પક્ષના ધારાસભ્ય અને અભિનેતા ચિરંજિતની ફિલ્મ માટે એક ગીત લખવા તૈયારી બતાવી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એક સારા પેઈન્ટર છે અને સારા કવિયત્રી પણ છે તે જાણીતી વાત છે. પરંતુ હવે તેઓ એક ડગલું આગળ વધી રહ્યાં છે. મમતા હવે ફિલ્મના ગીતકાર બનવા જઈ રહ્યાં છે.
અભિનેતામાંથી ધારાસભ્ય બનેલાં ચિરંજિતની આગામી ફિલ્મ માટે મમતા ગીત લખશે. ચિરંજિત પશ્ચિમ બંગાળનો જાણીતો અભિનેતા છે અને ગત વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈને હવે વિધાનસભામાં પહોંચી ગયા છે. તે યુવતીઓની ગેરકાયદે હેરફેરની સ્ટોરી આધારિત એક ફિલ્મ બનાવી રહ્યાં છે.
ચિરંજિતે કહ્યું કે ‘દીદી’એ તેમની આ ફિલ્મ માટે એક ગીત લખવાની તૈયારી બતાવી છે. જોઈએ હવે કેવી રીતે આ બાબત આગળ વધે છે. ક્યા કારણસર તેમણે મમતા બેનરજીને ફિલ્મ માટે ગીત લખવા કહ્યું તેવા સવાલના જવાબમાં ચિંરજિતે કહ્યું કે ‘દીદી તેમના શબ્દો દ્વારા લોકોના સમૂહને સંદેશો આપવાની ગજબની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તેમના સ્કેચીઝ, પેઈન્ટિંગ અને કવિતાઓ પરથી સ્પષ્ટ થાય છે કે તેમની એસ્થેટિક સેન્સ(સૌંદર્ય પારખવાની ક્ષમતા) પણ સારી એવી છે.’
અભિનેતાએ કહ્યું કે કોલકાતાની નજીકમાં આવેલાં તેમના મતવિસ્તાર બરસાતના લોકોના વાસ્તવિક જીવન આધારિત સ્ટોરી પર ફિલ્મ બનાવવાની પ્રેરણા પણ મમતાએ તેમને આપી છે.