કેન્દ્રીય કેબિનેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના મહત્વાકાંક્ષી ખાદ્ય સુરક્ષા બિલ(ફૂડ સિકયોરિટી બિલ)ને રવિવારે મંજુરી આપી દીધી છે. આ બિલ અંતર્ગત દેશની ૬૩.૫ ટકા વસ્તીને સસ્તું અનાજ ઉપલબ્ધ થઈ શકશે. બિલ પસાર થયા બાદ ખાદ્ય સબસિડી ૨૭,૬૬૩ કરોડ વધીને R ૯૫ હજાર કરોડ થઈ જશે. બિલ સોમવારે સંસદમાં રજુ કરાય તેવી શક્યતા છે.
-૬૩.૫% લોકોને સસ્તા અનાજની ગેરંટી
-અન્ન સુરક્ષા બિલને કેબિનેટની મંજુરી
-સબસિડી બિલમાં R ૨૭,૬૬૩ કરોડનો વધારો
વડાપ્રધાન મનમોહનસિંઘની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલના મુસદ્દાને લીલી ઝંડી આપી દેવાઈ. આ કાયદો લાગુ થયા બાદ પ્રાથમિકતાવાળા પરિવારો(અથૉત જાહેર વિતરણ પ્રણાલી હેઠળ બીપીએલ પરિવારો)ને વ્યક્તિ દીઠ મહિને સાત કિલો ચોખા, ઘઉં અને જાડું ધાન(દાળ વગેરે) અનુક્રમે ત્રણ, બે અને એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. સામાન્ય પરિવારોને ઓછામાં ઓછા ત્રણ કિલો અનાજ લઘુતમ ભાવ કરતાં ૫૦ ટકા ઓછા ભાવે મળી શકશે.
કેન્દ્રીય ખાદ્યમંત્રી કે.વી. થોમસે શનિવારે કેબિનેટની બેઠક બાદ કહ્યું હતું કે બિલ સર્વસંમતિથી મંજુર કરાયું છે. તેમણે કહ્યું હતું કે ફૂડ સિકયોરિટી બિલનાં સંપૂર્ણ અમલ પાછળ R ૩.૫ લાખ કરોડનો ખર્ચ થશે. કૃષિ ઉત્પાદન વધારવા, સંગ્રહ ક્ષમતા વધારવા, પ્રચાર-પ્રસાર સહિત અન્ય કામગીરી માટે વધારાની રકમની જરૂર પડશે.
બીપીએલ પરિવારને દર મહિને વ્યક્તિદીઠ સાત કિલો ચોખા, ઘઉં, જાડું ધાન અનુક્રમે ૩,૨ અને ૧ રૂપિયે કિલોના ભાવે મળશે એપીએલ પરિવારને દર મહિને વ્યક્તિદીઠ ઓછામાં ઓછું ત્રણ કિલો અનાજ લઘુતમ ટેકાના ભાવ કરતાં ૫૦ ટકા ઓછા ભાવે મળશે
હાલની વ્યવસ્થા શું છે :
૬.૫૨ કરોડ બીપીએલ પરિવારોને પીડીએસ મારફતે ૩૫ કિલો ઘઉં અને ચોખા દર મહિને અનુક્રમે R ૪.૧૫ અને R ૫.૬૫ના કિલોદીઠ ભાવે સરકાર તરફથી મળે છે. ૧૧.૫ કરોડ એપીએલ પરિવારોને ૧૫ અને ૩૫ કિલોની વચ્ચે ઘઉં અને ચોખા અનુક્રમે ૬.૧૦ અને ૮.૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે.
હવે શું :
-કેબિનેટની મંજુરી બાદ હવે ફૂડ સિકયોરિટી બિલ સંસદમાં રજુ કરાય તેવી શક્યતા છે.
-સ્થાયી સમિતિને મોકલવામાં આવશે જેથી સરકારને તેનો અમલ કઈ રીતે કરવો તે અંગે ચર્ચા માટે પૂરતો સમય મળી શકે
ભ્રષ્ટાચાર કરતાં ભૂંડી ભૂખ
વડાપ્રધાને ખાતરી આપી હતી કે રવિવારે લોકપાલના મુદ્દે કેબિનેટમાં નિર્ણય લેવાશે. પરંતુ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના હસ્તક્ષેપને કારણે એજન્ડા બદલાઈ ગયો. એક કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ સ્પષ્ટ કરી દીધું હતું કે આ બિલમાં વધુ વિલંબ થવો જોઈએ નહીં. કાયદા મંત્રી સલમાન ખુરશીદે એજન્ડામાં ફેરફારનો બચાવ કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર કરતાં ભૂંડી ભૂખ છે.
બિલની જોગવાઈ
#આમ આદમીને બે ભાગમાં વિભાજિત કરાયા છે. બીપીએલને પ્રાથમિકતાવાળા કુટુંબોમાં અને એપીએલ પરિવારનો સામાન્ય પરિવાર અંતર્ગત રાખવામાં આવ્યા છે
#૭૫ ટકા ગ્રામીણ અને ૫૦ ટકા શહેરી વસ્તીને આ બિલથી લાભ થશે.
#પ્રાથમિકતાવાળા પરિવારોને વ્યક્તિ દીઠ મહિને સાત કિલો ચોખા, ઘઉં અને જાડું ધાન(દાળ વગેરે) અનુક્રમે ત્રણ, બે અને એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. સામાન્ય પરિવારોને ઓછામાં ઓછા ત્રણ કિલો અનાજ લઘુતમ ટેકાના ભાવ કરતાં ૫૦ ટકા ઓછા ભાવે મળી શકશે
#કુદરતી આફતની સ્થિતિમાં અનાજનું વિતરણ ન થાય તો કેશ સબસિડી અપાશે. સબસિડી પર થનારો ખર્ચ R ૨૭,૬૬૩ કરોડ વધીને R ૯૫ હજાર કરોડ થઈ જશે.
#ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ, બાળકો, નિરાધાર, બેઘર અને ભૂખમરાનો સામનો કરી રહેલા લોકો માટે વિશેષ જોગવાઈ. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોષક આહારનો અધિકાર અપાયો છે. તેમને છ મહિના સુધી દર મહિને એક હજાર રૂપિયાનો લાભ મળતો રહેશે. આઠમા ધોરણ સુધીના બાળકોને ભોજન અપાશે.
#મહિલા સશક્તિકરણની દિશામાં પરિવારના સૌથી વૃદ્ધ મહિલાના નામે રેશનકાર્ડ રહેશે.
#કાયદાનો સંપૂર્ણ અમલ કરવા માટે રૂ.૩.૫ લાખ કરોડનો ખર્ચ થશે.