બ્લેકબરીની કેટલીક સેવાઓ પર પ્રતિબંધ લાગશે કે નહીં, તેનો નિર્ણય કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક થઈ રહી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમને ખબર નથી કે બ્લેકબરી કઈ બલાનું નામ છે? બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી અને મનમોહન સિંહ સરકારના ઘણાં ‘ટેકનો-સેવી’ મંત્રીઓ બ્લેકબરીના શોખીન છે. તેથી જ આ તમામને બ્લેકબરી પરના ગૃહ મંત્રાલયના નિર્ણયનો ઈન્તજાર છે.
મનમોહન સરકારના ઓછામાં ઓછાં 10 મંત્રીઓ બ્લેકબરીનો ઉપયોગ કરે છે. લગભગ એક ડઝનથી વધારે મંત્રી આ મામલામાં પોતાના સચિવો પર નિર્ભર છે. તેમની મારફત દુનિયાભરના ઘટનાક્રમોથી ખુદને અપડેટ રાખવા માટે બ્લેકબરી સેવાનો ઉપયોગ કરે છે.
ટેકનો-સેવી મંત્રીઓમાં કપિલ સિબ્બલ, પૃથ્વીરાજ ચવ્હાણ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહીત આઠ મંત્રીઓ સામેલ છે. નાણાં મંત્રી પ્રણવ મુખર્જી અને સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીનો સ્ટાફ બ્લેકબરીનો ઉપયોગ કરે છે.
મહત્વપૂર્ણ છે કે ભારત સરકારે બ્લેકબરીની સેવાઓ પર નિરીક્ષણ માટે તેની નિર્માણકર્તા કંપની રિસર્ચ ઈન મોશન એટલે કે રિમને 31 ઓગસ્ટ સુધી તકનીકી સમાધાન ઉપલબ્ધ કરાવાનો નિર્દેશ આપ્યો છે. આમ ન કરવા પર એક સપ્ટેમ્બરથી આ સેવાઓ પર દેશમાં રોક લગાવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે રિમનું કહેવું છે કે તેની પાસે એવી કોઈ ટેકનીક નથી કે જેના દ્વારા બ્લેકબરી દ્વારા થનારા સંવાદ પર નજર રાખી શકાય.
બ્લેકબરીથી અજાણ છે, ચિદમ્બરમ
રસપ્રદ વાત એ છે કે બ્લેકબરી મુદ્દા પર પ્રત્યક્ષપણે જોડાયેલા ગૃહમંત્રી પી.ચિદમ્બરમ અને સંચારમંત્રી એ. રાજા ખુદ બ્લેકબરીનો ઉપયોગ કરતાં નથી. તાજેતરમાં જ ચિદમ્બરમે પત્રકારો સામે એ કહીને સૌને આશ્ચર્યમાં નાખી દીધા હતા કે તેઓ બ્લેકબરી પર પ્રસ્તાવિત રોક પર ટિપ્પણી કરી શકશે નહીં, કારણ કે તેમને તેનો ઉપયોગ કરવા બાબતે ખબર નથી.
પ્રતિબંધ કોઈ ઉકેલ નથી
કેનેડાની સરકારે ભારતને કહ્યું છે કે બ્લેકબરી મોબાઈલ ફોનની સેવાઓ પર પ્રતિબંધ લગાવાથી તેની સુરક્ષા સંદર્ભેની ચિંતાઓનું સમાધાન થશે નહીં. કેનેડા સરકારના જણાવ્યા પ્રમાણે, ભારતની આ ચિંતાઓ માત્ર બ્લેકબરી સુધી સમિતિ નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિરીક્ષણની જરૂરિયાત પર ગૃહ મંત્રાલયના સખત વલણને જોતાં કેનેડા સરકારે ભારતને આ સંદર્ભે પત્ર લખ્યો છે. પત્રમાં આવા મામલામાં સમય મર્યાદા બાંધીને ચાલવું ફળદાયક ગણાવાયું નથી.