સરકાર અને પાર્ટીના સ્તર પર અનેક સમસ્યાઓ કોંગ્રેસને ઘેરી ચૂકી છે. જેના પગલે કોંગ્રેસ દ્વારા 'ચિંતન શિબિર'ના આયોજનને મોકૂફ રાખવામાં આવ્યું છે. આ માટે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
-ગુજરાત ચૂંટણીના પગલે કોંગ્રેસની ચિંતન શિબિર મોકૂફ
-પાર્ટી અને સરકારની અનેક સમસ્યાઓથી ઘેરાયેલી કોંગ્રેસનો નિર્ણય
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ સવાલ ઉઠાવ્યો હતો કે, ''જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ માથે ગાજી રહી હોય ત્યારે આ પ્રકારના શિબિર કેવી રીતે યોજી શકાય ? '' ગુજરાત, યુપી સહિત પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તેમણે આ વાત કહી હતી. પંચમઢી અને શિમલાની તર્જ પર યોજાનારી આ ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ પર નવો નજરિયો અને સંગઠનની કાર્યશૈલી પર મુખ્ય ચર્ચા થનારી હતી.
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં બુરારી ખાતે યોજાયેલી શિબિરમાં ગાંધીએ કહ્યું હતું કે, "આ એક એવું મંચ છે, જ્યાં આપણે સાથીઓનો અવાજ સાંભળી શકીએ છીએ. વિશેષ કરીને યુવાન સાથીઓનો, જે આપણી વિચાર શક્તિમાં નવું જોમ લાવે છે. "
વર્ષ 1998ના એપ્રિલ મહિનામાં પંચમઢી ખાતે શિબિર યોજાઈ હતી. જે સોનિયા ગાંધીની વિચારણાની ઉપજ હતી. સિતારામ કેસરી પાસેથી પાર્ટીનું પદ સંભાળ્યાના થોડા સમયમાં જ સોનિયાએ આ શિબિર બોલાવી હતી. તે સમયે પાર્ટી ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. શિમલા ખાતે વર્ષ 2003માં ભાજપના નેતૃત્વવાળા એનડીએ સામે બિન-સાંપ્રદાયિક તત્વોને સાથે લઈને પ્રતિકાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2004માં શ્રીમતિ ગાંધીના નેતૃત્વમાં યુપીએ વિજયી થયું હતું. સંસદમાં બજેટ સત્ર પૂર્વે ફેબ્રુઆરી મહિનામાં આ પ્રકારની શિબિર આયોજીત કરવા વિચારણા થઈ હતી. પરંતુ, સરકારના એક પછી એક વિવાદો અને કૌભાંડોના કારણે શિબિરને મોકૂફ રાખવામાં આવી છે.
તમારો મત
શું તમને લાગે છે કે, કોંગ્રેસ પાર્ટીની છાપ તાજેતરના કૌભાંડોના કારણે ખરડાઈ છે ? શું તેનું નુકશાન રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને થશે ? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.