અંદરના આક્રોશે બનાવી દીધો અબુને આંતકવાદી

-ગુજરાતના હુલ્લડોના નામે મુસ્લિમોને ઉશ્કેરતો
-કરતો હતો બ્રેઈન વોશિંગ
વિદેશી મુસ્લિમોની ભરતી કરીને તેમનું 'બ્રેઈન વોશિંગ' કરીને ભારત પર હુમલો કરવા માટે લશ્કર-એ-તોઈબા અને ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા તૈયાર કરવામાં આવતા હતા.જો કે, નવી વ્યૂહરચના પ્રમાણે તેઓ વિદેશમાં કામ કરતા ભારતીય મુસ્લિમોની ભરતી પણ કરવા લાગ્યા હતા. સાઉદી અરેબિયામાં કામ કરતી વખતે અબુ જુંદાલને પણ આ કામ જ સોંપવામાં આવ્યું હતું.
પાકિસ્તાનમાં રહીને 26/11નો આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓની દોરવણી કરનારા અબુ જુંદાલે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે, સાઉદી અરેબિયામાં તેનું કામ ભારતમાં હુમલો કરવા માટે ત્યાં કામ કરતા ભારતીય મુસ્લિમોની ભરતી કરવાનું હતું.
સાઉદી અરેબિયામાં તે ગાડી ચલાવવાનું કામ કરતો હતો. જેથી ભારતીય મુસ્લિમોનું 'બ્રેઈન વોશિંગ' કરી શકાય. અબુના દાવા પ્રમાણે તેણે અનેક યુવકોને પાકિસ્તાનમાં તાલિમ માટે મોકલ્યાં હતા. જ્યાં તેમને ગોળીબારી કરવાની બોમ્બ બનાવવાની અને બોમ્બ લગાવવાની તાલિમ આપવામાં આવી હતી.
ગુજરાતના હુલ્લડોની સીડી મુસ્લિમ યુવકોને ઉશ્કેરતો
ગુજરાતના હુલ્લડો દ્વારા મુસ્લિમ યુવકોનું 'બ્રેઈન વોશિંગ' ક્રાઈમ બ્રાન્ચના સિનિયર અધિકારીના કહેવા પ્રમાણે, મુસ્લિમ યુવાનોનું 'બ્રેઈન વોશિંગ' કરવા માટે જુંદાલ દ્વારા જૂની પુરાણી પદ્ધતિ અપનાવવામાં આવતી હતી. તે ગુજરાતના હુલ્લડોના વીડિયો દેખાડી, મુસ્લિમ યુવકોને જણાવતો હતો કે, કેવી રીતે તેમના બિરાદરોને ગુજરાતમાં રહેંસી નાખવામાં આવ્યા હતા. જુંદાલ દ્વારા યુવકોના માનસમાં ઠસાવવામાં આવતું હતું કે, ભારતમાં હંમેશા મુસ્લિમો સાથે ગેરવર્તાવ કરવવામાં આવે છે. લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓની હરોળમાં જુંદાલ અગ્રેસર હતો. આથી, લશ્કર કે આઈએસઆઈના ઈશારા પર કોઈ આતંકવાદી હુમલાની યોજના વિચારવામાં આવે કે તેનો અમલ કરવાનો હોય તો જુંદાલને તેની જાણ રહેતી હતી.
તેનાથી અડધી ઉંમરના લોકો પણ ઉડાવતા હતા અબુની મજાક
ખૂબ જ શાંત બાળક હતો અબુ 26/11ના મુંબઈ પરના આતંકવાદી હુમલામાં અબુ હમઝા ઉર્ફે અબુ જુંદાલ પોતાની ભૂમિકા સ્વીકારી ચૂક્યો છે. જો કે, અબુના જૂના મિત્રો અને પાડોશીઓ આ વાત માની શકે તેમ નથી. તેમના કહેવા પ્રમાણે, અબુ એક સરળ છોકરો હતો. તેનાથી અડધી ઉંમરના લોકો પણ અબુની મજાક ઉડાવતા હતા અને મારઝૂડ કરતા હતા. છતાં અબુ ક્યારેય પ્રતિકાર કરતો ન હતો. અઢાર વર્ષની ઉંમર સુધી અબુ ગિયોરાઈમાં રહ્યો હતો.
અબુના જૂના પાડોશી સૂર્યકાન્ત નાવપૂતેના કહેવા પ્રમાણે, ''હું અવારનવાર કોઈ ખરીદી માટે તેને મોકલતો હતો. જ્યારે તે કોઈ ભૂલ કરતો હતો, ત્યારે હું તેને ફટકારતો હતો. પરંતુ તે ક્યારે વળતો પ્રહાર કરતો ન હતો. ઘણી વખત આજુબાજુના છોકરાઓ તેને મારતા હોય, ત્યારે મેં તેને છોડાવ્યો હતો. કોઈ ઉપર હાથ નહીં ઉપાડનારો બાળક અનેક લોકોના જીવ લઈ શકે, તેમ માન્યામાં નથી આવતું.'' અબુના બીજા પાડોશી સંતોષના કહેવા પ્રમાણે, ''શાળામાં ક્યારેય અબુનો કોઈની સાથે ઝગડો થતો ન હતો. તે નિરાંતે બેસી રહેતો હતો. તેનામાં હિંસાના કોઈ લક્ષ્ણ ન હતા અને કોઈપણ વ્યક્તિ અબુથી ડરતી ન હતી.''
જમાતના કારણે અબુએ છોડવું પડ્યું ગામ
અબુની બહેન શહાનાએ અયુબ બાગબાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે જમાતના લોકોએ તેમની ઉપર ગિયોરાઈ છોડવા માટે દબાણ કર્યું હતું. કારણ કે, જમાતના લોકોને ડર હતો કે, શહાના પ્રકરણના કારણે તેમના છોકરાઓ વંઠી જશે. શહાના અને અયુબના લગ્ન કરાવનારા કાઝી હયાતુલ્લાહ સફિઉલ્લાહના કહેવા પ્રમાણે, ''વહેલી સવારે ત્રણ વાગ્યે શહાના અને તેનો પ્રેમી અયુબ મારા ઘરે આવ્યા હતા. તેમણે આગ્રહ કર્યો હતો કે, હું તેમના લગ્ન કરાવું. જો હું લગ્ન ન કરાવું તો તેઓ જીવ આપી દેવાની ધમકી આપી રહ્યાં હતા.''
અબુ હમઝા ઉર્ફે અબુ જુંદાલના પિતા સૈયદ ઝાકિઉદ્દીન પણ આ લગ્નની વિરૂદ્ધ હતા. તેઓ ગિરોઈમાં એક સ્ટેશનરીની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની ઉપર પાંચ અપરિણીત દિકરીઓના લગ્નની જવાબદારી હતી. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. બહેનના લગ્ન સમયે અબુ તટસ્થ રહ્યો હતો. રોજબરોજની સ્થિતિથી ત્રાસી જઈને તેમના પરિવારે વર્ષ 2001માં ગિરોઈ છોડી દીધું હતું. ત્યારબાદ અબુ ક્યારેય ગિરોઈ પરત ફર્યો ન હતો. માત્ર તેના પિતા સૈયદ અહીં આવતા હતા અને ભાડા પર આપેલા ઘરનું ભાડુ લઈને જતા રહેતા હતા.







