-કાયદામંત્રીને બોલવામાં સંયમ રાખવા કોંગ્રેસની સલાહ, ભાજપે રાજીનામું માગ્યું -ખુરશીદે બચાવમાં કહ્યું : લઘુમતીઓને અનામતનો મુદ્દો ચૂંટણીલક્ષી નહીં, વહીવટી છે
કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુરશીદની લઘુમતીઓને ઓબીસીના કવોટામાંથી અલગ કવોટા આપવાની ટિપ્પણીને પગલે થયેલા ઉગ્ર વિવાદ પછી કોંગ્રેસે ખુરશીદને સંયમપૂર્વક બોલવાની સલાહ આપી છે. પક્ષ વતી રવિવારે કહેવાયું કે તમામ કોંગ્રેસીઓએ જાહેરજીવનની મર્યાદા જાળવવી જોઈએ. જોકે ખુરશીદે પોતાના બચાવમાં કહ્યું છે કે તેમનું નિવેદન ચૂંટણીલક્ષી નહીં, પણ વહીવટી છે. તેમણે એમ પણ કહી દીધું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે વચન અપાયું છે તે જ વાત તેમણે કરી છે. બીજીતરફ ભાજપે ખુરશીદને હટાવવાની માગણી કરી છે.
કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે ‘ચૂંટણીપંચ એક બંધારણીય સંસ્થા છે. કોંગ્રેસીઓએ જાહેરજીવનની મર્યાદા અને દેશના કાયદાને અનુરૂપ બોલવું જોઈએ. કેન્દ્રીય સ્ટીલ મંત્રી વેણીપ્રસાદ વર્મા અને ખુરશીદ એક જવાબદાર વ્યક્તિ છે. તેઓ કોઈ એવી વાત ન કહી શકે, જેનાથી કોંગ્રેસપક્ષ અને સરકાર માટે મુશ્કેલી ઊભી થાય.’ જોકે ખુરશીદે તેમના બચાવમાં કહ્યું છે કે તેમણે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો અપાયા છે તે અંગે જ નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચે જે કંઈ પણ કર્યું તેમ કરવાનો તેને અધિકાર છે.
લોકસભામાં વપિક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું કે ‘ખુરશીદે બંધારણીય સંસ્થા ચૂંટણીપંચનું અપમાન કર્યું છે. એટલું જ નહીં, તેને ધમકી પણ આપી રહ્યાં છે. તેમણે કેબિનેટમાંથી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને જો તેમ ન કરે તો વડાપ્રધાને તેમની હકાલપટ્ટી કરી દેવી જોઈએ.’ ભાજપના પ્રવકતા રવિશંકર પ્રસાદે કહ્યું કે ‘ખુરશીદે તેમના નિવેદન બદલ લોકોની માફી માગવી જોઈએ.તેમણે ઈરાદાપૂર્વક આચારસંહિતાનો ભંગ કર્યો છે.’
મામલો શું છે
સલમાન ખુરશીદે શુક્રવારે તેમનાં પત્ની અને કોંગ્રેસી ઉમેદવાર લુઈસના સમર્થનમાં યોજાયેલી જાહેરસભામાં કહ્યું હતું કે તેઓ મુસલમાનો માટે નવ ટકા અનામતની વાત કરતાં રહેશે. તેના માટે ભલે ચૂંટણીપંચ મને ફાંસી પર લટકાવી દે. ત્યારબાદ ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને પત્ર લખીને આ મામલે તાત્કાલિક અને નિર્ણાયક હસ્તક્ષેપની માગણી કરી હતી.
પંચે લખ્યું કે ‘ખુરશીદની નિવેદનબાજીને કારણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરવામાં મુશ્કેલી પડી રહી છે. બંધારણે પંચને જે જવાબદારી સોંપી છે તે પૂરી કરવામાં કાયદામંત્રી અડચણ બની રહ્યાં છે.’ રાષ્ટ્રપતિએ શનિવારે રાત્રે જ પત્ર વડાપ્રધાન કાર્યાલયને મોકલી દીધો હતો. પીએમઓમાં રવિવારે આ અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો.