વડાપ્રધાન મનમોહન સિંહે માન્યું છે કે દેશમાં અમીરો અને ગરીબો વચ્ચે વધી રહેલી ખાઈને કારણે સમાજમાં અપરાધને પ્રોત્સાહન મળી રહ્યું છે. વડાપ્રધાને પોલીસ અધિકારીઓના સંમેલનમાં કહ્યું હતું કે વધી રહેલી આર્થિક અસમાનતા એ સમસ્યાઓમાંની એક છે કે જેનો સામનો પોલીસે પણ કરવો પડે છે.
મહત્વપૂર્ણ છે કે ભારતમાં અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધવાનો સિલસિલો ખુલ્લી અર્થવ્યવસ્થા (ઉદારીકરણ)નો દોર શરૂ થયા બાદ ઝડપી બની છે. ઉદારીકરણની શરૂઆતનું શ્રેય મનમોહન સિંહને જાય છે. 1991માં જ્યારે ઉદારીકરણનો દોર શરૂ થયો, ત્યારે મનમોહન સિંહ નાણાંમંત્રી હતા. 2003થી જ ભારતીય અર્થવ્યવસ્થામાં 7થી 9 ટકાનો વિકાસદર નોંધાય રહ્યો છે. સાથે શહેરી વિસ્તારોમાં નવા ઘર બની રહ્યાં છે અને શોપિંગ મોલની સંખ્યામાં પણ ધણી છે. પરંતુ મોટાભાગના લોકોની હાલત ખરાબ છે. હાલ એ છે કે દેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 43.5 ટકા બાળકો કુપોષણનો શિકાર છે. આ સ્થિતિ આફ્રિકા ખંડના કેટલાંક દેશો કરતાં પણ ખરાબ છે. 1991માં આર્થિક ઉદારીકરણની શરૂઆતમાં આ આંકડો તેનાથી થોડો વધારે એટલે કે 52 ટકા હતો.
ભારતમાં રોજ 50 રૂપિયાથી પણ ઓછી આવકવાળાની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. બીજી તરફ લાખોપતિ અને કરોડોપતિ લોકોની સંખ્યા પણ અહીં ઘણી ઝડપથી વધી રહી છે. 2007માં દેશમાં કરોડપતિઓની સંખ્યા 22.3 ટકાના દરે વધી અને તેમની સંખ્યા 1,23,000 પર પહોંચી હતી. બીજી તરફ 50 રૂપિયાથી ઓછી રોજની આવકવાળા ભારતીયોની સંખ્યા 35 કરોડ અને 100 રૂપિયાથી ઓછું કમાનારા ભારતીયોની સંખ્યા 70 કરોડ હતી. એટલે કે દરેક કરોડપતિઓની પાછળ 7 હજાર ગરીબ છે.
ઉદારીકરણના દોરમાં નક્સલી સમસ્યા ઘણી ગંભીર થઈ છે. વડાપ્રધાને તેને દેશની આંતરીક સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આજે તેમણે કહ્યું હતું કે આ સમસ્યાનું ગંભીર રૂપ લેવાનું એક કારણ અમીર-ગરીબ વચ્ચેની ખાઈ છે. વડાપ્રધાને કહ્યું હતું કે નક્સલ સમસ્યાથી પ્રભાવિત વિસ્તારોમાં આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપીને માઓવાદીઓને કાબૂમાં કરી શકાય છે. વડાપ્રધાન પ્રમાણે, નક્સલી ગરીબ ખેડૂતોના અસંતોષનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે વિદ્રોહી `આપણા લોકો` હતા અને નક્સલ હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ માટે સરકાર તૈયાર છે. નક્સલ વિદ્રોહી મધ્ય અને પૂર્વ ભારતમાં છેલ્લા કેટલાંક દશકાથી સક્રિય હતા. પરંતુ હથિયારબંધ હિંસાનો રસ્તો તેમણે છેલ્લા કેટલાંક વર્ષોથી તેજ કર્યો છે. જેના કારણે પોલીસ અને અર્ધલશ્કરી દળો પર હુમલાની સંખ્યામાં વધારો થયો છે.
પોલીસ પ્રમુખોના સંમેલનના બીજા દિવસે મનમોહન સિંહે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને ચારે દિશાઓમાંથી પડકારો મળી રહ્યાં છે. જેમાં કાશ્મીરમાં તણાવ, નક્સલી હિંસા અને ગુનાખોરીમાં વધારાનો સમાવેશ થાય છે. વધતી આર્થિક, પ્રાદેશિક, ભાષાયી અને સામુદાયિક અસમાનતા પોલીસ માટે એક પડકાર છે. નોન સ્ટેટ એકટર્સ (એવા તત્વો જે કોઈ દેશના નાગરીક ન હોય)ની વધતી ઉપસ્થિતિ, કટ્ટર સમૂહો અને ડાબેરી વિચારવાળા કટ્ટરપંથીઓએ સમસ્યાને વધારી દીધી છે.