બીમારી અનેક વાર એવા સંજોગોમાં લાવી દે છે કે બચવાનું અશક્ય લાગે છે. પરંતુ કેટલાક ડોક્ટર હિમ્મત હારતા નથી. ગંભીર બીમારી સામે લડે છે અને દર્દીને મોતના મુખમાંથી પાછા લાવી દે છે.
આ કોઈ જાદુ નથી. આ ચમત્કાર આપણા ડોક્ટરોના અથાક પરિશ્રમથી થાય છે. ભાસ્કર જુથે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ નિમિત્તે તેના વાચકો માટે આવા જ ‘ચમત્કારિક ઓપરેશન’ના ૧૦ અનોખા કિસ્સા શોધી કાઢયા છે.
કપ જેટલી સાઇઝની કૃત્રિમ કિડની બનાવી
વિશ્વના સૌપ્રથમ કૃત્રિમ કિડની બનાવનારા ભારતીય મૂળના ડોક્ટર સુવો રોય માતા બાંગ્લાદેશી, પિતા ભારતીય, જન્મ બાંગ્લાદેશમાં
કોફીના કપ જેટલી કિડની. તે પણ અસલી નહીં, કૃત્રિમ. પરંતુ તે અસલી કિડની જેવી જ કામગીરી કરે છે. તે લોહીને શુદ્ધ કરે છે. બ્લડ પ્રેશર નિયમિત રાખે છે. વિટામિન-ડી પણ બનાવે છે. અમેરિકામાં રહેનારા ભારતીય મૂળના ડોક્ટર સુવો રોયે આ કામ કરી બતાવ્યું છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોની ટીમે આ કામમાં ડૉ. રોયને મદદ કરી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં આ ચમત્કાર વિશ્વ સમક્ષ થયો. ભારતીય પિતા અને બાંગ્લાદેશી માતાનું સંતાન એવા ડૉ. રોયની બનાવેલી કિડનીનું કેટલાંક પ્રાણીઓ પર સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે.
મોટાપાયે પ્રાણીઓ અને માનવીઓ પર તેના પરીક્ષણ આગામી ત્રણ-ચાર વર્ષ સુધી કરાશે. ત્યારબાદ કિડનીની જુની બીમારી(ક્રોનિક કિડની ડિઝીઝ-સીકેડી)ના દર્દીઓને બે બાબતે સુખ થઈ જશે. એક-પ્રત્યારોપણ માટે કોઈ અંગદાતા ન મળે તો પણ કિડની મળશે. બીજું-બીમારીથી રાહત અને મુક્તિ.
નોલેજ : ગંભીર ડાયાબિટીસથી કિડની ફેઇલ થઈ જાય છે
આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર દેશમાં ૦૫ કરોડથી વધુ ડાયાબિટીસના દર્દી છે. ભારતને વિશ્વમાં ડાયાબિટીસની રાજધાની કહેવાય છે. એઈમ્સ-દિલ્હીના નેફ્રોલોજિસ્ટ ડૉ. સંદીપ મહાજનના જણાવ્યા અનુસાર ડાયાબિટીસના ૪૦ ટકા દર્દીઓ સીકેડીની ઝપટમાં આવે તેવી શક્યતા છે. દેશમાં દર વર્ષે સેકેડીના અંતિમ તબક્કામાં(લાસ્ટ સ્ટેજમાં) હોય તેવા લગભગ ૧.૫ લાખ નવા દર્દીઓ જોડાય છે.
ફેકટ
૧.૩૬ લાખ દર્દીઓને પ્રત્યારોપણ માટે કિડની ન મળતી હોવાથી જીવ ગુમાવવો પડે છે.
