વડાપ્રધાન કાર્યાલય દ્વારા ગત વર્ષે પ્રધાનોને વિદેશી નાણું બચાવવા માટે વારંવાર દેશની બહાર ન જવા માટે તાકિદ કરી હતી. જો કે, આ આદેશની હવા કેન્દ્રીય પ્રધાનોએ કાઢી નાખી હતી. તેમણે બે વર્ષમાં 751 વિદેશ યાત્રાઓ કરી હતી અને ત્રણ હજાર દિવસ દેશની બહાર રહ્યાં હતા. સરેરાશ જોવામાં આવે તો દરરોજ ચાર પ્રધાન વિદેશમાં હતા.
-ઉડા-ઉડ કરવામાં વિદેશપ્રધાન કૃષ્ણા અવ્વલ
-બે વર્ષ દરમિયાન રોજ સરેરાશ ચાર પ્રધાન વિદેશમાં!
-કુલ 751 વિદેશ યાત્રા!
ડીએનએ દ્વારા મે 2009 થી જૂન 2011ની વચ્ચે વિદેશ યાત્રાઓ અંગે માહિતી આરટીઆઈ હેઠળ હાંસલ કરી હતી. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન કાર્યાલયને 777 પ્રસ્તાવ મળ્યા હતા. જેમાંથી કાર્યાલય દ્વારા માત્ર 26 પ્રસ્તાવોને જ નકારવામાં આવ્યા હતા.
પ્રધાનોના વારંવારના વિદેશ પ્રવાસ અંગે ગત વર્ષે વડાપ્રધાન કાર્યાલયની ઉંઘ ઉડી હતી. મે 2009 થી જુલાઈ 2010ની વચ્ચે પ્રધાનોએ 378 વિદેશ યાત્રાઓ કરી હતી. ત્યારબાદના વર્ષમાં આ આંકડો 371 નો રહ્યો હતો. જેનાથી એક બાબત સ્પષ્ટ છે કે, તેનાથી કોઈ ખાસ ફેર નથી પડ્યો. મે 2009 થી જુલાઈ 2011 દરમિયાન 83 પ્રધાનોએ વિદેશ પ્રવાસ કર્યા હતા. જેમાંથી કૃષ્ણાએ સૌથી વધુ 51 વખત વિદેશપ્રવાસ ખેડ્યાં હતા.તેઓ 138 દિવસ સુધી વિદેશમાં રહ્યાં હતા.
વિદેશપ્રવાસમાં બીજા ક્રમ પર વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન આનંદ શર્મા રહ્યાં હતા. તેમને 46 વિદેશ પ્રવાસ ખેડ્યા હતા અને 178 દિવસ સુધી દેશની બહાર રહ્યાં હતા. હાલ પ્રધાન નથી રહ્યાં તેવા મુરલી દેવડા અને રાજ્યકક્ષાના વાણિજ્ય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ખૂબ વિદેશપ્રવાસ ખેડ્યા હતા. શશિ થરૂરે પણ પ્રધાન પદ હતા ત્યારે અનેક વિદેશપ્રવાસ ખેડ્યા હતા.
યાત્રાઓ પર કરોડો વેડફાયા
કુલ 751 યાત્રાઓમાંથી માત્ર 260 પ્રવાસ અંગે જ વિગતો મળી શકી હતી. જેમાં કુલ 12 કરોડ રૂપિયા કરતા વધુનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય હવાઈ મુસાફરી, રહેવા, ખાવા પીવા વગેરે પર પણ ખર્ચ થાય છે. આ અંગે કરવામાં આવેલા ખર્ચની વિગત એક પણ પ્રવાસ અંગે મળી શકી ન હતી. આ અંગેના આંકડાઓ મળે તો ખરો અંદાજ આવી શકે કે પ્રધાનોએ વિદેશ પ્રવાસ પર કેટલી રકમ ખર્ચ કરી છે.
આ જાણકારી માંગવામાં આવી હતી
ડીએનએ દ્વારા વડાપ્રધાન કાર્યાલયના ચાલીસ મંત્રાલયોમાં ગત વર્ષે જૂન મહિનામાં આરટીઆઈની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, પ્રધાને વિદેશ વિભાગના કેટલા પ્રવાસ ખેડ્યા? કયા-કયા દેશોની મુલાકાત લીધી ? અંદાજીત કેટલી રકમનો ખર્ચ થયો હતો? વડાપ્રધાન કાર્યાલય સહિતના મોટાભાગના વિભાગો એ પ્રવાસ અંગે વિગતો આપી છે, પરંતુ ખર્ચ અંગે વિગતો પૂરી પાડી નથી. નાણા અને વિદેશ વિભાગના પ્રધાનોના ખર્ચ અંગે વિગતો પૂરી પાડવામાં આવી છે. નાગરિક અને ઉડ્ડયન વિભાગ તથા ભારતે ઉદ્યોગ વિભાગના પ્રધાન પ્રફુલ્લ પટેલે 29 દેશોની વિદેશયાત્રા કરી હતી. જેમાંથી માત્ર ચાર દેશોના વિદેશપ્રવાસની વિગતો આપવામાં આવી હતી.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.