Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

ઓબામા, જો જો અમેરીકામાં કુરાને શરીફ બળે નહીં!

 
Source: Anand Shukla, Ahmedabad   |   Last Updated 2:33 PM [IST](08/09/2010)
 
 
 
 
 
માનવતા, સહિષ્ણુતા અને સેક્યુલારીઝમની તાલ ઠોકનાર અમેરીકા હવે શું કરશે? અમેરીકાનું એક ચર્ચ ડોવ વર્લ્ડ આઉટરીચ સેન્ટર આ વખતે 9/11ની વરસીએ ઈસ્લામના ધર્મ પુસ્તક કુરાને શરીફની હોળી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો છે. જો કુરાને શરીફ અમેરીકાની ધરતી પર બળશે, તો તે માનવતા, સહિષ્ણુતા અને સેક્યુલારીઝમની વાત કરનારા અમેરીકાની બેવડી નીતિને ખુલ્લુ પાડશે. આમ તો અમેરીકાના રાષ્ટ્રપતિ બરાક હુસેન ઓબામાએ કુરાન બાળવાની વાત કરનારાઓને ચેતવણી આપી છે. અમેરીકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને અને અમેરીકાની સેનાના એક જનરલે પણ કુરાને શરીફ ન સળગાવાની વિનંતી કરી છે.

જો કે કુરાન સળગાવાની જાહેરાત કરનારા અમેરીકન ચર્ચે તો તેમના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રી કે જનરલની વિનંતી સંદર્ભે કોઈ સકારાત્મક પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ ઈસ્લામિક વિશ્વમાં ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા વગેરે દેશોમાં અમેરીકા સામેના વિરોધ પ્રદર્શનો તેજ બની ગયા છે. ત્યારે જેહાદના નામે આતંક ફેલાવનારા ઓસામા બિન લાદેને 9 સપ્ટેમ્બર, 2001ના દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન્સ ટાવરને આતંકી હુમલા દ્વારા ધ્વસ્ત કર્યા હતા.

જેના કારણે અમેરીકાએ અફઘાનિસ્તાન પર વોર ઓન ટેરરના નામે હુમલો કર્યો હતો. હજી પણ આ અભિયાન અફઘાનિસ્તાનમાં ચાલુ છે. ત્યારે અમેરીકામાં એક ચર્ચ દ્વારા ઈસ્લામના ધર્મ પુસ્તકને સળગાવીને 9/11ની ઘટનાનો વિરોધ કરવાનો કાર્યક્રમ અપાયો છે, તે દર્શાવે છે કે અમેરીકા જે મુલ્યોની વાત કરી રહ્યું છે. તેને સંદર્ભે ત્યાંના લોકોમાં અને કેટલાંક ધાર્મિક સંગઠનોમાં અમેરીકાની તાજેતરની નીતિઓને કારણે ઈસ્લામ વિરોધી લાગણીઓ મજબૂત બની રહી છે. કુરાને શરીફને જો સળગાવામાં આવશે, તો તે આવા તત્વોના પ્રભાવની અમેરીકામાં જીત હશે.

જેહાદના નામે આતંક ફેલાવનારાઓ કુરાને શરીફને ટાંકીને પોતાના આતંકી કૃત્યોને ન્યાયી સાબિત કરવાનો પ્રયત્ન કરતાં જોવા મળે છે. ત્યારે કુરાને શરીફથી અજાણ એવા લોકોને તેના ઉપદેશો સંદર્ભે શંકા ઉપજે તે સ્વાભાવિક છે. ત્યારે આવા વખતે કુરાને શરીફના સાચા, યોગ્ય અર્થઘટન સાથે ઈસ્લામિક વિશ્વમાંથી કોઈ વિદ્વાન સામે આવે તે જરૂરી હતું. પણ હજી સુધી આવું કંઈ જ થયું નથી અથવા તો થયું હશે, તો તેનો વ્યાપ ઘણો ઓછો રહ્યો હશે. પણ અમેરીકામાં કુરાન સળગાવાની ઘટના બનશે, તો નિશ્ચિત છે કે ઈસ્લામિક વિશ્વમાં અમેરીકાના વિરોધનું વાતાવરણ વધારે ઉગ્ર બને. શક્ય છે કે ઈસ્લામિક વિશ્વમાં ખ્રિસ્તી વિરોધી લાગણીઓ પણ જન્મે. જે વિશ્વની શાંતિ માટે કોઈપણ રીતે ઈચ્છનીય બાબત નથી.

