મિહિર બેસરા, મલ્લા રાજી રેડ્ડી, પ્રમોદ મિશ્રા, આશુતોષ ટુડુ, અમિતાભ બાગચી, કોબાડ ગાંધી અને ચેરકુરી રાજકુમાર. આપ આ બધા નામોથી કદાચ પરિચિત ન હોવ પરંતુ માઓવાદી નેતા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીએ આ લોકોના કારણે જ સરકાર સમક્ષ સીઝફાયરનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બધા જ નકસલી નેતા તાજેતરમાં પોલીસની ગોળીનો શિકાર બન્યા છે અથવા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
શું છે સીઝ ફાયર?
હિંસા તો કહીને કરતા નથી તો પછી હિંસા બંધ કરવા માટે સીઝફાયરની જાહેરાત શેની ? આ માટે ભાસ્કરે વાચકો માટે જાણ્યું કે સીઝફાયર શબ્દને માન્યતા કેવી રીતે મળી.
ઈતિહાસ
સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપ બાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના યોદ્ધાઓ વચ્ચે પહેલી વખત ૧૧ જુન, ૧૯૪૮ના રોજ સીઝફાયર અમલમાં લવાયું હતું. તેનો માત્ર ૮ જુલાઈ સુધી અમલ રહ્યો હતો. ત્યારબાદ તેનું પ્રચલન વધી ગયું હતું.
ભૂગોળ
ભૌગોલિક સ્થિતિના કારણે સીઝફાયરનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે. જેમકે કાશ્મીરી ત્રાસવાદીઓ હિમવર્ષા વખતે અને નકસલો પૂરની સ્થિતિમાં આ પ્રસ્તાવ મૂકે છે.
નાગરિકશાસ્ત્ર
કિશનજી છબી બદલીને રાજનીતિનો માર્ગ પકડવા માંગે છે તો બીજીતરફ સરકાર ખોટી સજાગતા બતાવી રહી છે. આશંકા છે કે આ માઓવાદીઓ અને સરકારનું સહિયારું નાટક હોઈ શકે છે.
જેમણે કિશનજીનું નામ સૂચવ્યું તેમની સાથે પણ વાત
કિશનજીએ પહેલી વખત સીઝફાયરનો પ્રસ્તાવ મૂક્યો છે. ભવિષ્યમાં તેઓ રાજનીતિના મુખ્યપ્રવાહમાં પણ આવી શકે છે. જો સરકાર હુર્રિયત અને પંજાબના ભાગલાવાદીઓ સાથે વાત કરી શકતી હોય તો કિશનજી સાથે શા માટે નહીં? - સુજાતા ભદ્ર
આ તો કિશનજીની એક ચાલ છે
માઓવાદીઓ છેલ્લા કેટલાક દિવસથી કમજોર બની રહ્યા છે. આ કારણે તેમને પોતાની તાકાત વધારવા માટે સમયની જરૂર છે. સીઝફાયર દરમિયાન તેમને સુરક્ષાદળોના જોખમથી મુક્તિ મળી જશે. આ માટે તેમજ વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારે કિશનજીની ચાલમાં ન આવવું જોઈએ. - મલય કૃષ્ણધર, ભૂતપૂર્વ નિદેશક, રો
મંત્રણા કરવી હોત તો પહેલાં હિંસા છોડી દીધી હોત
આ પ્રસ્તાવમાં નવું કંઈ જ નથી. સરકારને ભ્રમમાં નાખવા માટે આવા પ્રસ્તાવ માઓવાદીઓ પહેલાં પણ આપી ચૂક્યા છે. તેઓ સીઝફાયર દરમિયાન પોતાની તાકાત નહીં વધારે તે વાતની શું ગેરંટી છે? જો તેઓ મંત્રણા અંગે ગંભીર હોત તો પહેલાં હથિયાર મૂકી દેવાની કે હિંસા છોડી દેવાની જાહેરાત શા માટે નથી કરતા? - કે. સુબ્રમણ્યમ સુરક્ષા વિશેષજ્ઞ
સફાયો થવાના ડરથી પ્રસ્તાવ મૂક્યો
તાજેતરમાં થયેલી ઘટનાઓમાં માઓવાદીઓને મોટાપાયે નુકસાન થયું છે. તેમનો સફાયો થઈ જવાના ડરથી બચવા માટે તેમણે સીઝફાયરનો પ્રસ્તાવ મૂક્યો છે. તેઓ એટલા નબળા પડી ગયા છે કે હવે પશ્ચિમ બંગાળમાં પણ સલવા જુડમ જેવા આંદોલનો શરૂ થવાની શક્યતા વધી ગઈ છે. - બ્રિગેડિયર બી.કે.પોનવાર, જંગલ વોરઅફેર સ્કૂલ
...કારણ કે અત્યારે નકસલો પૂરમાં ફસાયા છે
કિશનજીના પ્રસ્તાવનો કોઈ અર્થ નથી. હવે તેમનામાં આંતરિક તાલમેલ પણ ખતમ થઈ ગયો છે. એક ગ્રૂપને ખબર નથી હોતી કે બીજું ગ્રૂપ શું કરી રહ્યું છે. નકસલો જે જિલ્લામાં હાલ સક્રિય છે ત્યાં આ દિવસોમાં સામાન્યપણે પૂરની અસર હોય છે. આ કારણે તેમણે ત્રણ મહિના સુધી પોતાની કાર્યવાહી રોકવાની વાત કરી છે. - કે.પી.એસ.ગિલ, ભૂતપૂર્વ ડીજીપી, પંજાબ