ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા પર આવવા માટે ભાજપે કમર કસી છે. હાલ પક્ષના અધ્યક્ષ નીતિન ગડકરી ઠેર-ઠેર ફરી રહ્યાં છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, જો ભાજપ ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા પર આવ્યો તો ઘઉં પરના ટેકાના ભાવો વધારશે અને ખેડૂતોના વ્યાજના દર પણ ઘટાડશે. આટલેથી ન અટકતા ગડકરીએ કહ્યું હતું કે, ભાજપ ઉત્તરપ્રદેશને ગુજરાત જેવું બનાવી દેશે.
-ગુજરાત જેવું બનાવીશું યુપી: ગડકરી -આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપની નજર ઉત્તરપ્રદેશ પર -ગુજરાતમાં કૃષિ વિકાસ 14 ટકાના દરે થઈ રહ્યો છે-ઉત્તરપ્રદેશમાં ત્રણ ટકા કરતાં પણ ઓછો છે
ઉત્તરપ્રદેશમાં એક સભાને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું હતું કે, '' ગુજરાતમાં કૃષિ વિકાસ 14 ટકાના દરે થઈ રહ્યો છે. જે ઉત્તરપ્રદેશમાં ત્રણ ટકા કરતાં પણ ઓછો છે. જો ઉત્તરપ્રદેશમાં ભાજપ સત્તા પર આવશે તો કૃષિ ક્ષેત્ર પર ગંભીરતાથી વિચાર કરશે.''
ભાજપે ઘઉંના ટેકાના ભાવોને R 1,120 થી વધારીને R 1,300 ક્વિન્ટલદીઠ કરવાની પણ વાત કરી હતી.ખેડૂતોને ત્રણ ટકાના દરે વ્યાજ આપવાની અને શરૂઆતના એક વર્ષ માટે વ્યાજ નહીં આપવાની સુવિધા આપવાની પણ વાત કરી હતી. આ સભાને ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહ અને ઉત્તરપ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા કાલરાજ મિશ્રાએ પણ સંબોધી હતી.
ઉલ્લેખનીય છે કે, એક સમયે ઉત્તરપ્રદેશમાં સત્તા ભોગવનારો ભાજપ પક્ષ છેલ્લા એક દાયકા કરતા પણ વધારે સમયથી અહીં સત્તાથી વંચિત છે. આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે. આથી, રાજકીય પક્ષોએ અત્યારથી જ અહીં પગ મજબુત કરવાની કવાયત હાથ ધરી દીધી છે.
આ ઘટનાક્રમ અંગે તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.