રાહુલ અહીં નહીં પણ રાયબરેલીના ખેડૂતોનાં આંદોલનને ટેકો આપે
ઘર(કેન્દ્ર સરકાર)માં ચાલતું નથી ને અહીં રાજકારણ રમવા આવે છે : માયા
ગ્રેટર નોઇડામાં જમીન અધિગ્રહણના મુદ્દે ખેડૂતો સાથે ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીની ધરપકડ અંગે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતીએ ઉલ્ટું કેન્દ્ર સરકાર પર જ પ્રહારો કર્યા હતા. તેમણે ટકોર કરી હતી કે ‘રાહુલ જમીન અધિગ્રહણને લઇને નવા કાયદા પર સક્રિયતા તો બતાવે. ઘરમાં તેમનું કાંઇ ચાલતું નથી અને અહીં રાજકારણ રમી રહ્યા છે.
માયાવતીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ભટ્ટા-પરસૌલામાં નહિ પણ રાયબરેલીમાં આંદોલન કરવું જોઇએ. રાહુલ જો ખરેખર ખેડૂતોના શુભચિંતક હોય તો તેમણે રાયબરેલીના ખેડૂતો સાથે રહેવું જોઇએ જેમને જમીનના બદલામાં વળતર મળ્યું નથી.
જેના પ્રત્યાઘાતમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે રાયબરેલીમાં જમીન સંપાદન રેલવે પ્રોજેક્ટ માટે કરવામાં આવ્યું છે. જ્યારે ભટ્ટા-પરસૌલામાં ખાનગી કંપનીઓ અને બિલ્ડરો માટે જમીન અધિગ્રહણ કરવામાં આવ્યું છે. માયાવતીએ રાહુલની ધરપકડને વાજબી ગણાવીને ધરણા પર બેસવાની તેમના કાર્યને ‘નાટકબાજી’ ગણાવી હતી.
જમીન સંપાદન મુદ્દે રાહુલ ઘરમાં લડે
માયાવતીએ કહ્યું કે ‘કોંગ્રેસી યુવરાજ ખરેખર ખેડૂતોના હિતેચ્છુ હોય તો તેમની વચ્ચે જવાને બદલે નવો જમીન અધિગ્રહણ કાયદો લાવવા માટે પોતાના ઘર(કેન્દ્ર સરકાર)માં લડે. માયાએ ટોણો માર્યો હતો કે ‘શું કરે ઘરમાં બિચારાનું ચાલતું નથી, એટલે અહીં રાજનીતિ રમવા આવે છે’.
વળતર અંગે અપપ્રચાર
માયાવતીએ જણાવ્યું હતું કે વિપક્ષો જમીન વળતરના મુદ્દે અપપ્રચાર ફેલાવી રહ્યા છે. આ જમીન ગ્રેટર નોઇડા ઓથોરિટી પ્લાન માટે વર્ષ ૨૦૦૯-૧૦માં અપાઇ હતી. ભટ્ટા અને પરસૌલા ગામના ખેડૂતો સંપાદિત જમીનનું વળતર પહેલાં જ લઇ ચૂક્યા છે.
રાજનાથ, જેટલી અને નક્વીની ધરપકડ
ભટ્ટા-પરસૌલા ગામના ખેડૂતોના સમર્થનમાં ગાઝિયાબાદમાં ધરણા પર બેઠેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ રાજનાથસિંહ, અરુણ જેટલી અને મુખ્તાર અબ્બાસ નક્વીની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. ગુરુવારે સવારે ૧૧ વાગે રાજનાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી.
જમીન અધિગ્રહણ અંગે ટૂંકમાં બિલ: કેન્દ્ર
કેન્દ્ર સરકારે જણાવ્યું કે સંસદના આગામી સત્રમાં જમીન અધિગ્રહણને લઇને નવું વિધેયક રજુ કરવામાં આવશે. જેના પર સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરાશે. નવા વિધેયકમાં વધુ સારું વળતર, પુન:વસન અને અન્ય જોગવાઇઓ હશે.
રાહુલની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના દેખાવો
રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં લખનઉ, મુંબઇ, કોલકાતા અને હૈદરાબાદ સહિત દેશના કેટલાંય શહેરોમાં કોંગ્રેસે દેખાવો કર્યા હતા. તમામ સ્થળોએ માયાવતીના આ પગલાંનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. લખનઉમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રીટા બહુગુણા જોશીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મુંબઇમાં વિલે પાર્લે, મલાડ, બોરીવલીમાં પણ માયાવતી સામે દેખાવો થયા હતા.