સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પ્રશંસા કરી હતી. જેના પગલે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. રાજદે અણ્ણાને સલાહ આપી છે કે, તેમણે રાજકીય નિવેદનો ન કરવા જોઈએ.
-મોદી-નીતિશની પ્રશંસા કરતા અણ્ણા પર પસ્તાળ
-બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પ્રશંસા કરી હતી
-હજારેએ ગુજરાતના ગામડાઓમાં થયેલા વિકાસની પ્રશંસા કરી હતી
અણ્ણા હજારે દ્વારા નીતિશ કુમારની પ્રશંસા પર પ્રતિક્રિયા આપતા આરજેડીના મહાસચિવ રામકૃપાલ યાદવે કહ્યું હતું કે, અણ્ણા હજારે એક સામાજિક કાર્યકર છે. તેઓ ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડી રહ્યાં છે. આથી તેમણે કોઈ મુખ્યપ્રધાનને પ્રમાણ પત્ર ન આપવું જોઈએ. યાદવે ઉમેર્યું હતું કે, અણ્ણા હજારે બિહારમાં આવીને જોવું જોઈએ કે અહીં ઠેર-ઠેર ભ્રષ્ટાચારની બોલબાલા છે.
લોજપના વરિષ્ઠ નેતા લલન ચંદ્રવંશીએ આરોપ મુક્યો હતો કે, ''એવું લાગે છે કે, અણ્ણા હજારે એન્ડીએના એજન્ટ તરીકે વર્તી રહ્યાં છે.'' હજારેના નિવેદન પર જેડીયુના પ્રવક્તા સંજય સિંહે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગાંધીવાદી નેતા હજારે દ્વારા કરવામાં આવેલી સાચી વાતથી પણ તેમને પરેશાની થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હજારેએ ગુજરાતના ગામડાઓમાં થયેલા વિકાસની પ્રશંસા કરી હતી. પરંતુ, જ્યારે તેનો વિરોધ થયો ત્યારે અણ્ણા હજારેએ કહ્યું હતું કે, ''મેં ગામડામાં થયેલાં વિકાસની પ્રશંસા કરી હતી. નહીં કે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની. કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક તણાવને હું વખોડું છું.'' પ્રશંસા અંગેના સમાચારો વહેતાં થતાં, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અણ્ણા હજારેને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે, '' તમારા આશિર્વાદ બદલ આભાર.'' આ સાથે મોદીએ ઉમેર્યું હતું કે, ગુજરાત અને મારી પ્રશંસા કરવા બદલ તમારી ટીકા થઈ શકે છે. આ માટે પોતાના પત્રમાં નરેન્દ્ર મોદીએ ભૂતકાળના કેટલાંક કિસ્સા પણ ટાંક્યા હતા.
તમારો મત
શું તમને લાગે છે કે, સામાજિક કાર્યકર અણ્ણા હજારે ધીમે-ધીમે રાજકારણીની ભાષા બોલવા લાગ્યા છે, જેના કારણે તેમના આંદોલનને મળી રહેલાં લોકસમર્થનને અસર પહોંચી શકે છે ? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.