દરડાની મોદી પ્રશંસાને કોંગ્રેસે નકારી

-ધાર્મિક મંચ પરથી રાજકીય નિવેદનો અસ્વીકાર્ય -દરડા સામે તપાસ ચાલુ
કોંગ્રેસના સાંસદ વિજય દરડાએ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી, જોકે કોંગ્રેસે દરડાના નિવેદનથી છેડો ફાડી લીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહન પ્રકાશે ઉમેર્યું હતું કે ધાર્મિક મંચ પરથી રાજકીય ટિપ્પણી ટાળવી જોઈએ.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રબારી મોહન પ્રકાશે બુધવારે કહ્યું હતું કે કોઈએ ધાર્મિક કાર્યક્રમોમાં રાજકીય ટિપ્પણી ન કરવી જોઈએ. ધાર્મિક કાર્યક્રમોનું રાજનીતિકરણ કોઈપણ રીતે યોગ્ય નથી. વિજય દરડાએ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આ અંગેના તથ્યો તપાસવાનું કામ કોંગ્રેસ હાઈકમાન્ડે મોહન પ્રકાશને સોંપ્યું છે, ત્યારે તેમની આ ટિપ્પણી મહત્વપૂર્ણ બની રહે છે.
રવિવારે અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન દરડાએ મોદીની કાર્યશૈલીની પ્રશંસા કરતાં તેમની સરખામણી 'સિંહ' સાથે કરી હતી. આ તકે મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે દરડાએ આ નિવેદનોની કિંમત ચૂકવવી પડી શકે છે. મોહન પ્રકાશે ઉમેર્યું હતું કે તેઓ બહાર હતા, આથી વિજય દરડા સાથે વાતચીત નથી થઈ. ઉલ્લેખનીય છે કે દરડા મીડિયાજૂથના એડિટર પણ છે.