બહાર નીકળી ગયેલી આંખનું માત્ર ૧૫૦૦ રૂપિયામાં ઓપરેશન
આંખોની પાછળ જામી ગયેલું લોહી દૂર કરાયું
કેસ : ઝારખંડના સાલમન ડોગરાઈ
ડોક્ટર કોઇપણ દર્દનો ચમત્કારિકરૂપથી સારવાર કરે તો તેમનું મહત્વ વધી જાય છે. જો તેઓ પોતાની ફરજને ગંભીરતા સાથે પૂરી કરે છે તો આવા કિસ્સામાં આ મહત્વ બેગણું થઇ જાય છે. રાંચીની રાજેન્દ્ર આયુર્વિજ્ઞાન સંસ્થાનના ડોક્ટર ૨૧ સપ્ટેમ્બર,૨૦૧૦ના રોજ આવા જ બેવડું મહત્વ ધરાવતાં પરાક્રમને અંજામ આપ્યો હતો.
કિસ્સો કંઇક એવો હતો કે હોકી રમતી વખતે ૧૨ વર્ષના સાલમન ડોગરાઇના માથાના પાછળના ભાગમાં દડો વાગ્યો હતો. જ્યાં દડો વાગ્યો હતો ત્યાં સામાન્ય ઇજા થઇ હતી, પણ બે દિવસ બાદ આંખ લગભગ બે ઇંચ બહાર આવી ગઇ હતી. ડોક્ટરો માટે આ અલગ પ્રકારનો કેસ હતો.
ન્યૂરો સર્જન ડૉ. સી.બી. સહાયના મતાનુસાર, માથામાં વાગવાથી મગજમાં ક્યાંક લોહી જામી જાય છે અથવા તો કાન-નાક દ્વારા લોહી બહાર નીકળી જાય છે. આ સૌપ્રથમ કિસ્સો હતો કે આંખની પાછળના પોલાણ(કેવિટી)માં લોહી જામી ગયું હતું. ડૉ. સહાયના નેતૃત્વ હેઠળ ન્યૂરો અને આંખના સર્જનોની એક ટીમે આંખની ઓરિબટલ રુફ(માથા પર ભ્રમરથી ઉપર) છેદ પાડી, આંખના પાછળના ભાગ સુધી પહોંચી જામી ગયેલા લોહીને સૂક્વીને હટાવી દીધું. ટ્યૂબ ડોલકરે આ જગ્યાની સફાઇ કરી અને આંખ જાતે જ અંદર જતી રહી. આ જટિલ ઓપરેશનનો ખર્ચ માત્ર ૧,૫૦૦ રૂપિયા થયા હતા.
આ રૂપિયામાંથી માત્ર બેભાન કરવાની દવા જ મંગાવાઇ હતી. સાલમન ગરીબ પરિવારનો પુત્ર હોવાથી ડોક્ટરોએ પોતાની ફી પણ નહોતી લીધી. આ કેસને ઇન્ડિયન જર્નલ ઓફ ઓપ્થોલ્મોલોજીમાં પ્રકાશન માટે મોકલવામાં આવ્યો છે.
નોલેજ : માથાની ઈજાના ૬ પૈકી એક કેસમાં મૃત્યુ
ઇન્ડિયન હેડ ઇન્જરી ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર દેશમાં દર વર્ષે લગભગ એક લાખથી વધુ લોકો માથામાં ઇજાના કારણે મોતને ભેટે છે. ભારતમાં આ કારણથી પ્રત્યેક છમાંથી એક દર્દીનું મોત નીપજે છે.
ફેકટ
200 પૈકી એકનું મૃત્યુ થાય છે અમેરિકામાં માથાની ઈજાથી.
લિવર ટ્રાન્સપ્લાન્ટે બે લોકોના જીવ બચાવ્યા
જન્મજાત ખરાબ લિવરને બરાબર કર્યું
ડાઇક (દોઢ વર્ષ) નાઇજિરિયાથી, પ્રિયા (૪૪) ભારતીય
લિવરની અદલા-બદલી, એ પણ ટુકડે-ટુકડે. સાંભળવામાં થોડુંક અજુગતું લાગે પણ દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ડૉ. એ. એસ. સાઇનની સાથે મળીને ૩૫ ડોક્ટરોની ટીમે ૧૮ ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ આ પરાક્રમ કર્યું હતું.
