સોમવારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટીમ અણ્ણા ઉપરના હુમલાને વધુ તેજ કરી દેવામાં આવ્યા હતા અને સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે , જો અણ્ણા હજારેને કોઈ રાજકીય પક્ષનું સમર્થન નથી તો તેમણે ઉપવાસ છોડ્યા પછી શા માટે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.
-અણ્ણાએ શા માટે મોદીના વખાણ કરેલાં ?: કોંગ્રેસ
-અણ્ણા ભાજપ-શાસિત રાજ્યોની ટીકા નથી કરતા
-અણ્ણા નિવેદનબાજી પર કાબુ કરે
પક્ષના પ્રવક્તા મનિષ તિવારીએ નવીદિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા ટીમ અણ્ણા પર તેજ હુમલા કર્યા હતા અને આરોપ મુક્યો હતો કે, બાબા રામદેવ ભાજપ પ્રત્યે નરમ વલણ ધરાવે છે. આથી, અણ્ણા ક્યારેય ભાજપ શાસિત રાજ્યોની ટીકા નથી કરતા. તેમણે ઉપવાસ છોડ્યા પછી, તરત તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ શા માટે કર્યા હતા ? લોકપાલ બીલમાંથી વડાપ્રધાનને બાકાત રાખવાનો સવાલ મનિષ તિવારી ટાળી ગયા હતા. તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે, જે કાંઈ નિર્ણય લેવાનો હશે તે ડ્રાફ્ટિંગ કમિટિના સભ્ય લેશે. જ્યારે બીલ રજૂ થશે ત્યારે પાર્ટી જવાબ આપશે.
મનિષ તિવારીએ દાવો કર્યો હતોકે, યુપીએ સરકાર દેશના 120 કરોડ લોકોની પ્રતિનિધિ છે. કારણ કે, લોકોએ તેમને ચૂંટીને મોકલ્યાં છે. તથા ટીમ અણ્ણા વર્તમાન સરકારને 'ઠગોનું જૂથ' કહીને લોકશાહીનું અપમાન કરી રહ્યાં છે. આ સરકાર જ તેમના ઉપવાસ તોડાવવા આગળ આવી હતી અને તેમને પણ લોકપાલ બીલ ઘડવાની સમિતિમાં સામેલ કર્યા હતા. કોંગ્રેસે આરોપ મુક્યો હતો કે, અણ્ણા દ્વારા છેલ્લા બે મહિના દરમિયાન બેજવાબદારી પૂર્વક નિવેદનબાજી કરવામાં આવી રહી છે. જેના પર નિયંત્રણ મુકવાની જરૂર છે. સરકાર જો સિવિલ સોસાયટીના સભ્યો સાથે વાતચીત કરી રહી હોય તો તેને સરકારની નબળાઈ ન સમજવી જોઈએ.
તિવારીએ આરોપ મુક્યો હતોકે, લોકપાલ બીલ અંગેની ચર્ચાઓ પડી ભાંગે તે માટે રાજકીય પ્રયાસો થઈ રહ્યાં છે. કોઈપણ વિવાદ થયો હોય તો ડ્રાફ્ટિંગમાંથી ખસી જવાના બદલે ચર્ચા શા માટે કરવામાં નથી આવતી ? વાતચીત પડી ભાંગે તેની પાછળ કોણ છે ? તેની પાછળ કોણ છે ? ઉલ્લેખનીય છે કે, અણ્ણા હજારે ગુજરાત આવીને ગુજરાત સરકારની ટીકા કરી ચૂક્યાં છે. તેમણે આરોપ મુક્યો હતો કે, ગુજરાતમાં શરાબ અને ભ્રષ્ટાચારની બોલબાલા છે.
તમારો મત
શું તમને લાગે છે કે, દેશને કડક લોકપાલ કાયદો મળશે ? વિવિધ પ્રકારના વિવાદોના કારણે લોકોનું ધ્યાન ભ્રષ્ટાચાર અને કાળા નાણાના મુળ મુદ્દા પરથી ખસી રહ્યું છે ? તમારો મત નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી ઈન્ટરનેટ નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર વિવાદાસ્પદ, ધૃણાસ્પદ કોમેન્ટ લખવી ગેરકાયદેસર છે. આ પ્રકારની કોમેન્ટ માટે લખનાર વાચક જવાબદાર રહેશે.