ચર્ચા-વિચારણા વગર ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ બિલને પસાર કરવાનો વિરોધ અને પગારવધારા અંગે સભ્યો દ્વારા ભારે હોબાળો મચાવતાં શુક્રવારે દિવસભર માટે ગૃહમોકૂફ રહ્યા બાદ લોકસભામાં મળેલી ‘મોક’ સંસદમાં લાલુપ્રસાદ યાદવ વડાપ્રધાન અને ગોપીનાથ મુંડે અધ્યક્ષ બન્યા હતા.
ભારે શોરબકોર પછી નાયબ અધ્યક્ષ કારિયા મુંડેએ ગૃહ મોકૂફ રાખ્યા બાદ તુરંત જ રાજદ, સપા, ભાજપના સભ્યોએ ગૃહની મધ્યમાં ધરણા કર્યા હતા. ત્યાર પછી તેમણે એક મોક સત્ર શરૂ કર્યું હતું જેમાં ભાજપના નાયબ નેતા ગોપીનાથ મુંડે અધ્યક્ષ બન્યા હતા અને રાજદના વડા લાલુપ્રસાદ યાદવ વડાપ્રધાન બન્યા હતા.
આ મોક સત્રના કાર્યવાહી સરળતાપૂર્વક ચાલવાની બાંહેધરી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવે આપી હતી. આ મોક સત્રમાં ૭૦ સાંસદોએ ભાગ લીધો હતો અને મેડિકલ કાઉન્સિલ બિલ સહિત વિવિધ ચર્ચા કરી હતી.
આ ચર્ચા દરમિયાન મેનકા ગાંધી(ભાજપ) બોલવા ઊભા થયાં હતાં. થોડાક સમય પછી અધ્યક્ષ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે સમયનો અભાવ હોવાથી તમારું ભાષણ પૂરું કરો. મોક સત્ર બાદ લાલુપ્રસાદે પત્રકારોને જણાવ્યું હતું કે આજના દિવસ માટે હું વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યો છું. અમે જોઇશું કે આવતીકાલે શું કરવું. ગૃહનાં મંતવ્યો મેં સાંભળ્યાં. મોક સત્રમાં કોઇ વિપક્ષી નેતા નહોતા. કેમ કે, તે એક રાષ્ટ્રીય સરકાર હતી.