સોનિયા ગાંધીનું સતત ચોથી વાર અધ્યક્ષ બનવાનું નક્કી છે. ત્યારે ભાજપે ગુરુવારે તેમના પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે જે પ્રકારે તેમણે વડાપ્રધાન પદ માટે બલિદાન આપીને ગાંધી પરિવાર સિવાયના કોઈ વ્યક્તિને એ પદ પર બેસાડયા હતા. તેવું તેમણે પાર્ટીના શીર્ષસ્થ પદ માટે પણ કરવું જોઈએ.
ભાજપના મુખ્ય પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સોનિયા ગાંધી ચોથી વાર કોંગ્રેસ અધ્યક્ષ બનવા જઈ રહ્યાં છે. સ્વાભાવિકપણે તેમનો કોઈ વિરોધ થશે નહીં. કોંગ્રેસ પાર્ટીના બંધારણના અનુચ્છેદ-6 પ્રમાણે, કોઈપણ પદાધિકારી કોઈપણ બ્લોક, જિલ્લા કે રાજ્યના એકમના અધ્યક્ષ પદે બે વર્ષથી વધારે સમય માટે રહી શકે નહીં.
સોનિયા ગાંધી શુક્રવારે કોંગ્રેસના અધ્યક્ષ પદે નિર્વિરોધપણે ચૂંટાય તેવી આશા છે. આ પ્રકારે તેઓ સૌથી વધારે સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ પદે રહેનાર વ્યક્તિ બની જશે.
રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે જો કોંગ્રેસ લોકતાંત્રિક પાર્ટી છે, જેવો કે તેઓ દાવો કરે છે, તો આ જ સમય છે કે તેણે ખુદના બંધારણની ભાવનાને અનુરૂપ જિલ્લા, બ્લોક અને રાજ્ય એકમના અધ્યક્ષની જેમ રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પર પણ કોઈ વ્યક્તિને બે વર્ષથી વધારે સમય માટે બેસાડવી જોઈએ નહીં. તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનિયા પોતાની પાર્ટીમાં સૌથી ઉંચા કદના નેતા છે અને તેમની કોઈ સાર્વજનિક જવાબદેહી નથી.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા હંમેશા દાવો કરે છે કે સોનિયાએ વડાપ્રધાન પદનું બલિદાન આપ્યું છે. એવી સ્થિતિમાં સોનિયા માટે એ વધુ જરૂરી છે કે તે લોકતાંત્રિક પરંપરા અપનાવી પોતાના દાવા અને પાર્ટીના બંધારણની ભાવના અનુરૂપ કોંગ્રેસ અધ્યક્ષનું પદ ગાંધી પરિવાર સિવાયના વ્યક્તિને સોંપી દે.
તેમણે કહ્યું હતું કે ભાજપનું માનવું છે કે ગાંધી પરિવાર બહાર ઘણાં પ્રતિષ્ઠિત નેતાઓ ઉપલબ્ધ છે કે જે કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે ભાજપમાં પદાધિકારીઓની પસંદગી માટે લોકતાંત્રિક પ્રક્રિયા છે.
રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પાર્ટીને સૂચિત કરવા ઈચ્છે છે કે ભાજપના બંધારણ પ્રમાણે બ્લોક, જિલ્લા, રાજ્ય અથવા રાષ્ટ્રીય સ્તરે અધ્યક્ષ પદ માત્ર ત્રણ વર્ષ માટે જ મળે છે.