નાઇજિરિયાના દોઢ વર્ષના બાળક ડાઇકને બાઇલરી એસ્ટ્રેસિયા નામની બીમારી હતી. જેના કારણે તેના લિવરનો થોડોક હિસ્સો ખરાબ થઇ ગયો હતો. એવી જ રીતે, દિલ્હીની ૪૪ વર્ષની પ્રિયાના લિવરનો અડધો ભાગ હેપેટાઇટિસ-સી બીમારીથી ખરાબ થઇ ગયો હતો.
બન્ને દર્દીને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હતી. નસીબજોગે, પ્રિયા અને ડાઇકની માતા ચિન્વેનું બ્લડ ગ્રુપ(એ+) એક પ્રકારનું નીકળ્યું. એવી જ રીતે ડાઇક અને પ્રિયાના પતિ હરીશનું બ્લડ ગ્રુપ(બી+) એક પ્રકારનું હતું. તેઓ વચ્ચે સંમતિ સધાઇ. ચિન્વેના લિવરનો ૫૦ ટકા હિસ્સો પ્રિયાને અને હરીશનો લિવરનો ૨૦ ટકા હિસ્સો ડાઇકના લિવરના ખરાબ હિસ્સાને કાઢીને લગાવવામાં આવ્યા. ઓપરેશન ૧૬ કલાક ચાલ્યું.
નોલેજ : લિવરમાંથી પિત્ત લઈ જતી નળીમાં અવરોધથી લિવર ખરાબ થાય છે
ઇન્ડિયન નેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ લિવર દ્વારા થયેલા અભ્યાસ અનુસાર, દેશમાં દર વર્ષે એક લાખથી વધુ લોકો હેપેટાઇટિસ-સી વાઇરસનો શિકાર બને છે.
દેશમાં લગભગ સવા કરોડ લોકો અસરગ્રસ્ત છે. બાઇલરી એસ્ટ્રેસિયા જન્મજાત બીમારી છે. તેનાથી લિવરથી ગોલ બ્લેડર સુધી બાઇલ નામનું પ્રવાહી લઇ જનારી ટ્યૂબમાં અવરોધ પેદા થાય છે અને લિવર ખરાબ થઇ જાય છે. તાકીદે સારવાર ન થઇ તો લિવર ખરાબ થઇ જાય છે.
ફેકટ
૨૦,૦૦૦ બાળકોમાંથી એકને બાઇલરી એસ્ટ્રેસિયા થાય છે.
જયપુરનો પાંચ વર્ષનો અવિનાશ વેન્ટિલેટર પર ૪૦ દિવસ સુધી રહ્યો, પછી એકદમ સ્વસ્થ
બંધ અંગોએ ફરી કામ કરવાનું શરૂ કર્યું
માત્ર પાંચ વર્ષની ઉંમર. વેન્ટિલેટર પર લગભગ ૪૦ દિવસ સુધી રહ્યા બાદ પણ સંપૂર્ણ સલામત છે. જયપુરની જે.કે. લોન હોસ્પિટલમાં ગયા વર્ષે જ્યારે અવિનાશને દાખલ કરાયો તો તેના જીવતા રહેવાની કોઈ જ આશા ન હતી. ડોક્ટરોને પણ આ કેસમાં ખાસ કંઈ સુધારો દેખાતો ન હતો.
બાળકને એવી ગંભીર બીમારી હતી કે જેમાં તેના પગમાંથી નબળાઈ શરૂ થઈને કમર, છાતી, હાથ અને અંતે ગળાની માંસપેશીઓમાં ઝડપથી ફેલાઈ ગઈ અને દુખાવો થવા લાગ્યો. શરીરનાં તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું. તેમ છતાં ડોક્ટરોએ આશા ન છોડી. હોસ્પિટલના શિશુ રોગ નિષ્ણાત ડૉ. અશોક ગુપ્તાના નેતૃત્વમાં સારવાર શરૂ થઈ. બાળક વેન્ટિલેટર પર હતો આથી ડોક્ટરો પણ સતત શંકાશીલ અને સાવધ હતા.
