બંદૂક છોડી માદરે વતન ફરી રહ્યાં છે ચરમપંથીઓ
Agency
| Aug 15, 2012, 19:04PM IST

અબ્દૂલ રશીદ ખાનનું કહેવું છે. '' 1989નું વર્ષ હતું. હું ત્યારે સ્કૂલમાં હતો, આઠમા ધોરણમાં ભણતો હતો. ત્યારે મારી પરીક્ષા પૂર્ણ થઇ ગઇ હતી. બેગ એક દૂકાનમાં ફેંકી અને હું પાકિસ્તાનના હદના કાશ્મિર જવા નીકળી પડ્યો. ત્યારે બપોરના અઢી વાગ્યા હતા, હું મારા સ્કૂલ યુનિફોર્મમાં હતો, મે સાથે કંઇજ લીધું નહોતું.''
કુપવાડાના રહેવાસી અબ્દૂલ રશીદ સાથે અન્ય આઠ બાળકોએ પણ પોતાનું ઘર છોડી દીધું હતું. અબ્દૂલ કહે છે, ''એ વખતે આ પ્રકારની વાતો વધુ થતી હતી. તેથી હું પણ નીકળી પડ્યો.'' ઘર છોડ્યાને બીજા દિવસે જ આ સમૂહ મુઝફ્ફરબાદ પહોંચી ગયું, જ્યાં તે જમ્મૂ-કાશ્મિર લિબ્રેશન ફ્રન્ટ કેમ્પમાં પહોંચ્યું. જ્યાં તેમને એક મહિના સુધી એક 47 ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી. 22 વર્ષ પછી અબ્દૂલ કુલગામ પરત ફર્યો છે.
ભારતથી આઝાદી
અબ્દૂલ એ હજારો યુવકોમાનો એક હતો, જેણે વર્ષ 1988માં પાકિસ્તાની સરહદમાં પ્રવેશ કરી ચરમપંથી કેમ્પમાં હિસ્સો લીધો હતો. તેમનું માનવું હતું કે, તે ભારતથી આઝાદી હાસિલ કરવા લડાઇ કરી રહ્યાં હતા. કાશ્મિર હૂકુમતની એક ધારણા પ્રમાણે, બે દશકાની અંદર 3500થી 4000 યુવકોએ સરહદ પાર કરી હતી, પરંતુ ભારતીય અધિકારીઓ અનુસાર છેલ્લા 12 મહિના દરમિયાન તેમાંથી ઓછામાં ઓછા 150 પરત ફર્યા છે, જ્યારે કેટલાક પરત ફરવાની રાહ જોઇ રહ્યાં છે.
ભારતીય અધિકારીઓનું કહેવું છઠે કે, પરત ફરવા માટે તેમની પાસે 1054 અરજીઓ છે, જેમાંથી ઓગસ્ટના અંત સુધી 291ને મંજૂરી મળી છે, જ્યારે 300 આવેદનકર્તાઓને ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે. જે લોકો પરત ફર્યા છે તેમનું કહેવું છે કે, પાકિસ્તાનમાં કાશ્મિર માટે મળનારું સમર્થન ઘટી રહ્યું છે, ત્યાં તાલિબાનનો પ્રભાવ વધી રહ્યો છે અને ભારત સરકારે હાલ જ પરત ફરનારાઓ માટે એક નવી નીતિની ઘોષણા કરી છે. તેમને હવે એ વાત સમજાય ગઇ છે કે, આ લડાઇ નિરથર્ક છે.
સહેલું નથી પરત ફરવું
52 વર્ષીય ઇજાજ અહમદ ઓગસ્ટ 1990માં પાકિસ્તાન ગયા હતા. હવે તેઓ મુઝફ્ફરાબાદથી પત્ની અને પાંચ બાળકો સાથે પરત ફર્યા છે. તેમનું કહેવું છે કે, તેમણે કાશ્મિર વિધાનસભામાં થયેલી ચર્ચામાં સરકારની પરત ફરવાની નીતિ અંગે માલુમ પડ્યું. તેમના અનુસાર પક્ષ અને વિપક્ષ બન્ને આ વાતને સમર્થન આપી રહ્યાં છે. પરંતુ તેમનું કહેવું છે કે, પરત ફરવું સહેલું નથી.
જમ્મૂ-કાશ્મિરના એક અધિકારીએ બીબીસીને કહ્યું, '' આ નીતિ પર યોગ્ય રીતે કામ કરવા માટે પાકિસ્તાનની મદદની જરૂરિયાત છે, પરંતુ તે હંમેશા કહીં રહ્યું છે કે, યુવાનો ભારત છોડીને પાકિસ્તાન એટલા માટે ગયા હતા કે તેમના પર અત્યાચાર થઇ રહ્યો હતો. ''
નેપાળના માર્ગે ભારત આવ્યા
મુશ્કેલીઓથી બચવા માટે કેટલાક લોકો નેપાળનો માર્ગ પસંદ કરે છે. એક પૂર્વ ચરમપંથીનું કહેવું હતું કે, લોકો પહેલા પાસપોર્ટ વગર નેપાળ પહોંચે છે, પછી પાસપોર્ટ થકી ભારતમાં પ્રવેશ કરે છે. આર્મી તરફથી કેટલીક મુશ્કેલી ઉભી થાય છે પરંતુ જ્યારે એ લોકોને સ્થાનિક પોલીસ અને ગુપ્ત વિભાગ તરફથી જાણકારી પ્રાપ્ત થાય છે તો લોકોને પ્રવેશ કરવાની મંજૂરી મળી જાય છે. શ્રીનગરમાં આ લોકોને પૂછપરછ કરવામાં આવે છે, બાદમાં લોકોને તેમના પરિવારના હવાલે કરી દેવામાં આવે છે.
ભારત સરકાર માટે આ સારી સ્થિતિ છે. તેની વિરુદ્ધ લડનારાઓની સંખ્યા ઘટી રહી છે, અને હવે તે કહીં શકે છે કે કાશ્મિરમાં સ્થિતિ સામન્ય છે. ભારત પૃથકતાવાદી નેતાઓનું સત્ય લોકોની સામે લાવવાનો દાવો કરી શકે છે. પરંતુ બીજી તરફની સમસ્યાઓએ કેટલાક લોકોને ચિંતામાં મુકી દીધા છે. જે પૂર્વ ચરમપંથી પરત ફર્યા છે તેઓ ભારતીય છે, પરંતુ તેમની પત્ની પાકિસ્તાની છે. પરત ફરનારાઓને કામ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેમને પરત ફરવા માટે ઘણો ખર્ચ કરવો પડ્યો હતો. તેમજ તેમણે ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હોય વારંવાર જમાનત લેવી પડી રહી છે. જે માટે પૈસાની જરૂર છે. તેઓ રાજ્ય સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવવાની યોજના બનાવી રહ્યાં છે.






