ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન માયાવતીએ ગુરૂવારે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે ઉત્તરપ્રદેશના ભટ્ટા પરસૌલમાં પ્રવર્તમાન સ્થિતિ અને જમીન વળતર વચ્ચે કોઈપણ પ્રકારનો સંબંધ નહીં હોવાનો દાવો કર્યો હતો. માયાવતીએ આરોપ મુક્યો હતો કે, વિરોધપક્ષના રાજકારણના કારણે ઉત્તરપ્રદેશમાં કયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.
-રાય બરેલીની વાત કરે કોંગ્રેસ: માયાવતી
-ત્યાં પણ ખેડૂતોને જમીનનું વળતર નથી મળ્યું: ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન
-ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન માયાવતીએ ગુરૂવારે પત્રકાર પરિષદને સંબોધી
રાજકીય ષડયંત્ર હેઠળ ખેડૂતોની આડમાં અરાજક તત્વોએ ભટ્ટા પરસૌલની ઘટનાને અંજામ આપ્યો હતો. જેના માટે સરકારને અને તેમને ખેદ છે. ભટ્ટા પરસૌલની ઘટનાને ખેડૂતોના વળતર સાથે જોડીને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ રીતે ઉત્તરપ્રદેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.
માયાવતીના કહેવા પ્રમાણે, ગ્રેટર નોઈડા માસ્ટલ પ્લાન હેઠળ આ જમીન લેવામાં આવી છે. નહીં કે, યમુના ગંગા એક્સપ્રેસ હાઈવે હેઠળ. ખેડૂતોને આ અંગેનું વળતર અગાઉ જ મળી ગયું છે. તેમણે સરકારી કામ માટે ગયેલા સરકારી તત્વોને ગોંધી રાખવાની ઘટનાની પણ નિંદા કરી હતી.
માયાવતીએ આરોપ મુક્યો હતો કે, કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને ભાજપ ભળેલાં છે. એટલે જ રાય બરેલીમાં રેલવે કારખાનામાં જે ખેડૂતોની જમીન ગઈ છે, તેમનો મુદ્દો ઉઠાવવામાં નથી આવતો. તેમને પૂરતું વળતર મળ્યું નથી છતાં તેની વાત કરવામાં નથી આવતી.
જો કે, ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથસિંહે પુનરોચ્ચાર કર્યો હતો કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ઉત્તરપ્રદેશની માયાવતી સરકાર સાથે ભળેલાં છે. એટલે જ રાહુલ ગાંધીને બુધવારે ભટ્ટા પરસૌલ જવા દેવામાં આવ્યા હતા. બસપા અને સપા પીએસીમાં કોંગ્રેસ સાથે થઈ ગયા હતા. જ્યારે કેન્દ્ર સરકાર પર કોઈપણ જાતનું સંકટ આવે ત્યારે તેમની સાથે થઈ જાય છે.
દરમિયાન કિશાન નેતા મહેન્દ્ર ટિકૈત, રાકેશ ટિકૈત, લોજપના રામવિલાસ પાસવાનને ભટ્ટા પરસૌલ જતા અટકાવવામાં આવ્યા હતા. તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. માયાવતીએ આરોપ મુક્યો હતો કે, આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ષડયંત્ર રચવામાં આવી રહ્યાં છે.
તમારો મત
શું તમને લાગે છે કે, ખેડૂતો પાસેથી વિકાસના નામે જમીન મેળવી લેવામાં આવે છે પરંતુ, તેના લાભ ખેડૂતો સુધી પહોંચી શકતા નથી. દેશના તમામ રાજ્યોમાં આવું થઈ રહ્યું છે? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.