ડૉ. ગુપ્તાના જણાવ્યા અનુસાર આવા કેસમાં પહેલાં તો દર્દીની બચવાની સંભાવના બહુ જ ઓછી હોય છે. બચી જાય તો વધુ દિવસ વેન્ટિલેટર પર રહેવાને કારણે ફેફસાં ખરાબ થઈ જવા કે અન્ય ચેપ લાગવા જેવી સમસ્યા રહે છે. પરંતુ ચમત્કાર થવાનો હતો, થઈ ગયો. બાળક કોઈપણ મુશ્કેલી વિના સાજો થઈ ગયો.
નોલેજ : ૦૯માં ૫૦૦૦ વેન્ટિલેટર વેચાયાં
મેડિકલ ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રીના આંકડા અનુસાર દેશમાં ૨૦૦૯ દરમિયાન વેન્ટિલેટર માર્કેટ લગભગ ૩૫૦ કરોડનું છે. આ દરમિયાન લગભગ ૫૩૫૦ વેન્ટિલેટર્સનું વેચાણ થયું.
માસૂમ બાળકીનું બાળપણ ડોક્ટરોએ પાછું લાવી દીધું
કિશોરી બનતી બાળકીને સાજી કરી
ઇંદોરની અઢી વર્ષની સલોની
અઢી વર્ષની માસૂમ બાળકી. પરંતુ શારીરિક પરિવર્તન કિશોરીની જેવું. તેને મેનોપોઝ શરૂ થઈ ચૂક્યું હતું. સ્તનનો વિકાસ થવા લાગ્યો હતો. આવા જ તમામ ફેરફાર તેના શરીરમાં જોવા મળી રહ્યા હતા. ઈન્દોરની એમ.વાય. હોસ્પિટલના ડૉ. લક્ષ્મી મારૂ પાસે જ્યારે નજીકના આદિવાસી વિસ્તારની સલોનીને લાવવામાં આવી ત્યારે તેના માટે આ ચોંકાવનારો કેસ હતો. તેના રેડિયોલોજિકલ પરીક્ષણ કરાયાં.
માલૂમ થયું કે તેના શરીરમાં સાત વર્ષની બાળકીની જેમ ફેરફાર આકાર લઈ રહ્યા છે. તેના મિસ્તષ્કની એક ગ્રંથિમાં નાની-નાની ગાંઠ હતી. તેને કારણે જ આમ થઈ રહ્યું હતું. ડોક્ટરોએ તેને જીએનઆરએચ ઈન્જેકશન આપવાનો નિર્ણય કર્યો. તે સામાન્ય રીતે ગભૉશયની બીમારીઓની સારવારમાં કામ આવે છે. એક મહિના સુધી તેનો પ્રયોગ કરાયો. ત્રણ મહિના બાદ સલોનીના શરીરમાં કસમયે થઈ રહેલા ફેરફારોની ઝડપ ધીમી થતી ગઈ. સારવાર સફળ થઈ ચૂકી હતી. ડૉ. મારૂ જણાવે છે કે ‘મારી ૩૦ વર્ષની કારકિર્દીમાં મેં અગાઉ ક્યારેય આવો કેસ જોયો નથી, કે સાંભળ્યો નથી.’
નોલેજ : ગ્રીવા કેન્સરમાં ૫૦ ટકા સાજા
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર દર વર્ષે લગભગ ૧,૩૨,૦૮૨ ભારતીય મહિલાઓમાં ગભૉશય ગ્રીવા(સવૉઈકલ)નું કેન્સર હોવાનું નિદાન થાય છે. તે પૈકી ૭૪,૧૧૮ મહિલાનું તેને કારણે મૃત્યુ થાય છે.
અરુણનું ઇજાગ્રસ્ત હૃદય જોડી આપ્યું
હૃદયમાં પડેલું કાણું સાંધી આપ્યું
મેરઠનો ૨૨ વર્ષનો અરુણ
માર્ગ દુર્ઘટનામાં પણ હૃદય તૂટી શકે છે અને ડોક્ટરો તેને જોડી શકે છે. મેરઠના અરુણ શર્માની સાથે ૧૭-૧૮ સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે કંઈક આવી જ ઘટના બની.
