આસામ છેડતી પ્રકરણમાં પત્રકાર, કોંગ્રેસના નેતા સામેલ

- ઘટનાક્રમનો સંપૂર્ણ વીડિયો પણ જારી કરાયો, ટીવી ચેનલ કોંગ્રેસી મંત્રીની હોવાથી પોલીસ દબાણમાં કામ કરી રહ્યાનો આક્ષેપ
ગુવાહાટીમાં યુવતીની છેડતી કરવામાં ચેનલ ન્યૂઝ લાઇવના એક રિપોર્ટર પણ સામેલ હોવાનો સ્થાનિક સામાજિક કાર્યકર અખિલ ગોગોઇએ આરોપ મૂક્યો છે. પુરાવારૂપે તેમણે ઘટનાક્રમનો સંપૂર્ણ (અનકટ) વીડિયો ફુટેજ જારી કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે, આ ચેનલ કોંગ્રેસી મંત્રી હેમંત વિશ્વાસની હોવાથી પોલીસ દબાણમાં કામ કરી રહી છે. આરટીઆઇ કાર્યકર અખિલ ગોગોઇ અણ્ણા હજારે સાથે પણ કામ કરે છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે, યુવતી સાથે કરવામાં આવેલી છેડતી સુનિયોજિત હતી.
મંત્રીને કારણે રિપોર્ટર અને ચેનલ સામે પોલીસ કોઇ કાર્યવાહી કરી રહી નથી. જારી કરવામાં આવેલો વીડિયો ચેનલ ન્યૂઝ લાઇવનાં રિપોર્ટર અને કેમરામેને શૂટ કર્યો હતો. અખિલે જારી કરેલા વીડિયોમાં ઘટના શૂટ કરનાર રિપોર્ટર કહે છે કે, તેણે જ સંપૂર્ણ આયોજન કર્યું હતું. ચેનલના મેનેજિંગ એડિટર સૈયદ જરીર હુસેને અખિલના આરોપોને પાયા વગરના ગણાવ્યા છે. અખિલે એવો પ્રશ્ન કર્યો કે, આખરે વીડિયો શૂટ કરવાને બદલે રિપોર્ટરે ઘટના રોકવા અને પહેલાં પોલીસને ફોન કરવાનો પ્રયાસ કેમ ન કર્યો? આ પ્રશ્ન અંગે ન્યૂઝ લાઇવના તંત્રી અતનુ ભૂઇયાએ એવો ખુલાસો આપ્યો કે, જો રિપોર્ટર આ ઘટનાને રોકવાનો પ્રયાસ કરતો તો બધા પુરાવાનો નાશ થઇ ગયો હોત. આરોપીઓએ હુમલા ચાલુ રાખ્યા હોત.
- ૪૮ કલાકમાં આરોપીઓને પકડવા મુખ્યમંત્રીનો નિર્દેશ
આસામના મુખ્યપ્રધાન તરુણ ગોગોઇએ યુવતીની છેડતી કરનાર બધા જ આરોપીઓને ૪૮ કલાકમાં પકડવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસમાં પોલીસે બનાવેલ ૧૬ આરોપીઓમાંથી માત્ર ચારની ધરપકડ કરાઇ છે. ૧૨ આરોપી હજીપણ નાસતા ફરે છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે, વધારાના મુખ્ય સચિવ એમિલી ચૌધરીની અધ્યક્ષતામાં એક સભ્યના પંચની રચના કરવામાં આવશે. પંચે ૧૫ દિવસમાં રિપોર્ટ સોંપવો પડશે. જ્યારે બીજીબાજુ રાષ્ટ્રીય મહિલા પંચની ટીમ પણ શનિવારે ગુવાહાટી પહોંચી હતી.
રાષ્ટ્રીય મહિલા પંચનાં સભ્યોએ કરી મુલાકાત
રાષ્ટ્રીય મહિલા પંચનાં સભ્યોની એક ટીમે ગૌહાટીમાં પીડિતા સાથે મુલાકાત કરી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, તેની સાથે ગેરવવર્તાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેણીને સિગારેટના ડામ આપવામાં આવ્યાં હતાં. આસામનાં અનેક સંગઠનો રવિવારે પીડિતાનાં સમર્થનમાં રસ્તા ઉપર ઉતરવાનાં છે. તેઓ આરોપીઓની ધરપકડ ન થવાથી નારાજ છે. ઘટનાને છ દિવસ થઈ ગયાં હોવા છતાં ચાર આરોપીઓ ફરાર છે. આથી, લોકોમાં આક્રોશ છે. આસામના ડીજીપી ચૌધરીના કહેવા પ્રમાણે, પોલીસ કોઈ એટીએમ નથી. પોલીસ દ્વારા આજુબાજુનાં રાજ્યોમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જેથી ફરાર શખ્સોને ઝડપી શકાય.
મીડિયાની સક્રિય ભૂમિકા
મીડિયા દ્વારા આ ઘટના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેનાં કારણે, આરોપીઓના ચહેરા પરથી પડદો હટ્યો હતો. જાહેરમાં અનેક સ્થળો પર મોટાં બેનર લટકાવવામાં આવ્યાં છે અને તેમાં આરોપીઓની તસવીરો દર્શાવવામાં આવી છે. બીજી બાજુ, આસામનાં સ્થાનિક મીડિયા દ્વારા પણ સતત આરોપીઓની તસવીરો દેખાડવામાં આવી રહી છે, જેથી આરોપીઓને ઝડપી શકાય.







