દેશ ગમમાં ગરકાવ : આભાર, ‘ઇન્ડિયા’ પાર્ટી મૂડમાં નથી

- દિલ્હી અને મુંબઇની ઘણી ફાઇવ સ્ટાર પાર્ટીઓ રદ કરી દેવામાં આવી
ઇન્ડિયા ગેટ અને ગેટવે ઓફ ઇન્ડિયાના અજ્ઞાત નાયકોએ ‘અર્બન ઇન્ડિયા’નો પાર્ટી મૂડ બદલી દીધો છે. ક્રિસમસથી માંડીને નવા વર્ષ સુધી હવે કોઇ ઉત્સાહ નથી. પાટનગર દિલ્હીમાં જ્યાં પાર્ટી કરનારાઓની સંખ્યા અડધી થઇ ગઇ છે, જ્યારે મુંબઇની ત્રણ મોટી ફાઇવ સ્ટાર હોટેલોએ પોતાની નવા વર્ષની પાર્ટી રદ કરી દીધી છે.
શહેરી ભારત પ્રથમ વખત પાર્ટીથી દૂર છે. પાટનગર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ૧૦થી પણ વધુ નવી નાઇટ ક્લબ શરૂ થઇ છે પરંતુ છેલ્લા એક સપ્તાહથી અહીં આવતા લોકોની સંખ્યા ઘટીને અડધી થઇ ગઇ છે. નવી દિલ્હીની ક્લબ ‘સ્કૂટર’ ના રાહુલ ભાંબરી જણાવે છે કે, ક્રિસમસથી જ લગભગ ૪૦-૫૦ ટકા લોકો ઓછા આવી રહ્યા છે. દિલ્હી પોલીસના રાત્રે ૧૨-૩૦ વાગે મ્યુઝિક બંધ કરવાના આદેશને કારણે લોકો પોતાના ઘરે જ પાર્ટી મનાવી રહ્યા છે અથવા પરિવાર સહિત ચુપચાપ શહેરની બહાર નીકળી ગયા છે. મુંબઇમાં પણ લગભગ આવી જ સ્થિતિ છે.
મુંબઇના સહારા સ્ટાર, જે ડબલ્યૂ મેરિએટ અને ટ્યુલિપ સ્ટાર આ વખતે નવા વર્ષના જશ્ન પર શાંત રહેશે. આ ત્રણે એ જ હોટેલ છે, જ્યાં દર વર્ષે નવા વર્ષનો જશ્ન સૌથીવધુ રંગીન હોય છે. ફિલ્મ સ્ટાર્સથી ભરેલા એમના નવા વર્ષના કાર્યક્રમના કપલ પાસ ૧૦,૦૦૦ રૂપિયાથી શરૂ થતા હતા, તેમછતાં આ વર્ષના કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.
દિલ્હીની નાઇટ ક્લબોએ નવા વર્ષ માટે ૨૦,૦૦૦ રૂપિયાના કપલ પાસ રાખ્યા હતા પરંતુ અત્યાર સુધી મોટાભાગની જગ્યાઓએ વેરાની છવાયેલી છે. દિલ્હીના પાર્ટી સિર્કટની જાણીતી હિસ્ત અને એક બહુરાષ્ટ્રીય કંપનીના અધિકારી તેહરિમા જકી કહે છે કે, દિલ્હીની ઘટનાની અહીંના લોકો પર એવી અસર પડી છે કે, કોઇ પાર્ટી કરવાના મૂડમાં જ નથી.
પાર્ટી કરવા માટે મોટાભાગના લોકો આ વખતે શહેર કે દેશની બહાર જઇ રહ્યા છે. હાર્વે ઇન્ડિયા (મુંબઇ)ના સીઇઓ જો રાજન બતાવે છે - આ વખતે લોકોને પાર્ટીમાં જરાય રસ નથી. લોકો કોઇ પણ પ્રકારના સેલિબ્રેશનથી બચવા માગે છે તેથી પરિવાર સહિત ફરવા પર વધુ ભાર આપી રહ્યા છે. દિલ્હીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા વિનીત લામ્બા કહે છે કે, જે દિલ્હી હંમેશ પાર્ટી કરવા માટે જાણીતી હતી ત્યાં આ વર્ષે પાર્ટી અંગે કોઇ ઉત્સાહ જ નથી.
પાટનગરમાં માત્ર અભિનેત્રી સની લિઓનનો કાર્યક્રમ ફાઇવ સ્ટાર હોટેલ દ્વારા યોજવામાં આવી રહ્યો છે પરંતુ તે ઉપરાંત એવો કોઇ કાર્યક્રમ નથી જેની ચર્ચા પણ થાય. આ પહેલા દર વર્ષે લગભગ ૧૦-૧૫ ફિલ્મ સ્ટાર્સ પાટનગરમાં નવા વર્ષના જશ્નમાં સામેલ થતા હતા.






