Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

'ભગવો આતંકવાદ' કહી ભગવાનું અપમાન ન કરો!

 
Source: ANAND SHUKLA, Ahmedabad   |   Last Updated 1:37 PM [IST](27/08/2010)
 
 
 
 
 

શું આતંકવાદ લીલો કે કેસરિયો કે ભગવો હોઈ શકે ?પરંતુ દેશનું કમભાગ્ય છે કે ભારતના ગૃહમંત્રીને આતંકવાદમાં ભગવો રંગ દેખાય છે. જેના કારણે આ સંદર્ભે વિચારવું અતિઆવશ્યક છે. આતંકવાદમાં તેમને આતંક દેખાય છે કે કેમ? તે તો તેઓ જ જાણે. જો કે આતંકવાદનો કોઈ ધર્મ કે રંગ હોતો નથી. આતંકવાદનો એક જ ધર્મ છે, આતંક અને આતંકવાદનો એક જ રંગ છે, આતંક. લોકો ઈચ્છે છે કે ભારતમાંથી તમામ પ્રકારના આતંકવાદનો સખ્તાઈથી ખાતમો થાય. શું સરકાર અને તેમના ગૃહમંત્રી આતંકવાદનો રંગ જોવાની જગ્યાએ, તેનો ધર્મ જોવાની જગ્યાએ તેને ખતમ કરવાની કોઈ વ્યવસ્થા નહીં કરે?

આતંકવાદમાં ધર્મ દેખાયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમને હવે તેમા રંગ પણ દેખાય છે. ગુજરાત વિધાનસભાની 2007ની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ એક ચૂંટણી સભામાં ‘હિંદુ આતંકવાદ’ શબ્દ બોલ્યા હતા. ત્યાર બાદ પી. ચિદમ્બરમે પણ ‘હિંદુ આતંકવાદ’ શબ્દ અને તાજેતરમાં પોલીસ પ્રમુખોની બેઠકમાં ‘ભગવો આતંકવાદ’ ઘણાં વિસ્ફોટો પાછળ છે અને ભગવો આતંકવાદ નવા સ્વરૂપે સામે આવી રહ્યો છે, જેવું વિવાદાસ્પદ નિવેદન પણ કર્યું છે. સંસદમાં જેના કારણે શિવસેના અને ભાજપના સાંસદોએ હંગામો પણ મચાવ્યો છે.

ત્યારે આતંકવાદને ધર્મ સાથે ન જોડવાની વાત કરનારા લોકો અત્યારે આતંકવાદને હિંદુ ધર્મ સાથે કેમ જોડી રહ્યાં છે? તેમને આતંકવાદમાં કેસરિયો કે ભગવો રંગ કેમ દેખાય રહ્યો છે? શું ખરેખર આતંકવાદીનો ધર્મ આતંક ફેલાવા સિવાય અન્ય કોઈ હોય છે, ખરો? આ તમામ પ્રશ્નો સંદર્ભે ભારતીયોએ વિચારવું પડશે. કારણ કે દુનિયામાં આતંકવાદથી પીડિત દેશોમાંનો એક દેશ ભારત છે. ભારતમાં 1993માં મુંબઈ વિસ્ફોટો બાદ આતંકવાદીઓ દ્વારા વિસ્ફોટોની હેલી આવી. આ વિસ્ફોટો જમ્મુ-કાશ્મીરથી લઈને ભારતના દિલ્હી, મુબંઈ, કોલકત્તા, બેંગલુરું, હૈદરાબાદ, જયપુર, વારાણસી, પુણે સહીત ઘણી જગ્યાએ થયા છે.

ત્યારે આતંકવાદ પર ચર્ચા થતી હતી. ત્યારે આતંકવાદમાં ધર્મ જોનારા લોકોને કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ વિચારધારાવાળા નેતાઓ ‘શિખવાડતા’ હતા કે આતંકવાદનો ધર્મ હોતો નથી. પરંતુ આજે અચાનક આ નેતાઓને આતંકવાદમાં ધર્મ કેમ દેખાવા લાગ્યો છે? તેમને આતંકવાદનો રંગ ભગવો કેમ લાગવા લાગ્યો છે?

હિંદુ ધર્મની વાત કરીએ તો આ ધર્મમાં અનાવશ્યક હિંસાને કોઈ સ્થાન નથી. જ્યારે આતંકવાદ નરી અનાવશ્યક હિંસા છે. હિંસાને હિંદુ ધર્મે ક્યારેય સમર્થન આપ્યું નથી. આતંકવાદને હિંદુ ધર્મના લોકોએ ક્યારેય અનુસરવાનું વિચાર્યું નથી. ભારતમાં હિંદુ ધર્મમાં ગણાતી કટ્ટરવાદી તાકાતો અને સંગઠનોની પહોંચ પણ હિંદુ સમાજના મોટા સમુદાય સુધી શક્ય બની નથી.

ભારતને ધર્મના નામે વિભાજન બાદ પણ ‘સેક્યુલર’ રાખવાનું ભગીરથ કાર્ય કરનારા નેતાઓ આ જ હિંદુ સમાજમાંથી આવે છે. આજે પણ ભારત સેક્યુલર છે. જ્યારે ભારતની સાથે આઝાદ થયેલું પાકિસ્તાન બે ટુકડામાં વહેંચાયું છે. પાકિસ્તાનમાં ઈસ્લામિક અંતિમવાદીઓ હિંસાની હોળી ખેલી રહ્યાં છે. પાકિસ્તાન આઝાદી કાળથી ઈસ્લામિક રાજ્ય બની ગયું છે. જ્યારે બાંગ્લાદેશ પણ એ જ રસ્તા પર છે.

તેની સામે ભારતમાં કાયદાનું શાસન છે. જે કોઈ કાયદાના શાસનને પડકારે છે. તેને કાયદો પોતાની તાકાત અવશ્ય બતાવે છે. તમામ લોકોને સમાન અધિકાર છે. ભારતની સરકારે એવું બંધારણ અપનાવેલું છે કે જે કોઈપણ ધર્મની તરફેણ કરતું નથી. જો કે બંધારણનો અમલ કરનારી સરકારના લોકો હિંદુ અને મુસ્લિમના નામે પોતપોતાના રાજકીય હિતો પ્રમાણેના ધર્મની તરફેણ કરતાં રહ્યાં છે. આઝાદી પહેલાની ધર્મ સંબંધિત પરિભાષાઓને આજે પણ આ નેતાઓએ જીવંત રાખી છે. તેમને આતંકવાદમાં પણ ધર્મ દેખાય છે, રંગ દેખાય છે.

ભગવો આતંકવાદ કહેનારા લોકોને ખબર હોવી જોઈએ કે ભગવો રંગ શૌર્ય અને ત્યાગનું પ્રતિક છે. જૂનાં જમાનામાં ક્ષત્રિય યોદ્ધા યુદ્ધમાં પોતાના રાષ્ટ્રની અસ્મિતા બચાવા માટે છેલ્લો નિર્ણાયક જંગ મરણિયાં બનીને લડતાં તેને કસરિયાં કહેવાતા. જ્યારે ભારતમાં જે સંત પરંપરા સહસ્ત્રાબ્દિઓથી અસ્તિત્વમાં છે, તે સાધુ-સંતો પણ ભગવા વસ્ત્રધારણ કરીને સમાજની યથાશક્તિ સેવા કરે છે. વળી આપણો રાષ્ટ્રધ્વજ છે, તે ધ્વજમાં પણ કેસરી રંગ છે. શું આતંકવાદને કોઈ ધર્મ સાથે જોડીને તે ધર્મના મૂલ્યોનું અપમાન કરવું, તે સમાજનું અપમાન કરવું એવો અર્થ થતો હોય, તો આતંકવાદને રંગ સાથે જોડીને તિરંગાનું અપમાન થતું નથી?

ભારતમાં ઘણાં વિસ્ફોટો પાછળ પાકિસ્તાન પ્રેરીત, સમર્થિત કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનો જવાબદાર છે. પરંતુ આ આતંકવાદને ઈસ્લામ સાથે જોડવાનું કે તેને લીલા રંગ સાથે જોડીને ‘લીલો આતંકવાદ’ કહેવાનું કૃત્ય હિંદુ આતંકવાદ અને ભગવા આતંકવાદની વાતો કરનારા નેતાઓએ કર્યું નથી. આતંક અને અનાવશ્યક હિંસાનું સમર્થન ક્યારેય થઈ શકે નહીં. આ પ્રકારનું કૃત્ય કરનારા આતંકવાદી છે અને તેમનું સમાજમાં કોઈ સ્થાન ન હોય શકે, તેઓનું કોઈ ધર્મામાં સ્થાન ન હોય શકે. વળી આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં પાકિસ્તાનના ઈશારે આતંક ફેલવાતા તત્વો પોતાને ઈસ્લામિક મૂલ્યો પ્રમાણે નિઝામે મુસ્તફા સ્થાપવાના મતલબની વાતો કરે છે. તેમ છતાં તેઓને ઈસ્લામિક આતંકવાદી કહેવા યોગ્ય નથી. તો જે લોકો આતંક ફેલાવે છે કે તેવી પ્રવૃતિમાં સામેલ છે અને સંયોગથી તેવો હિંદુ નીકળે છે, તો તેનાથી હિંદુ આતંકવાદ કે ભગવા આતંકવાદની પરિભાષાઓ ઘડવી કેટલી યોગ્ય છે?

વળી જોવાનું એ રહે છે કે અત્યાર સુધીમાં વિસ્ફોટો થયા બાદ કાયદો અને સરકાર આવા કેસોમાં કેટલાં લોકોને પકડી શક્યો અને કેટલાં લોકોને સજા આપી શક્યો? વળી આ સજા કેવા પ્રકારની છે? તે પણ જોવું રહ્યું. સરકારે કાયદા થકી એવો કોઈ દાખલો બેસાડયો કે જેનાથી લોકોને વિશ્વાસ પેદા થાય કે આતંકવાદની સામે તેમનું રક્ષણ કરવા તેમણે ચૂંટેલી સરકાર સક્ષમ છે? આ બાબતોમાં નિષ્ફળ જવાથી કે પ્રજાની ભાવનાઓ ન સમજવાને કારણે ‘કેટલાંક લોકો’ ખોટા રસ્તે જઈને કોઈ હિંસક પ્રતિક્રિયા તો આપી રહ્યાં નથી ને? તે પણ જોવાનું કામ કાયદાનો અમલ કરાવનારી આખી વ્યવસ્થાનું છે.

ભારત એ, ભારતને ઘર માનનારા તમામનું ઘર છે અને હિંદુ સમાજ સદીઓથી ભારતને ઘર માની રહ્યાં છે. તો કોઈ પોતાનું ઘર બરબાદ કરવા માટે તૈયાર થાય નહીં. આતંકવાદી પ્રવૃતિઓ આપણાં ઘરને આપણી માતૃભૂમિને નરક બનાવી રહ્યાં છે. ત્યારે આવી પ્રવૃતિઓ કરનારાને હિંદુ ગણવા કે મુસલમાન ગણવા કે શીખ ગણવા કેટલું યોગ્ય છે? ભારતના તિરંગામાં કેસરી, સફેદ અને લીલો રંગ છે. ભારતમાં ચાલી રહેલા આતંકવાદને ભગવો આતંકવાદ કે લીલો આતંકવાદ કહેવો ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગામાં આવેલા ત્રણ રંગોનું શું અપમાન નથી?

માલેગાંવ-મોડાસા વિસ્ફોટ, અજમેર બ્લાસ્ટ, મક્કા મસ્જિદ વિસ્ફોટોમાં કેટલાંક સંદિગ્ધ હિંદુ હોવાની વાત તપાસ સંસ્થાઓ કરી રહી છે. આ લોકો જેલામાં બંધ પણ છે. જો અજમલ આમિર કસાબ જેવા મુંબઈના, દેશના દુશ્મનને ભારતનો કાયદો બચાવનો, પોતાની વાતની રજૂઆતનો મોકો આપે છે. ત્યારે આ લોકો સંદર્ભે કોર્ટના જજમેન્ટ વગર ‘જજમેન્ટ’ પાસ કરીને આતંકવાદને હિંદુ ધર્મ સાથે જોડવાની અને તેને ભગવા રંગ સાથે જોડવાની ચેષ્ટા કેટલી યોગ્ય છે?

વાચક મિત્રો તમને શું લાગે છે કે આતંકવાદનો કોઈ ધર્મ હોય છે? તેને કોઈ રંગ સાથે જોડવો યોગ્ય છે? હિંદુ આતંકવાદ અને ભગવા આતંકવાદ વિશે તમે શું માનો છો? તમારા પ્રતિભાવો અમને જરૂરથી નીચેના ફોર્મ દ્વારા મોકલી આપો....




 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.