શિક્ષિકાના ઠપકાથી ગુસ્સે થઈને ક્લાસરૂમમાં જ ચપ્પાના ઘા ઝીંકી દીધા
ચેન્નઈમાં નવમા ધોરણના એક વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં જ ચપ્પાના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી હોવાના ચોંકાવનારા કિસ્સાએ ચર્ચા જગાવી છે. આ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે શિક્ષિકા તેને વારંવાર કોઈ કારણ વગર જ ઠપકો આપતી અને મારતી હોવાથી તેણે આ હત્યા કરી હતી. અહીંના આર્મેનિયમ સ્ટ્રીટ ખાતે આવેલી સેન્ટ મેરી એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં આ ઘટના ગુરુવારે બપોરે લગભગ સાડા અગિયાર વાગે બની હતી. હત્યા કરનાર વિદ્યાર્થીની ઓળખ મહંમદ ઈરફાન તરીકે થઈ હતી.
ડોન બોસ્કો ગ્રૂપ દ્વારા સંચાલિત આ શાળામાં મૃત્યુ પામનારી શિક્ષિકા મહેશ્વરી (૩૯) છેલ્લા ૮-૧૦ વર્ષથી આ શાળામાં ભણાવતી હતી. તે હિન્દી અને વિજ્ઞાન શીખવતી હતી. ગુરુવારે ઉમા મહેશ્વરી નવમા ધોરણના કલાસમાં ભણાવવા ગઈ તો ઈરફાન નામનો વિદ્યાર્થી ક્લાસમાં નહોતો. ક્લાસ શરૂ થયા બાદ થોડી વારે તે અંદર આવ્યો અને ઉમા પર ચપ્પાથી હુમલો કર્યો હતો. તેણે શિક્ષિકાને ગળા, ચહેરા અને પેટ પર સાત ઘા ઝીંક્યા હતા. આ શિક્ષિકાને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડાય એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યા પ્રમાણે ઈરફાનના નબળા ભણતરની ફરિયાદ શિક્ષિકા ઈરફાનના પિતાને કરતા તેણે ગુસ્સામાં આવી આ કૃત્ય કર્યું હતું.
સ્કૂલના પ્રશાસક ફાધર બોસ્કો પેરિયાનયાગમે જણાવ્યું હતું કે ઈરફાને હુમલાની અગાઉથી જ યોજના બનાવી હતી. તેણે પુસ્તકમાં ચપ્પુ છુપાવી રાખ્યું હતું. હુમલો કર્યા પછી તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ એલાર્મ વગાડતા તે ઝડપાઈ ગયો હતો. સ્કૂલના સત્તાધીશોએ ઈમરાનને શૌચાલયમાંથી ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.ઈરફાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે ઈરફાન ઘણી વખત શિક્ષિકાના વર્તન અંગે ફરિયાદ કરતો હતો.