ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગમાં ૧૯૯ પુરુષો વચ્ચે શાંતિ ટિગ્ગાએ સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી
૧૯૯ પુરુષ, એક મહિલા. આર્મીની સખત ટ્રેનિંગ. દરેક પરીક્ષામાં મહિલા જ સૌથી આગળ. દસ કિલો વજનની રાઇફલમાંથી નીકળેલી દરેક ગોળી નિશાન પર. અમે શાંતિ ટિગ્ગાની વાત કરી રહ્યાં છીએ. પોતાના પુરુષ સાથીદારોથી આગળ આવીને શાંતિ ટિગ્ગા ૩૫ વર્ષની વયે ભારતીય લશ્કરમાં એક માત્ર મહિલા જવાન બની ગઇ છે.
બે સપ્તાહ પહેલા જ તેમણે એક મહિનાની ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી છે. ૧.૫ કિમી હોય કે ૫૦ મીટરની દોડ હોય, દરેક સ્પર્ધામાં શાંતિ સૌથી આગળ રહી છે. ક્લામ્બિંગ, જંપિંગ જેવી ડ્રિલ પણ સફળ રીતે પૂરી કરી છે. તે દરરોજ સવારે ચાર વાગે ઊઠતી હતી, પાંચ વાગ્યાથી પીટી પર જતી રહેતી હતી અને સાડા સાત વાગે પરત આવતી હતી. પછી આઠ વાગે ફરી ટ્રેનિંગ માટે નીકળી જતી. ફિટનેસ માટે સાંજે ચાર વાગ્યાથી વોલીબોલ રમવું અને મોડી રાતે ઊંઘવું અને ફરી સવારે વહેલાં ઊઠી જતી હતી.
શાંતિ કહે છે કે, હું સમગ્ર જીવન લશ્કરમાં રહેવા માગું છું. યુદ્ધ થશે તો, હું પાછળ રહીશ નહીં. લશ્કરમાં જોડાવા માટે દરરોજ રેલવેની ૧૨ કલાકની નોકરી પછી શાંતિ કસરત કરતી હતી. ક્યારેક રાત્રે આઠ વાગે દોડવા માટે નીકળી જતી હતી.
શાંતિ ૨૦૦૫માં પતિનાં મૃત્યુ પછી રેલવેની નોકરીમાં જોડાઇ હતી. શાંતિ કહે છે કે, પતિના નિધન બાદ સાસરિયાવાળાઓએ પણ સંબંધો તોડી નાખ્યા હતા. જવાબદારી અને સંઘર્ષ બંને મારા પોતાના માથે હતા. નાના પુત્રો નેલસન અને ડેવિડને ઘરે એકલા છોડીને ૧૨ કલાક રેલવેની ડ્યૂટી કરવી પડતી હતી. ભણી ન શકી એવી મહિલા માટે આ બહુ મુશ્કેલ હતું. તેથી મેં અભ્યાસ ફરી શરૂ કર્યો હતો અને ૨૦૦૮માં ૧૦મું ધોરણ પાસ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન રેલવે એન્જિનિયર યુનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ કિશોર સાથે મુલાકાત થઇ હતી.
તેમની પ્રેરણાથી ટેરિટોરિયલ આર્મી જોઇન કરી હતી. ટ્રેનિંગ પૂરી કર્યા બાદ શાંતિ ફરી રેલવેની નોકરી કરી રહી છે.
શાંતિ કહે છે કે, મેં મારી જાતે આ સ્થાન હાંસલ કર્યું છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે પણ પીઠ થાબડી મને કહ્યું, મને ગર્વ છે.