મોટરસાઈકલથી થયેલી દુર્ઘટનામાં બાવીસ વર્ષીય અરુણની છાતીનું હાડકું તૂટી ગયું. આ હાડકું થોડું અંદર ઘૂસી ગયું, જેને કારણે હૃદયને નુકસાન થયું. મેરઠના ડોક્ટરોએ હાથ અધ્ધર કરી દીધા એટલે અરુણના કુટુંબીઓ તેને મહામહેનતે એઈમ્સ-દિલ્હી લઈ આવ્યા. દુર્ઘટનાના લગભગ આઠ કલાક પછી તેઓ પહોંચ્યા. ડૉ. એમ.સી. મિશ્રા અને તેની ટીમે દર્દીના બચવાની બહુ ઓછી આશા છતાં દેશમાં આ પ્રકારનું જટિલ ઓપરેશન પાર પાડ્યું.
બે કલાકમાં આ ઓપરેશન પાર પડ્યું. તેમણે સૌપ્રથમ હૃદયના નુકસાન થયેલા ભાગને કલેમ્પથી જકડી રાખ્યું. ત્યારબાદ છાતીના તૂટેલાં હાડકાંને સાજું કરીને તેની જગ્યાએ ફીટ કરી દીધું. ત્યારબાદ ધબકતા હૃદયના નુકસાનગ્રસ્ત ભાગને સાજો કરી દીધો.
નોલેજ : દર કલાકે માર્ગ દુર્ઘટનામાં ૧૪નાં મૃત્યુ
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર દેશમાં દર કલાકે ૧૪ વ્યક્તિનાં મૃત્યુ માર્ગ દુર્ઘટનાને કારણે થાય છે. એક વર્ષમાં લગભગ ૧,૩૫,૦૦૦ લોકોનાં મૃત્યુ માર્ગ દુર્ઘટનામાં થાય છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન રોડ સેફ્ટીના જણાવ્યા અનુસાર આ આંકડા ચીનથી વધારે છે. ચીનમાં ૨૦૦૯માં ૭૦,૦૦૦ વ્યક્તિનાં મૃત્યુ માર્ગ દુર્ઘટનામાં થયા હતા. ત્યાં દર કલાકે આઠ વ્યક્તિનાં મૃત્યુ આના કારણે થાય છે.
‘દેવી’ને બનાવી દીધી બાળકી
ચાર હાથ અને ચાર પગવાળી બાળકી
લક્ષ્મી(૨ વર્ષ)
બિહારના નિવાસી પૂનમ અને શંભુની પુત્રી
બિહારના એક નાનકડા ગામમાં ચાર-ચાર હાથ અને પગ સાથે જન્મેલી લક્ષ્મી નામની બાળકીને લોકો ‘દેવી’ કહેતા હતા, પણ દીકરીની હાલત જોઇને માં પૂનમ અને પિતા શંભુની આંખમાં આંસુ આવી જાય છે. દિલ્હીની એક હોસ્પિટલે લક્ષ્મીનું ઓપરેશન કરવાની ના પાડી દીધી હતી.
એક સ્વૈચ્છિક સંસ્થા આગળ આવીને લક્ષ્મીને બેંગલોરના સ્પર્શ હોસ્પિટલમાં લઇ ગયા. અહીં ડોક્ટરોએ સાતમી નવેમ્બર, ૨૦૦૭ના રોડ દેશના સૌપ્રથમ જટિલ ઓપરેશનને અંજામ આપ્યો. લગભગ ૨૭ કલાકની મહેનત બાદ ૩૦ ડોક્ટરોની આ ટીમે ઓપરેશન કરીને ચાર-ચાર હાથ-પગવાળી લક્ષ્મીને સામાન્ય બાળકી જેવી બનાવી દીધી. ડોક્ટરોએ સફળ ઓપરેશન કરીને વધારાના હાથ-પગ શરીરથી અલગ કરી નાંખ્યા.
આ વધારાના અંગ કમરથી નીચે(પેડુ)ના ભાગ સાથે જોડાયેલા હતા. આથી ડોક્ટરોએ તે અંગને પણ નવો આકાર આપવો પડ્યો હતો. લગભગ સાત દિવસ પછી લક્ષ્મીને નવા રૂપમાં દેખીને તેના માતા-પિતાની આંખમાં ફરી એકવાર આંસુ આવી ગયાં હતાં. જોકે, આ આંસુ ખુશીના હતાં.
