રસ લઈને શશિકલાનો પરિવાર પૈસા બનાવતો હતો. પરંતુ મોદીએ જયલલિતાને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર એથી પણ ઊંચા સ્તર પર છે અને શશિકલાએ તેમને અંધારામાં રાખ્યા છે. એક એનઆઈરઆઈ ઉદ્યોગપતિ તામિલનાડુથી ગુજરાતમાં પ્રોજેક્ટ નાખવો હતો. કારણ કે, મનારગુંડી માફિયા દ્વારા પંદર ટકા કમિશન માંગવામાં આવી રહ્યું હતું.
જયલલિતાનું ગુપ્ત ઓપરેશન
ચેન્નાઈના મોનોરેલ માટે જયલલિતા સિંગાપુરની એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માંગતા હતા. પરંતુ જ્યારે મલેશિયાની કંપનીને કામ મળતું જોયું ત્યારે તેઓ ચોંક્યા હતા આ અંગેના સંજોગો શશિકલા તરફ નિર્દેશ કરતા હતા. શશિકલા દ્વારા નિમણૂંક કરવામાં આવેલી નર્સ દ્વારા આપવવમાં આવતી દવાઓની જયલલિતાએ સ્વતંત્ર તપાસ કરવામાં આવતા તેમાં ભેદી તત્વો માલૂમ થયા હતા. જયલિલતાઓ પોતાની પણ શારીરિક તપાસ એક વિખ્યાત ડૉક્ટર પાસે કરાવી હતી. ડીએમકે પરિવાર સામે મજબુત કેસ કરવા માટે અધિકારીઓને કહેવામાં આવ્યું હતું. આમ છતાં, એમ. કરૂણાનીધિના દિકરા સ્ટાલિન પર નબળા પૂરાવા છતાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ પાછળ પણ શશિકલાનો હાથ હોવાની તૈમને જાણ થઈ હતી. જયલલિતાને લાગવા લાગ્યું હતું કે, ડીએમકે અને શશિકલાના પરિવારની વચ્ચે ગુપ્ત સમજૂતી થઈ છે.
ડિસેમ્બર મહિનામાં જયલલિતાને સગડ મળ્યા હતા કે, શશિકલાનો પરિવાર બેંગાલુરૂમાં મળ્યો હતો. ત્યારે તેમની વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી. તેમાં આગામી મુખ્યપ્રધાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાના પગલે જયલલિતા ચોંકી ઉઠ્યા હતા. તેમણે તૂર્ત જ વળતા પગલા લેવા શરૂ કરી દીધા. જયલલિતાને જાણ થઈ તહી કે, શશિકલાનું આર્થિક સામ્રાજ્ય પાંચ હજાર કરોડ આસપાસનું છે. રાવનન નામનો વ્યક્તિ શશિકલાના સામ્રાજ્યનો વહિવટ કરતો હતો. (જેની ધરપકડ કરી લેવામાં આવી છે. )
જયલલિતાનું વળતું ઓપરેશન
શશિકલાની સામે પૂરાવા એકઠા કરવા માટે ડીજીપી દરજ્જાના એક અધિકારીને કથિતરીતે કામે લગાડવામાં આવ્યા હતા. એક ખાનગી ડિટેક્ટિવ એજન્સીની સેવા લેવામાં આવી હતી. શશિકલા તેના પરિવારજનો અને નજીકના લોકોના ફોન કથિત રીતે ટેપ કરવામાં આવતા હતા અને તેનો સીધો રિપોર્ટ મુખ્યપ્રધાનને આપવામાં આવતો હતો. આ ઓપરેશનને પાર પાડવા માટે તામિલનાડુના ગુપ્તચર તંત્રમાં પણ વ્યાપક પરિવર્તન કરવામાં આવ્યા હતા. છેલ્લા દસ વર્ષથી મુખ્યપ્રધાનના સુરક્ષા અધિકારીની બદલી કરી નાખવામાં આવી હતી. તે કથિત રીતે જયલલિતાની હિલચાલ પર નજર રાખતો હતો અને તેની માહિતી શશિકલાને આપતો હતો.
તેમણે કેબિનેટના પ્રધાનોને સ્પષ્ટ આદેશ આપ્યો કે કોઈપણ વાત સીધી તેમને જ કરવામા આવે અને આ અંગે અન્ય કોઈના નિર્દેશ લેવામાં ન આવે. બધાને એમ હતું કે, શશિકલા અને જયલલિતા વચ્ચેની કડવાશ ક્ષણજીવી છે અને ટૂંક સમયમાં બંને ફરી એક થઈ જશે.શશિકલાના પરિવારજનોનું પણ આવું જ માનવું હતું. જો કે, આમ થયું ન હતું અને તેમની ગણતરી ઉલ્ટી પડી હતી.
વર્ષ 1989થી જયલલિતાના ઘરમાં કામ કરતા લોકો અને બીજાને હટાવી દેવામાં આવ્યા છે. કાયદાકીય નિષ્ણાતો, પોલીસ અને નિષ્ણાતોને શશિકલાના પરિવારની પાછળ લગાવવામાં આવ્યા છે. શશિકલાના પરિવારના રોકાણ અને મિલ્કતો અંગે અહેવાલ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વર્ષ 2011ની ચૂંટણીઓ દરમિયાન કથિત રીતે ચૂંટણીઓ વેંચવામાં આવી હતી. આ રીતે શશિકલાના પરિવારને રૂપિયા ત્રણસો કરોડની આવક થઈ હતી. જે લોકોને આ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ હતી, તેમને જ ટિકિટો વેંચવામાં આવી હતી. જયલલિતાની નજર તેર પ્રધાનો પર પડી છે ટૂંક સમયમાં તેમને પડતા મુકવામાં આવશે. જ્યારે અધિકારીઓ પર તવાઈ ઉતરી ચૂકી છે. ડીએમકે પરિવાર પર કેસ કરનારા કાયદા વિભાગમાં પણ મોટાપાયા પર ફેરફાર કરવામાં આવી શકે છે. ખાસ કરીને જે પ્રોસિક્યુટર્સ ચાવીરૂપ કેસમાં કામ કરી રહ્યાં છે. ત્યારે હાલ શશિકલાનો પરિવાર આશ્રય માટે ડીએમકે પરિવારની નજીક સરક્યો હોવાનું માલૂમ પડ્યું છે. શશિકલાના પરિવારજન દ્વારા જયલિલતાને પડકાર ફેંકવામાં આવ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જયલિલતા તેનો મુકાબલો કેવી રીતે કરશે, તે જોવું રહ્યું.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.