દાનનાં નામ પર ધંધો કરે છે બાબા રામદેવ? લેવાશે સાણસામાં

-ટ્રસ્ટ તરીકે મળતી છૂટછાટો રદ થશે -આવકવેરા ખાતાએ કરી તૈયારી
યોગગુરૂ બાબા રામદેવનું ભ્રષ્ટાચાર અને કાળાંનાણાં અંગેનું આંદોલન નિષ્ફળ રહ્યું હતું. હવે, સરકારે તેમની ઉપર ગાળિયો કસવો શરૂ કરી દીધો છે. આ માટે આવકવેરા ખાતાએ તૈયારી કરી લીધી છે. શું બાબા રામદેવ યોગનાં નામ પર ધંધો કરી રહ્યાં છે? આવકવેરા ખાતાનાં સૂત્રોના કહેવા પ્રમાણે, યોગગુરૂનું પતાંજલિ યોગપીઠ ટ્રસ્ટ સેવાનાં નામ પર ધંધો કરે છે. આથી ચેરિટેબલ ટ્રસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન રદ કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટ તરીકે પતાંજલિ યોગપીઠને આપવામાં આવતી તમામ છૂટછાટો પાછી ખેંચવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે.
ઈનકમ ટેક્સ વિભાગના તપાસ વિભાગને માલૂમ પડ્યું છે કે વર્ષ 2009-2010 દરમિયાન પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ અનેક ધંધાદારી પ્રવૃત્તિઓમાં સામેલ હતું. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે પંતજલિ યોગપીઠે ચેરિટીનાં નામ પર છૂટ મેળવી અને કમાણી પણ કરી. અત્યાર સુધી આવકવેરા ધારાની સેક્શન 12-એ હેઠળ પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને છૂટ મળતી હતી.
બીજી બાજુ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટ્રેટે, બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ પર પણ ગાળિયો કસવો શરૂ કરી દીધો છે. તેમની સામે મની લોન્ડ્રિંગના કાયદા હેઠળ કેસ નોંધવામાં આવે તેવી વકી છે. સીબીઆઈએ નક્લી પાસપોર્ટના કેસમાં દાખલ કરેલી એફઆઈઆરના આધાર પર આ કાર્યવાહી હાથ ધરી છે. ઈડીને આશંકા છે કે વિદેશોમાં નાણાં જમા કરાવવા માટે આચાર્ય બાલકૃષ્ણના પાસપોર્ટનો ઉપયોગ થયો છે. નવા કેસમાં પણ આચાર્ય બાલકૃષ્ણની ધરપકડ થઈ શકે છે. તા. 17 ઓગસ્ટના તેઓ જામીન પર છૂટયા હતા. ઈડી યોગગુરૂ સામે ફેમાનાં ભંગ અંગે પણ તપાસ કરી રહી છે. અગાઉ રામદેવના ટ્રસ્ટને રૂ. 58 કરોડનો બાકી વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી.