નોલેજ : ટિ્વન્સમાંથી એક ભ્રૂણ અવિકસિત રહેવાથી અન્ય અંગ બને છે
શરીરમાં બેથી વધુ હાથ-પગ અથવા વધારાના કોઇ અંગ હોવાની બીમારીને ‘પેરાસિટિક ટિ્વન’ કહે છે. ગર્ભમાં જોડકાં બાળક હોવાથી કોઇવાર એક ભ્રૂણ પૂરો વિકસિત થાય છે અને બીજો અલ્પવિકસિત રહે છે. આવી સ્થિતિમાં અલ્પવિકસિત ભ્રૂણના હાથ-પગ જ નહિ, પણ કિડની-લિવર કે અન્ય અંગ વધારાના રૂપથી વિકસિત ભ્રૂણ સાથે જોડાઇ જાય છે.
ફેકટ
૫૦,૦૦૦ માંથી કોઇ એક બાળકીને જ આ પ્રકારની બીમારી થાય છે.
કૂખમાં ઉછરી રહેલાં બાળકને ૭ વાર લોહી ચડાવાયું
બીમારીથી ચાર વાર ગર્ભપાત થઈ ચૂકયો હતો
ઉત્તર પ્રદેશમાં હરદોઈની પિન્કી
ઓક્ટોબર ૨૦૧૦. હરદોઇની પિન્કીના કૂખમાં ૨૦ સપ્તાહનું એક ભ્રૂણ આકાર લઇ રહ્યું હતું. જ્યારે બહાર ચિકિત્સા જગતનો એક ચમત્કાર. માત્ર ૩૭૮ ગ્રામના આ ભ્રૂણનું હિમોગ્લોબિન સ્તર ઘટી જતું હતું. પ્રથમ વાર તે માત્ર ૨.૬ રહી ગયું હતું. તેને ‘ફીટલ હાઇડ્રોપ્સ’ નામનો રોગ હતો. લખનઉના સંજય ગાંધી પીજીઆઇ હોસ્પિટલના ડોક્ટરોને આ બાબત જાણવા મળી તો, તેઓએ કૂખમાં જ ભ્રૂણને લોહી ચડાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ડિલિવરી થઇ ત્યાંસુધી કૂખમાં ભ્રૂણને ઇન્જેકશન દ્વારા સાત વાર લોહી ચડાવવામાં આવ્યું.
ડૉ. મંદાકિની પ્રધાન અને તેમના સહયોગીઓને એક વાર લોહી ચડાવવામાં ચાર કલાક લાગતા હતા. લોહી ચડાવવા માટે ડોક્ટરો ગર્ભનાળમાં સોય લગાવતા, તો ભ્રૂણ સોયને રોકવા અને દૂર ધકેલવાનો પ્રયાસ કરતો હતો. ડોક્ટરના એક હાથમાં ભ્રૂણની પ્રતિક્રિયા પર નજર રાખવા માટે અલ્ટ્રાસાઉન્ડ પ્રોબ અને બીજા હાથમાં સોય રહેતી હતી. છેવટે, ડોક્ટર્સ સફળ રહ્યા. પિન્કીએ ગયા મહિને એક બાળકીને જન્મ આપ્યો છે.
નોલેજ : ભ્રૂણને એનીમિયાની બીમારી
ફીટલ ડ્રોપ્સમાં ભ્રૂણ એનીમિયાનો શિકાર થઇ જાય છે. માતા-પિતાના લોહીમાં ‘આરએચ ફેકટર’ અલગ હોવાથી માતામાં ‘એન્ટિ આરએચ એન્ટિબોડી’ બનવા લાગે છે. તેનાથી ભ્રૂણના લાલ રક્તકણોનો નાશ થાય છે. તેનાથી ભ્રૂણનું મૃત્યુ નીપજે છે અને માતાને ગર્ભપાત થાય છે.
