સિમલાની આસપાસના ગામડામાંથી અનેક સ્થળે ૨૦-૨૫ યુવાનોની ટુકડી ભેગી થઇ રહી છે. તેઓ માલપુડા બનાવવાની તૈયારી કરે છે. દિવાળી અને મીઠાઇનો સંબંધ જૂનો છે પરંતુ સિમલાની આસપાસના ગામોમાં દિવાળી અને માલપુડાનો સંબંધ કંઇક અલગ છે. ઈતિહાસવિદ્ ડૉ. પ્રેમપ્રસાદ પંડિતના જણાવ્યા અનુસાર ૧૫૦ વર્ષ અગાઉ ભારતના વાઇસ રોયલોડ ડેલહાઉસી દિવાળી દરમિયાન સિમલામાં હતાં તે સમયે તહેવાર નિમિત્તે બનાવાયેલા માલપુડા તેમને અપાયા હતા.
તેમને આ મીઠાઇ એટલી પસંદ પડી કે તેઓ માત્ર દિવાળીની પૂજામાં જ સામેલ થયા એટલું જ નહિ મોટાપાયે માલપુડા બનાવડાવીને આજુબાજુના ગામોમાં વહેંચ્યા.
ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. આ દિવસોમાં અહિ મોટા વાસણો લાવીને ગોળ તથા ઘી અને લોટ ભેગો કરી માલપુડા બનાવાય છે. આ વખતે પણ સિમલા અને તેની આસપાસમાં રહેતા લોકો માટે મોં મીઠું કરાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે.