- કાળા કપડામાં સજ્જ થઇ અભૂતપૂર્વ ઘટનાનો હિસ્સો બન્યા
રાષ્ટ્રપતિ ડો. પ્રતિભા પાટિલે ઇતિહાસ રચ્યો છે. રાષ્ટ્રપતિએ સોમવારે ભૂમિદળ અને વાયુસેનાના સંયુક્ત યુદ્ધ અભ્યાસ સુદર્શન શક્તિ દરમિયાન મુખ્ય યુદ્ધ ટેંક ટી-90 પર સવારી કરીને લોકોને ચોંકાવી દીધા. ટેંક પર સવાર થનારા જવાનોની જેમ સંપૂર્ણ કાળા કપડામાં સજ્જ થઇ 76 વર્ષીય રાષ્ટ્રપતિએ મુખ્ય યુદ્ધ ટેંક ટી-90માં સેનાધ્યક્ષ વી.કે.સિંહ સાથે સવાર થઇને ટેંકની રજેરજની માહિતી મેળવી હતી. આ સાથે જ કોઇ યુદ્ધ ટેંક પર સવાર થનારા તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટોની પણ અન્ય એક ટેંકમાં દક્ષિણ વિભાગના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ એ.કે.સિંહ સાથે સવાર થયા હતા.
કોઇ યુદ્ધ વિમાન અથવા યુદ્ધ ટેંકમાં સવાર થઇને જાત અનુભવ મેળવવાનો ભારતીય રાષ્ટ્રપતિ પાટિલ માટે આ બીજો પ્રસંગ હતો. આ પહેલા રાષ્ટ્રપતિ 2009માં પૂણેના લોહેગાંવ એરબેઝ પર યુદ્ધ વિમાન સુખોઇ-30 એમકેઆઇમાં સવાર થયા હતા.
હાલમાં રાષ્ટ્રપતિ સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટોની સાથે રાજસ્થાનના રણમાં ભારતીય સૈન્ય અને વાયુસેનાના સંયુક્ત યુદ્ધ અભ્યાસની સમીક્ષા કરશે. જેમાં 50 હજારથી વધુ જવાન, 300 ટેંક અને 250 આર્ટિલરી ગન સામેલ થઇ રહ્યા છે. આ યુદ્ધ અભ્યાસમાં સુખોઇ-30 એમકેઆઇ, જગુઆર, મિગ-27 અને મિગ-21 એડબલ્યુએસીએસ જેવા યુદ્ધ વિમાન અને હેલિકોપ્ટર પણ સામેલ થશે.
રશિયા પાસેથી 2001માં ભારતે 310 ટી-90 ટેંક ખરીદી હતી. ટી-90 રશિયાની ત્રીજી પેઢીની આધુનિક યુદ્ધ ટેંક છે. હાલમાં આ ટેંક ભારતીય સૈન્ય માટે સૌથી મહત્વના હથિયાર પૈકીની એક છે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.