આવી વિરોધની આવી અસંવેદનશીલ ઘટનાઓ વખતે ભારતે સંવેદનશીલ બનવું પડશે. કારણ કે ભારતમાં લગભગ 18 કરોડથી વધારે મુસ્લિમો છે. જેમની સંખ્યા ઘણાં બધાં ઈસ્લામિક દેશો કરતાં વધારે છે. અરે, પોતાને ઈસ્લામિક પ્રજાસત્તાક ગણાવીને ભારત અને વિશ્વમાં આતંકવાદની નિકાસ કરી રહેલા પાકિસ્તાન કરતાં પણ ભારતમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે. ત્યારે આવી બાબતોમાં ભારતનો મુસ્લિમ સમુદાય વધારે સંવેદનશીલ બને છે. ઈરાક પર 1991માં અમેરીકી અભિયાન વખતે પણ ભારતના મુસ્લિમોએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. ઈસ્લામના પયગંબર મોહમ્મદ સાહેબના યુરોપના અખબારમાં પ્રકાશિત થયેલા કાર્ટૂનના વિરોધમાં ભારતના હૈદરાબાદ, લખનૌ, અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનો કેટલાંક ઠેકાણે હિંસક પણ બન્યા હતા.

વળી ભારતમાં આગામી સપ્તાહે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ સંદર્ભે અલ્હાબાદ હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે. ત્યારે અમેરીકામાં કુરાન સળગાવાની ઘટનાનો વિરોધ ભારતમાં કોઈ મોટી હિંસક ઘટનાનું કારણ ન બને તે માટે પણ મુસ્લિમ સમુદાયની મોટી જવાબદારી બની જશે.

પરંતુ એક વાત સ્પષ્ટ બનવી જોઈએ કે ભારત બહાર બનતી ઈસ્લામ ધર્મ પુસ્તક કુરાને શરીફ કે તેમના પયગંબર મોહમ્મદ સાહેબના અપમાનની ઘટનાનો ભારતમાં વિરોધ કરતી વખતે અન્ય ભારતીયો માટે તે કોઈ સમસ્યાનું કારણ ન બનવો જોઈએ. સંભવિત વિરોધ પ્રદર્શનો વખતે આટલી પરિપકવતા દાખવામાં આવે તો તે ભારતીય વહીવટી તંત્ર માટે રાહતની વાત બની રહેશે.

વળી સવાલ એ છે કે કુરાનના ઉપદેશો પર શંકા શા માટે વિશ્વના અન્ય ધર્મ-સંપ્રદાયોના લોકોને ઉપજી રહી છે? તેનું આત્મવિશ્લેષણ કરવાનો પણ સમય પાકી ગયો છે. આજનું વિશ્વ સહિષ્ણુતા, માનવતા અને સર્વધર્મ સમભાવના સેક્યુલર મૂલ્યના આધારે ચાલી શકવાનું છે. ત્યારે એવા ધાર્મિક પુસ્તકોના એવા ક્યાં અર્થ ઘટનો છે કે જેનાથી વિશ્વમાં હિંસા ફેલાય રહી છે, એવા ક્યાં કારણો છે કે આવા પ્રકારના અર્થઘટનો સંગઠનો કરી રહ્યાં છે? તેના માટે વિશ્વના પરિપકવ સમુદાયો તરીકે દરેકે વિચારવું પડશે. અમેરીકામાં બળશે કુરાન તો તે ખરેખર અમેરીકાને દુનિયાનું ‘જમાદાર’ બનવાના તેની નૈતિકતાને ખતમ કરી નાખશે. ભારતને અવારનવાર સેક્યુલારીઝમની શિખામણ આપનાર પોતાના રિપોર્ટોમાં ભારતની પરિસ્થિતિનું અતિરંજીત વર્ણન કરનાર અમેરીકા આવી ઘટનાને ટાળે.

જો અમેરીકામાં કુરાન બળશે, તો અમેરીકામાં ધાર્મિક અસહિષ્ણુતા સંદર્ભે બરાક હુસેન ઓબામાએ રિપોર્ટ તૈયાર કરવો પડશે.

આ સંદર્ભે વાચક મિત્રો અમને પોતાના મંતવ્યો મોકલી શકે છે, જો કે એક અપીલ છે કે આ મુસ્લિમોની ધાર્મિક લાગણી સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે વાચક મિત્રો એટલી જ સંવેદનાથી અને શાલીનતાથી ભદ્રતાથી પોતાની પ્રતિક્રિયા અને મંતવ્યો મોકલશો...તમારા અભિપ્રાયો આવકાર્ય છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.