પાર્થ(૨૨)ને ‘ચિર નિદ્રા’માંથી જગાડ્યો
મગજના તાવથી પીડાતો હતો
સુલતાનપુરનો ૨૨ વર્ષનો પાર્થ ડીપ કોમામાં હતો
૨૨ વર્ષના પાર્થને આશરે બે મહિના પહેલાં લખનઉની સંજય ગાંધી પીજીઆઇ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે ચિર નિદ્રામાં જ હતો. સુલતાનપુરના રહેવાસી પાર્થ જાપાની ઇન્સેફિલાઇટિસ (જેઇ)થી પીડિત હતો. ડીપ કોમા (કોમાની ગંભીર સ્થિતિ, જેમાં દર્દીની ચેતના પરત આવવાની સંભાવના ન બરાબર હોય છે) માં હતો. તેને માત્ર મૃત્યુ પામેલો જાહેર કરવાનો ઇન્તેજાર હતો, પરંતુ હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના ડૉ. સુનીલ પ્રધાન અને તેમની ટીમે પાર્થને ‘ચિર નિદ્રા’થી જગાડવામાં સફળતા હાંસલ કરી.
તેમણે પાર્થની માત્ર ચેતના જ પાછી લાવી નથી પરંતુ તેમાં કોઇ ખોડખાંપણ પણ ન આવવા દીધી. ડૉ. પ્રધાને જણાવ્યું કે, પાર્થ જે સ્થિતિમાં હતો, તેમાં જો દર્દીમાં ચેતના પાછી આવે છે તો પણ તેના શરીરમાં કોઇના કોઇ પ્રકારની ખોડખાંપણ આવવાની ૯૫ ટકા સુધી શક્યતા રહે છે.
ડોક્ટરોએ અંતિમ ચાન્સ લઇને પાર્થની એમઆરઆઇ કરાવવાનો નિર્ણય લીધો હતો. એમઆરઆઇથી ડોક્ટરોને જાણવા મળ્યું કે, પાર્થના મગજમાં નજીવી હિલચાલ બાકી છે. છેવટે આશરે આઠ દિવસ બાદ ડોક્ટરોને સફળતા હાંસલ થઇ હતી. હજીસુધી પાર્થનો ઇલાજ ચાલુ છે.
નોલેજ : પહેલો કેસ ૧૯૫૫માં
જાપાની ઇન્સેફિલાઇટીસને બ્રેઇનનો ફીવર પણ કહેવામાં આવે છે. ભારતમાં તેનો સર્વપ્રથમ કેસ ૧૯૫૫માં તમિળનાડુના વેલ્લોરમાં જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારના આંકડા મુજબ ૨૦૦૯માં આ બીમારીથી ૭૭૪ લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાં સૌથીવધુ ૫૫૬ કેસ ઉત્તરપ્રદેશના છે.
૯૦ ડિગ્રીથી વધુ વળેલાં ઘૂંટણ સાજા થયા
ની-રિપ્લેસમેન્ટ સર્જરી
અમદાવાદના ૪૪ વર્ષીય ફરિદાબેન
અમદાવાદના ઘેલાશા ગામની ૪૪ વર્ષીય ફરીદાબેન રમજાનભાઇ. ચંદ્ર ની ક્લિનિકના ડોક્ટર્સે તેમના માટે એ કામ કર્યું, જે અન્ય ચિકિત્સા પદ્ધતિથી થઇ રહ્યું ન હતું. ફરીદાને ગઠિયાની બીમારી હતી. તેના કારણે તેમના ઘૂંટણ ૯૦ ડિગ્રીથી વધુ વળી ગયા હતા. બન્ને પગે ચાલવાની વાત તો દૂર છે, તેમના માટે ઊભા થવાનું પણ મુશ્કેલ થઇ ગયું હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમને પગની સાથે-સાથે જમીન પર હાથ ટેકીને (પ્રાણીઓની જેમ) ચાલવું પડતું હતું.
