ગત નાણાંકીય વર્ષમાં વિશ્વ બેંક તરફથી નાણાંકીય મદદ મેળવનારા દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે. વિકાસશીલ અને ગરીબ દેશોની શ્રેણીમાં ભારતને વિશ્વ બેંક અને તેના સહયોગી એકમો તરફથી 9.3 અબજ ડોલરની નાણાકીય મદદ મળી છે. આ રકમ ભારતને અમેરીકા અને યૂરોપીય સંઘ પાસેથી મળેલી મદદ કરતાં વધારે છે.
અધિકારીઓ અનુસાર, આંતરરાષ્ટ્રીય પુનર્નિમાણ અને વિકાસ બેંક (આઈબીઆરડી)એ પોતાના કુલ ઋણમાંથી 6.7 અબજ ડોલર એટલેકે 15.1 ટકા હિસ્સો ભારતને આપી દીધો છે.
જ્યારે દ્વિતિય સ્થાન પર મેક્સિકો રહ્યું છે. તેને 6.4 અબજ ડોલરની નાણાંકીય મદદ પ્રાપ્ત થઈ છે. દક્ષિણ આફ્રિકા 3.8 અબજ ડોલરની મદદ સાથે ત્રીજા અને બ્રાઝિલ 3.7 અબજ ડોલરની મદદ સાથે ચોથા ક્રમાંકે રહ્યું છે. આ વર્ષે વિશ્વ બેંકની રાહત દરે ઋણ આપનારા એકમ ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ એસોસિએશ (આઈડીએ)એ પોતાની કુલ મદદના 17.7 ટકા એટલેકે 2.6 અબજ ડોલર ભારતને આપ્યા છે.
આ વર્ષે આઈડીએએ વિયતનામને 1.4 અબજ ડોલર અને તાંઝાનિયા, ઈથોપિયા અને નાઈજિરિયા એમ ત્રણ આફ્રિકી દેશોને 0.9 અબજ ડોલરની નાણાંકીય મદદ આપી છે.
મહત્વપૂર્ણ છે કે આઈબીઆરડી મધ્યમ આવકવાળા દેશોને,જ્યારે આઈડીએ દુનિયાના ગરીબ દેશોને સરળ શરતોએ નાણાંકીય મદદ આપે છે. વાસ્તવિક મદદના રૂપમાં ભારતને સર્વાધિક 4.7 અબજ ડોલર મળ્યા છે.