આ વખતે કુંભમેળો ૪૪ને બદલે ૫૫ દિવસનો હશે
Agency, Lakhnow
| Jun 13, 2012, 22:37PM IST
ચાલુ વર્ષે કુંભમેળાની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ માટે આનંદની વાત એ છે કે આ વખતે કુંભમેળો ૫૫ દિવસનો હશે. ગયા વર્ષે આ કુંભમેળો ૪૪ દિવસનો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે છેલ્લો કુંભમેળો ૪૪ દિવસ ભરાયો હતો. તેની સરખામણીમાં આ વખતનો કુંભમેળો ૫૫ દિવસનો હશે અને આ વખતે યાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ૨૫ ટકાનો વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત પ્રદૂષિત પાણીનું જોખમ ઊભું કરી શકે તેવા અહીંના ઔધ્યોગિક એકમોને પણ મેળાના સમયગાળા દરમિયાન બંધ રાખવાનો મુખ્યમંત્રીએ આદેશ આપી દીધો છે.
અલ્હાબાદમાં ૧૩મી જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કુંભમેળા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મળેલી બેઠક દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ આદેશ જારી કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કુંભમેળા દરમિયાન પવિત્ર સ્નાન માટે ત્રિવેણી સંગમ ખાતે પાણીની કોઇ તંગી નહિ હોય.
મુખ્યમંત્રીએ મેળા સંબંધિત કામગીરી અંગેની તમામ તૈયારીની સમીક્ષા કરી હતી. પવિત્ર કુંભમેળા સમયે પાણી અને વીજળીના વપરાશમાં બેગણો વધારો થઇ જાય છે. તેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિવિધ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
- ૨૦ અનુભવી અધિકારીઓને પવિત્ર અમરનાથ યાત્રાની જવાબદારી સોંપાઇ
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીર સરકારે પવિત્ર અમરનાથયાત્રા શાંતિપૂર્વક યોજાય તે માટે ૨૦ જેટલા વહીવટી અને પોલીસ અધિકારીની નિમણુંક કરી છે. ૨૫મી જુનથી અમરનાથયાત્રાનો આરંભ થઇ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ સાથે રાજ્યપાલે બેઠક યોજાઈ તે પછી આ નિર્ણય કરવામાં આવ્યો હતો.





