- પીએમની ખુરશીની રેસમાં ગુજરાતી દિગ્ગજ નેતાને હરાવ્યા હતા ઇન્દિરાએ
- ઇન્દિરા ગાંધીની લડાઇ હતી મોરારજી દેસાઇ સામે
- 19 જાન્યુઆરી, 1966ના રોજ સંભાળ્યો પદભાર
- દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ઇન્દિરા ગાંધી
- કુલ બે વાર મોરારજી દેસાઇ વડાપ્રધાનપદની રેસમાં પાછળ રહી ગયા
ઇન્દિરા ગાંધી, સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન. પોતાના શાસન દરમિયાન ઇન્દિરાએ કરેલા કાર્યોની ચર્ચા આજે પણ થાય છે પછી ભલે એ કટોકટીની વાત જ કેમ ન હોય? પરંતુ ઇન્દિરા ગાંધી કેવી રીતે વડાપ્રધાનપદ સુધી પહોંચ્યા અને આ માટે પડદા પાછળ કેવો ખેલાયો ખેલ તેની વાત અહીં રજૂ કરી છે.
ઇન્દિરા ગાંધીએ ગુજરાતના પનોતા પુત્ર અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇને હરાવીને વડાપ્રધાનપદ મેળવ્યું હતું. વડાપ્રધાન બનવા માટે ઇન્દિરાને તત્કાલિન સમયે દેશના 16માંથી 11 રાજ્યોનું સમર્થન પ્રાપ્ત હતું. આ રાજ્યોના નેતાઓએ ઇન્દિરાને ખાતરી આપી હતી કે તેઓ ઇન્દિરાને વડાપ્રધાન બનાવવામાં તમામ મદદ કરશે પરંતુ ઇન્દિરાની લડાઇ પોતાના જ પક્ષના નેતાઓ ગુલઝારીલાલ નંદા અને મોરારજી દેસાઇ સામે હતી પરંતુ જવાહરલાલ નહેરૂના મૃત્યુ બાદ વડાપ્રધાન બનેલા લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદાએ ઇન્દિરાનો માર્ગ મોકળો કરી આપ્યો અને વડાપ્રધાનપદ માટેની પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી.
હવે ઇન્દિરાની સીધી લડાઇ ગુજરાતી નેતા મોરારજી દેસાઇ સામે હતી. મોરારજી દેસાઇ પર પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે ભારે દબાણ હતું પરંતુ આ ગુજરાતી નેતા ઇન્દિરા સામે ન ઝુક્યા. તેમણે વડાપ્રધાનપદ માટેની પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી.
સમગ્ર દેશ એમ માનતો હતો કે વડાપ્રધાનપદ માટે ઇન્દિરા સામે જંગે ચડેલા મોરારજી દેસાઇને કોંગ્રેસના કુલ 525 સાંસદો પૈકી માત્ર 100થી પણ ઓછા સાંસદો સમર્થન આપશે પરંતુ જ્યારે વડાપ્રધાનપદ માટેના ઉમેદવારની ચૂંટણી થઇ ત્યારે સૌની આંખો પહોળી થઇ ગઇ કારણ કે જે મોરારજી દેસાઇને 100થી પણ ઓછા મતો મળશે તેમ મનાતું હતું તેણે ઇન્દિરા પાસેથી કુલ 169 મતો આંચકી લીધા. જો કે ઇન્દિરા ગાંધીને બાકીના 355 મતો મળ્યા અને તે 19 જાન્યુઆરી, 1966ના રોજ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
આ ઘટના બાદ મોરારજી દેસાઇએ ઇન્દિરાને શુભેચ્છા પાઠવી હતી. આ બીજો એવો બનાવ હતો કે જ્યારે વડાપ્રધાનપદની દોડમાં મોરારજી દેસાઇ પાછળ રહી ગયા હોય. આ પહેલા જવાહરલાલ નહેરૂના મૃત્યુ બાદ વડાપ્રધાનપદ મેળવવા માટે લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઇ વચ્ચે જંગ હતી પરંતુ મોરારજીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.