નક્સલીઓ સાથેની વાતચીતમાં મધ્યસ્થતા કરવાથી તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને રેલવે મંત્રી મમતા બેનર્જીએ ઈન્કાર કર્યો નથી. મમતાએ સંકેત કર્યો છે કે તેઓ આ સંદર્ભે વિચાર કરશે. મમતાએ એમ પણ કહ્યું છે કે માઓવાદી પ્રવક્તા આઝાદની મોત પર આપેલા તેમના નિવેદન પર તેઓ હજી પણ કાયમ છે. મમતાએ આઝાદના આ એન્કાઉન્ટરને હત્યા ગણાવી હતી અને તપાસની માગણી કરી હતી.
નક્સલીઓ સાથે વાતચીત માટે મધ્યસ્થતાની આ વાત એટલા માટે આવી છે, કારણ કે નક્સલી નેતા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીએ સરકાર સામે ત્રણ માસના સંઘર્ષવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. તેણે સરકાર અને માઓવાદીઓ વચ્ચે વાતચીત માટે મધ્યસ્થોના નામોની યાદીમાં રેલવે મંત્રી મમતા બેનર્જીનું સ્વાગત કર્યું છે.
નક્સલી નેતા કિશનજીએ તેની સાથે ત્રણ શરતો મૂકી છે. આ ત્રણ શરતો છે- ગૃહ મંત્રી પી. ચિદમ્બરમને હટાવા, વાતચીત માટે સ્વતંત્ર મધ્યસ્થ હોય અને ત્રણ માસ માટે દ્વિપક્ષીય સંઘર્ષ વિરામ થાય.
આખરે માઓવાદી સંઘર્ષ વિરામ કેમ ઈચ્છે છે? તે એક મોટો સવાલ છે. હકીકતમાં માઓવાદીઓને હાલ રાહત અને આરામની જરૂરત છે. જે ઓપરેશન ચાલી રહ્યું છે, તેમા તેમને ઘણાં મોટા નેતાઓ ખોવા પડયા છે અને કેડરના જોશ પર અસર પડી છે.
ગણપતિ અને કિશનજી જેવા કેટલાંક નેતાઓને બાદ કરતાં નક્સલીઓના બાકીના મોટા નેતાઓ યા તો આઝાદની જેમ માર્યા ગયા છે અથવા તો ઝડપાય ગયા છે. નક્સલીઓને એ વાતનો અહેસાસ છે કે તેમના તમામ મોટા નેતાઓની દૈનિક હરકતો પર ગુપ્તચર એજન્સીઓની અને પોલીસની નજર છે. માટે તેમની પ્રવૃતિઓ સીમિત થઈ ગઈ છે અને ક્યાંય આવી-જઈ શકતા નથી.
નક્સલીઓને ડર છે કે જો કાર્યવાહી ચાલુ રહેશે તો તેમનો પ્રભાવ છત્તીસગઢ અને ઝારખંડના કેટલાંક જિલ્લાઓ સુધી સમિતિ થઈ જશે. સૌથી મોટી સમસ્યા એ છે કે નક્સલીઓને પોતાની સાથે સામેલ થાય તેવા નવા માણસો મળી રહ્યાં નથી. તેની સામે તેમની સાથે લડી રહેલા લોકો હથિયાર છોડીને મજૂરી માટે શહેરો તરફ વળી રહ્યાં છે.