અમેરિકાએ વિદેશી કુશળતાપ્રાપ્ત કારીગરોને અપાતા એચ વન-બી અને અચ વન-બી વિઝાની ફીમાં તોતિંગ વધારો ઝીંકી દેતા તેની પ્રતિકૂળ અસર ભારતની આઇ.ટી. કંપનીઓ પર પડી છે. શરૂઆતથી જ ભારતના વિદેશ મંત્રાલયે વિઝા ફી વધારાનો વિરોધ નોંધાવ્યો હતો.
અમેરિકી વિદેશ મંત્રાલય હેઠળના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે કરેલા વિઝા ફી વધારાની હવે સીધી અસર ભારત-અમેરિકાના દ્વિપક્ષીય આર્થિક સમજૂતીઓ અને સંબંધો પર પડી શકે છે. તેમ વિદેશ મંત્રી એસ.એમ. ક્રિષ્નાએ સોંય ઝાટકીને કહ્યું હતું.
ગુરુવારે રાજ્યસભામાં કેન્દ્રિય એસ.એમ ક્રિષ્નાએ એક લેખિત પ્રત્યુત્તરમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમેરિકી સરકારે વર્ક પરમીટ કેટેગરીના એચ વન-બી અને એલ વન-બી વિઝાની ફીમાં વધારો કરવા માટે ખરડો પસાર કર્યો ત્યારથી જ ભારત સરકારે વિરોધ નોંધાવ્યો હતો. આનાથી ભારતની સોફટવેર ઇન્ડસ્ટ્રીને તો નકારાત્મક અસર થશે જ સાથોસાથ ભારત-અમેરિકાના મજબૂત દ્વિપક્ષીય આર્થિક સંબંધો પણ પ્રભાવિત થઇ શકે છે.
એચ વન-બી વિઝાની ભારતના આઇ.ટી. પ્રોફેશનલ્સ દ્વારા દર વર્ષે વિક્રમી સંખ્યામાં માંગ રહેતી હોવાથી ભારતની આઇ.ટી. કંપનીઓને નુકસાન જશે. જો કે, અમેરિકાએ લાગુ કરેલા નવા ફીના ધોરણો કોઇ ચોક્કસ દેશને લાગુ નથી કર્યા આમ છતાં ભારતના સોફટવેર ઉદ્યોગને ફટકો પડશે તેમાં શંકાને સ્થાન નથી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ ગત ૧૩મી ઓગસ્ટે એચ વન-બી અને એલ વન-બી વિઝાની ફીમાં વધારો સૂચવતા ઇમરજન્સી બિલ પર મંજૂરીના હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકી સરકારે આ ફી વધારા પાછળ સરહદ સુરક્ષા ક્ષેત્રે વધારાનું નાણાભંડોળ એકત્ર કરવાનું ગળે ન ઉતરે તેવું કારણ આપ્યું છે.
ભારત સરકારે કઇ રીતે વિરોધ નોંધાવ્યો હતો
એચ વન-બી અને અચ વન-બી વિઝાની ફીમાં બમણાં કરતા પણ વધુ વધારો સૂચવતો ખરડો ‘અન્ડર પ્રોસેસ’ હતો તે દરમિયાન ભારત સરકારે પોતાની બાજુ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો.
વોશિંગ્ટન ખાતેની ભારતીય રાજદૂતાવાસ કચેરીએ યુ.એસ. એડમિનિસ્ટ્રેશન અને સાંસદો સાથે આ મુદ્દે બેઠક કરી હતી.
ભારતના કેન્દ્રિય વેપાર-ઉદ્યોગ મંત્રી આનંદ શર્માએ પોતાના અમેરિકી સમકક્ષ સાથે વિઝા ફી વધારો રોકવા મુદ્દે ચર્ચા કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલયના સચિવ નિરુપમા રાવે ભારત ખાતેની અમેરિકી રાજદૂત ટીમોથી રોમર સાથે બેઠક કરીને વિઝા ફી વધારાની અસરોથી માહિતગાર કર્યા હતા.