પગ સીધા કરવા માટે તેમણે અંગ્રેજી દવાઓની સાથે જ આયુર્વેદિક, હોમિયોપેથિકનો પણ સહારો લીધો હતો. ઘણા ઓર્થોપેડિક સર્જનો પાસે ગયા, પરંતુ ઇલાજ ક્યાંય ન થયો. ત્યારબાદ તેઓ ચંદ્ર ની ક્લિનિક ગયા. ત્યાંના ડાયરેક્ટર ડોક્ટર કે.સી. મહેતાના જણાવ્યા મુજબ ‘મેં પોતાના ૨૨ વર્ષના કેરિયરમાં આ પ્રકારનો કેસ કદી જોયો ન હતો. સાંભળ્યું પણ ન હતું. ઓપરેશન કરીએ તો, સફળતાની આશા ન બરાબર હતી. મોટો પડકાર હતો.
તેમ છતાં મેં જોખમ લેવાનો નિર્ણય લીધો.’ ડોક્ટર મહેતા અને તેમની ટીમે સર્વ પ્રથમ ઘૂંટણની માંસપેશીઓને નરમ કરી. ત્યાર બાદ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરી. ઓપરેશન સફળ રહ્યું. હવે ફરીદાબેન બન્ને પગે ઊભા થાય છે અને ચાલે પણ છે.
નોલેજ : ૭૦ ટકા વૃદ્ધો ઘૂંટણની બીમારીથી પરેશાન
દેશમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૭૦ ટકા લોકો ઘુંટણની બીમારીથી પીડાય છે. દેશમાં લગભગ ૭૦ લાખ યુવાન ઉંમરના લોકોને ઘુંટણ સંબંધિત જ એક અન્ય બીમારી ર્યૂમેટોઈડ આર્થરાઈટીસથી પીડિત છે. આ બન્ને બીમારી વધુ ગંભીર સ્વરૂપ ઓસ્ટિયોઆર્થરાઈટીસ છે. તેમાં હાડકાના જોઈન્ટ્સ (ખાસ કરીને ઘુંટણ અને કમરના) બદલવાની પણ પરિસ્થિતિ ઊભી થાય છે.
લેબોરેટરીમાં તૈયાર થઈ રહ્યાં છે ‘અસલી’ હૃદય
ભવિષ્યમાં આમ થઈ શકશે
અમેરિકામાં સ્ટેમ સેલથી માનવ અંગ બનાવવાની તૈયારી
માનવીના ‘અસલી’ હૃદય લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. આશા છે કે આગામી એક-બે સપ્તાહમાં આ હૃદયમાં ધબકારા શરૂ થઈ જશે. અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક આ સંશોધનને અંજામ આપવાના અંતિમ તબક્કામાં છે. આ વિજ્ઞાનીઓની ટીમનું નેતૃત્વ કરી રહેલા ડૉ. ડોરિસ ટેલર કહે છે કે તેઓ ગણતરીના દિવસોમાં જ ધબકારા શરૂ કરી દેશે.
ટેલર અને તેમની ટીમ માનવીય કોશિકાઓમાંથી જ આ હૃદય વિકસિત કરી રહી છે. તેના માટે તેમણે દાન કરવામાં આવેલા અસલી હૃદયમાંથી તમામ પ્રકારના પદાર્થ હટાવીને માત્ર મૂળ સ્ટ્રકચરને બચાવી લીધું. ત્યારબાદ એક અન્ય વ્યક્તિની માંસપેશીઓમાંથી મૂળ કોશિકાઓ(સ્ટેમ સેલ) લઈને આ સ્ટ્રકચરમાં નાખી દીધી. આ મૂળ કોશિકાઓએ આ સ્ટ્રકચરની આસપાસ ફરીથી હૃદયની જેમ આકાર લેવાનું શરૂ કરી દીધું.
ડૉ. ટેલરના જણાવ્યા અનુસાર જો પ્રયોગ સંપૂર્ણ સફળ થસે તો ભવિષ્યમાં જે વ્યક્તિમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાશે તેની કોશિકાઓમાંથી નવા હૃદય વિકસિત કરી તેમાં પ્લાન્ટ કરી શકાશે. આવા સંજોગોમાં શરીર નવા હૃદયને સરળતાથી સ્વીકાર કરી લેશે. ત્યારબાદ લિવર, કિડની અને ફેફસા જેવા અંગોને પણ વિકસાવવા શક્ય બનશે.