રેલવે મંત્રી મમતા બેનર્જીની લાલગઢ રેલીને સમર્થન આપનારા નક્સલી નેતા કિશનજીએ હવે આરોપ લગાવ્યો છે કે મમતાએ નક્સલીઓનો પક્ષ રાખવાના સ્થાને 9 ઓગસ્ટની રેલીનો રાજકીય ફાયદો ઉઠાવ્યો છે.
કિશનજીએ સ્વામી અગ્નિવેશ પર પણ ગૃહમંત્રી પી. ચિદમ્બરમની લાઈન પર ચાલવાનો આરોપ લગાવ્યો છે. કિશનજીએ એક ખુલ્લા પત્રમાં કહ્યું છે કે રેલીમાં સીપીએમના આતંકની તો ચર્ચા થઈ, પરંતુ તેમા કોઈપણ વ્યક્તિને માઓવાદીઓ પર થનારા હુમલા અને નકલી અથડામણમાં માર્યા ગયેલા પીસીપીએના અધ્યક્ષ લાલમોહન ટુડુની હત્યાનો ઉલ્લેખ કર્યો ન હતો.
આ કોઈપણ પ્રકારની શાંતિની પહેલ ન હતી. કિશનજીએ કહ્યું છે કે મમતા બેનર્જીએ આ રેલીનો ઉપયોગ તેમણે અને તેમની પાર્ટીએ રાજકીય હિત માટે કર્યો તથા લોકોને માઓવાદીઓ અને પીસીપીએથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી.
નક્સલી નેતાએ માઓવાદીઓ દ્વારા કરવામાં આવતી હત્યાઓને યોગ્ય ઠેરવી અને 28મી મેએ થયેલી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ દુર્ઘટનાની પણ સ્વતંત્ર તપાસની માગણી કરી છે.
કિશનજીએ સ્વામી અગ્નિવેશને આગ્રહ કર્યો છે કે તેઓ એક સ્વતંત્ર તપાસ સમિતિ બનાવે કે જે એન્કાઉન્ટરના નામે થયેલી હત્યાની તપાસ કરે. અગ્નિવેશ લાલગઢની રેલીમાં હાજર હતા.