ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા અને તેમના સાથીઓએ દુબાઈમાં 201 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેના પુરાવા પ્રવર્તન નિદેશાલય પાસે છે. નિદેશાલયે વિશેષ ન્યાયાધીશ પંકજ કુમારની કોર્ટમાં પુરાવા રજૂ કર્યા છે. આ પુરાવા પરથી માલૂમ પડે છે કે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ દુબઈમાં પણ મધુ કોડાની અચલ સંપત્તિ છે.
મજબૂત પૂરાવા મળ્યા બાદ પ્રવર્તન નિદેશાલયના વિશેષ ન્યાયાધીશ પંકજ કુમારની કોર્ટે એલઆર (લેટર ઓફ રેગ્યુલેટરી) જાહેર કરી દીધી છે. આ એલઆર દુબઈના સંબંધિત ન્યાયાલય અને દુબઈના સંબંધિત અધિકારીને જાહેર કરાય છે. આ એલઆર આદેશમાં કહેવામાં આવ્યું છે કે દુબઈ ન્યાયાલય કે સંબંધિત અધિકારી કોડા અને કંપની દ્વારા રોકાણ કરાયેલા 201 કરોડ રૂપિયા સંદર્ભે તપાસ કરીને વિશેષ ન્યાયાલયમાં કે પછી પ્રવર્તન નિદેશાલયને રિપોર્ટ આપે. આ એલઆર પુણે નિવાસી અનિલ આદિનાથ વિરુદ્ધ જાહેર કરવામાં આવ્યો છે.
પુરાવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનિલ આદિનાથ વાસ્તવમાં પુણેનો જમીન દલાલ છે અને તે હવાલ દ્વારા રૂપિયા મોકલે અને મંગાવે છે. મહત્વપૂર્ણ છે કે પ્રવર્તન નિદેશાલયે મની લાંડ્રિંગ એક્ટ હેઠળ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા અને ભૂતપૂર્વ મંત્રીઓ કમેલેશ સિંહ, ભાનુ પ્રતાપ શાહી અને બંધુ તિર્કી વિરુદ્ધ 9 ઓક્ટોબર, 2009ના રોજ 4000 કરોડ રૂપિયાના ગોટાળાનો મામલો નોંધ્યો હતો.
ઓક્ટોબર-2009માં ઈન્કમટેક્ષ વિભાગ અને પ્રવર્તન નિદેશાલયે મધુ કોડા અને તેમના સહયોગીઓના દેશભરમાં 70 ઠેકાણાઓ પર છાપામારી કરી હતી. છાપામારી દરમિયાન વિભાગને કેટલાંક મહત્વના પૂરાવા મળ્યા હતા. જેમાં દુબઈમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાના દસ્તાવેજો પણ મળ્યા હતા.
તપાસમાં દુબઈમાં બે પ્રોજેક્ટ મેળવાયા છે. આ સિવાય દુબઈમાં ઘર-જમીન લેવાના પૂરાવા પણ મળ્યા છે. આ ઘર-જમીન બુર્જ દુબઈમાં છે. દુબઈની દીમા નામની જગ્યા પર કોડાની ઘણી સંપત્તિ છે. જેની કિંમત 68 કરોડ 776 રૂપિયા આંકવામાં આવે છે.