દસ્તાવેજો યોગ્ય રીતે સંભાળીને રાખવાની વ્યવસ્થા કરવાનો વડાપ્રધાન કાર્યાલયને નિર્દેશ
દેશમાં ૧૯૭૫માં ઇમરજન્સી લાદવાના સંદર્ભમાં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી એહમદ વચ્ચે થયેલા પત્રવ્યવહારના વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં રેકોર્ડ નથી. કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)એ ઇન્દિરા ગાંધી અને ફખરૂદ્દીન અલી એહમદ વચ્ચે થયેલા પત્રવ્યવહારના રેકોર્ડ શોધી કાઢવા અને બધા જ દસ્તાવેજો યોગ્ય રીતે સંભાળીને રાખવાની વ્યવસ્થા કરવાનો વડાપ્રધાન કાર્યાલયને નિર્દેશ આપ્યો છે.
આરટીઆઇ હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં વડાપ્રધાન કાર્યાલયે એવો દાવો કર્યો હતો કે, કાર્યાલય દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા હોવાછતાં તેના રેકોર્ડમાં ઇમરજન્સી લાદવા સંબંધિત દસ્તાવેજો મળ્યા નથી. દેશની સ્વતંત્રતા પછીના ઈતિહાસમાં પ્રથમ આટલા મોટા ઘટનાક્રમના મહત્વના દસ્તાવેજો શા માટે મળી રહ્યા નથી? તેની તપાસ પણ કરાવવાનો સીઆઇસીએ આદેશ આપ્યો છે.
ઇમરજન્સી લાદવા સંબંધિત દસ્તાવેજો લોકો જોઇ શકે, તેના માટે આ દસ્તાવેજો શોધી કાઢી તેને સંભાળીને રાખવામાં આવે. મુખ્ય માહિતી કમિશનર સત્યાનંદ મિશ્રાએ દસ્તાવેજો ગુમ થવા બદલ કોઇ સંબંધિત અધિકારીને દોષિત ઠરાવ્યા નથી પરંતુ જણાવ્યું છે કે, આ બહુ જ આશ્ચર્યજનક બાબત છે.
તેમણે એવું પણ જણાવ્યું કે, આ દસ્તાવેજો શોધીકાઢીને ધ્યાનપૂર્વક સંભાળી રાખવામાં આવે અને ભવિષ્યમાં સરકારી કચેરીમાંથી ગુમ થવા જોઇએ નહીં. વડાપ્રધાન કાર્યાલયના સક્ષમ સત્તાવાળાઓ આ પ્રકરણની તપાસ કરે એવું સીઆઇસી ઇચ્છે છે.