સાવધાન ચીન ! જંગ માટે ભારત તૈયાર

-નરેશ ચંદ્રા સમિતિએ કરી ભલામણો -સુરક્ષા માળખામાં ધરમૂળથી ફેરફારોની ભલામણ
ચીનની 'આક્રમકતા' અંગે ભારતની ચિંતા વધી રહી છે. ભારત દ્વારા ચીન સાથે શાંતિપૂર્ણની હિમાયત કરવામાં આવે છે, પરંતુ 'ડ્રેગન'નો મુકાબલો કરવા માટે ભારત સજ્જ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે બનેલી નરેશ ચંદ્રા ટાસ્ક ફોર્સે સૈન્ય તૈયારી ઝડપી અને મજબુત બનાવવા ભલામણ કરી છે.
એક અખબાર દ્વારા નરેશ ચંદ્રા સમિતિની ભલામણો પ્રકાશિત કરવામાં આવી છે. સમિતિએ ભલામણ કરી છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જરૂર નથી. ત્રણેય સેનાપ્રમુખોમાંથી એકને ચેરમેન ચીફ ઓફ સ્ટાફ નિમવા ભલામણ કરવામાં આવી છે. સમિતિની ભલામણ સ્વીકારવામાં આવશે તો દેશને ફોર સ્ટાર જનરલ મળશે.
સમિતિએ ભલામણ કરી છે કે સુરક્ષા માટે એવું માળખું તૈયાર કરવું જોઈએ જે ઈન્ટેલિજન્સ અને સૈન્ય હિલચાલને સાંકળી લે. સમિતિએ ડિફેન્સ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા પર ફરી વિચાર કરવા કહ્યું છે. ડીઆરડીઓના પ્રમુખ અને સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકારના પદને અલગ કરવામાં આવે. સંરક્ષણ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરીનાં સ્તર સુધી સૈન્ય અધિકારીઓની ભરતીની ભલામણ કરવામાં આવી છે.
ચીનમાં ભારત વિરોધી વીડિયોનું પ્રદર્શનચીનનું વહીવટી તંત્ર ચીનાઓને ભારત વિરૂદ્ધ ઉશ્કેરી રહ્યું છે. તાજેતરમાં જ ચીન ખાતે ભારતનાં રાજદૂત જયશંકરની હાજરીમાં બિજિંગ આર્ટ ગેલેરીમાં એક ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જેમાં ભારત અને ભારતનાં લોકતંત્રને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યાં હતાં. આ વીડિયોમાં વર્ષ 2002માં ગોધરાકાંડનાં પગલે ફાટી નીકળેલાં હુલ્લડોને પણ દર્શાવવામાં આવ્યાં છે. ભારત સરકારે આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો, જેનાં પગલે વીડિયોને પ્રદર્શનીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.







