લખનઉના પાર્કમાં માયાવતીની પ્રતિમા ફરી સ્થાપિત

- બસપાના કાર્યકરો રસ્તા પર ઉતર્યા
- કાવત્રાખોરોને કોઈ અફસોસ નહીં
ગુરૂવારે યુપીના લખનઉમાં એક પાર્કમાં લગાવવામાં આવેલી માયાવતીની પ્રતિમાનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. આ અંગેના સમાચાર ફેલાતા બસપા કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ કૃત્યને અંજામ આપનારા અમિત જાનીએ કહ્યું હતું કે તેને કોઈ અફસોસ નથી. બીજી બાજુ, રાજ્ય સરકારે ગજબની સ્ફૂર્તિ દાખવી હતી અને ગણતરીની કલાકોમાં જ માયાવતીની બીજી પ્રતિમા લગાવી હતી.
માયાવતીની નવી પ્રતિમા મુકવામાં આવી
યુપી નવનિર્માણ સેનાના કાર્યકરોએ માયાવતીની પ્રતિમાને નુકશાન પહોંચાડ્યું તેના 12 કલાકમાં જ લખનઉના ડીએમ અને ડીઆઈજીની દેખરેખમાં માયાવતીની નવી પ્રતિમા લગાવી દેવામાં આવી હતી. આ પ્રતિમા સંગીત નાટ્ય અકાદમીથી લાવવામાં આવી હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
કોણ છે અમિત જાની ?
અમિત જાની સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. તેણે લોકસભાની ટિકિટ માટે દાવેદારી કરી હતી. જાનીનો દાવો છે કે તેના કારણે પાંચ હજાર કરતા વધુ કાર્યકરો સપામાં જોડાયા છે. યુપીના ડીજીપીના કહેવા પ્રમાણે, અમિત જાની ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. જાનીની સામે સાત કેસ ચાલી રહ્યા છે. અમિત જાનીનું કહેવું છે કે, માયાવતી સરકારે પૂતળાં પાછળ પ્રજાના કરોડો રૂપિયા બરબાદ કર્યાં છે. સંગઠનના જે લોકોએ પૂતળાઓને નુકશાન પહોંચાડ્યું છે તે અભિનંદનને પાત્ર છે.
બસપાની પ્રતિક્રિયા
માયાવતીની પ્રતિમા તોડવાના વિરોધમાં બસપાના કાર્યકરો યુપીના અલગ-અલગ શહેરોમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. લખનઉ, મથુરા, અલ્લાહબાદ, ગાઝિયાબાદ અને મેરઠમાં બસપા કાર્યકરોએ હંગામો કર્યો હતો. દેખાવકારોએ અનેક ગાડીઓ સળગાવી નાખી હતી. લખનઉમાં સ્વામી પ્રસાદ મૌર્ય, સુખદેવ રાજભર અને બીજા કાર્યકરો ધરણાં પર બેસી ગયા હતા. મોડી રાત્રે વહીવટી તંત્રની સમજાવટથી તેઓ ધરણાં સમાપ્ત કરવા તૈયાર થઈ ગયા હતા.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.






