ટીમ અણ્ણાના મહત્વપૂર્ણ સભ્ય એવા કુમાર વિશ્વાલે માંગ કરી છે કે, અણ્ણા હજારએ વર્તમાન કોર કમિટિને વિખેરી નાખવાની ભલામણ કરી છે. કુમારે માંગ કરી છે કે, વધુ કેટલાક સભ્યોને ટીમમાં સામેલ કરવામાં આવે. આ માટે કુમાર વિશ્વાસે એક પત્ર પણ અણ્ણા હજારેને લખ્યો છે.
-અણ્ણા ભંગ કરે કોર કમિટિ: કુમાર વિશ્વાસ -શનિવારની કોર કમિટિની બેઠકમાં ગેરહાજર હશે અણ્ણા-હેગડે-પાટકર
શનિવારે કોર કમિટિની બેઠક મળી રહી છે, ત્યારે માનવામાં આવે છે કે, આ બેઠકમાં વિશ્વાસની માંગ પર મંજૂરીની મ્હોર મારી દેવામાં આવશે. દરમિયાન જસ્ટિસ સંતોષ હેગડે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેઓ ટીમ અણ્ણાથી અલગ નથી થયા. સાથે જ તેમણે ઉમેર્યું છે કે, તેઓ "દૂરસ્થ સભ્ય"છે.
હેગડેએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ શનિવારની બેઠકમાં હાજર રહેવાના નથી. કારણ કે, અગાઉથી જ એક કાર્યક્રમ નક્કી કરેલો હતો. અણ્ણા હજારે પણ અગાઉ સ્પષ્ટતા કરી ચૂક્યાં છે કે, તેઓ આ બેઠકમાં ભાગ નથી લેવાના. મેધા પાટકર પણ આ બેઠકમાં સામેલ નહીં થાય. વોટરમેન તરીકે ઓળખાતા રાજેન્દ્રસિંહે આરોપ મુક્યો છે કે, અણ્ણા તેમની ચળવળ પરથી ભટકી ગયા છે અને રાજકારણ થવા લાગ્યું છે.
રાજેન્દ્રસિંહે પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલ પર આરોપ મુક્યો છે કે, તેઓ દબાણપૂર્વક બીજા સભ્યો પાસેથી તેમની વાતો મનાવતા હતા. ઉલ્લેખનીય છે કે, રામલીલા મેદાન પર જે કાર્યક્રમ અપાયો હતો. તેમાં કુમાર વિશ્વાસે વિવિધ પ્રકારના ગીત અને શેર દ્વારા ઉપસ્થિત ભીડનું મનોરંજન કર્યું હતું અને તેમાં જુસ્સો ભર્યો હતો.
શા માટે મહત્વની છે બેઠક ?
કોર કમિટિની બેઠક પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનના કૌશંબી કાર્યાલય ખાતે મળી રહી છે. આ સંગઠનના વડા અરવિંદ કેજરીવાલ છે. કેજરીવાલ અને બેદીની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યાં છે. રાજેન્દ્રસિંહ અને પી. વી. રાજગોપાલે ટીમ અણ્ણાને છોડી દીધી છે. બીજી બાજુ દિગ્વિજયસિંહે એવો આરોપ મુક્યો છે કે, અણ્ણાના આંદોલનની પાછળ સંઘ અને ભાજપનો હાથ છે. ટીમ અણ્ણાના સભ્ય પ્રશાંત ભૂષણ દ્વારા કાશ્મીર અંગે વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું છે. જેના કારણે બેઠક મહત્વની માનવામાં આવે છે.
શું છે ડૉ. વિશ્વાસનો મત
વિશ્વાસનો આરોપ છે કે, જનલોકપાલ બીલ સાથે સંકળાયેલા લોકોને ડામવા માટે તથા નાથવા માટે ભ્રષ્ટ તાકતો દ્વારા સક્રિયપણે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ પ્રકારના પ્રયાસોથી જનલોકપાલના મુદ્દાને અસર પહોંચશે અને કરોડો લોકોના વિશ્વાસને આઘાત પહોંચશે. એક તરફ વડાપ્રધાન દ્વારા મજબુત લોકપાલ બીલની હિમાયત કરવામાં આવે છે, તો બીજી તરફ સરકારના પ્રધાનો દ્વારા લોકપાલ બીલ સાથે સંકળાયેલા લોકોની છાપ બગાડવા માટે પ્રયાસરત છે. કુમાર વિશ્વાસે ઉમેર્યું હતું કે, જ્યારે અણ્ણા પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ત્યારે લોકોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. આથી, હવે ટીમ અણ્ણાના સભ્યો પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
તમારો મત
શું તમને લાગે છે કે, ટીમ અણ્ણામાં તડાં પડી ગયા છે ? શું તમને લાગે છે કે, શ્રી શ્રી રવિશંકરને બદનામ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે ? શું લોકોનું ધ્યાન ભ્રષ્ટાચાર પરથી હટાવવા માટે ટીમ અણ્ણા- શ્રી શ્રી રવિશંકર પર આરોપો મુકવામાં આવી રહ્યાં છે ? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.