મધ્ય પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રભાત જ્હાંએ સોમવારે ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને ચાર પાનાનો પત્ર લખીને મોતની પરવાનગી માંગી કરી છે. પોતાના પત્રમાં તેમણે પોતાને મોતની મંજૂરી આપવા માટે દેશમાં વધી રહેલા ફુગાવા અને ભ્રષ્ટાચારનું કારણ દર્શાવ્યું છે.
-દેશમાં વધી રહેલા ફુગાવા અને ભ્રષ્ટાચારનું કારણ દર્શાવ્યું-પાટિલને ચાર પાનાનો પત્ર લખીને મોતની પરવાનગી માંગી-દેશમાં સામાન્ય નાગરિકોનું જીવન દુષ્કર બની ગયું
રાષ્ટ્રપતિને લખેલા પોતાના પત્રમાં રાજ્ય સભાના સદસ્યએ જણાવ્યું હતું કે, ' કુદકેને ભૂસકે વધી રહેલા ભ્રષ્ટાચાર અને મોંઘવારીના કારણે દેશમાં સામાન્ય નાગરિકોનું જીવન દુષ્કર બની ગયું છે અને તેથી જ તે યોગ્ય ગણાશે કે લોકો મરે તેના પહેલા તેનો પ્રતિનિધિ મરી જાય. '
વધુમાં તેમણે પોતાના પત્રમાં પ્રતિભા પાટિલને ઉદ્દેશીને જણાવ્યું છે કે, 'તમે 115 કરોડ ભારતના નાગરિકોના માતા સમાન છો. ઉપરાંત તમે મારા પણ માતા સમાન છો. વધતી જતી મોંઘવારીથી ઉત્પન્ન થતી પિડા તમારે સમજવી જ પડશે.
આ અંગે મધ્ય પ્રદેશના પ્રમુખ કાંતિલાલ ભૂરિયાએ જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે પ્રભાત જ્હાને તેમની પાર્ટીના નેતાઓ સાથે કોઇ મતભેદ લાગે છે અને તેથી જ તેમણે આ નિર્ણય લીધો છે. નહીં તો પહેલા તેમણે પોતાની જ પાર્ટીને રાજ્યમાં ટેક્ષનું ભારણ ઘટાડવાની અપીલ કરી હોત, જેવી રીતે મમતા બેનર્જીએ કરી છે અને કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારો તેમના રાજ્યમાં કરી રહી છે. '
આપનો અભિપ્રાયઃ
વાચક મિત્રો, દેશમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શું આપને લાગે છે કે દેશમાં ખરેખર આ પરિસ્થિતિએ લોકોનું જીવન દુષ્કર બનાવી દીધું છે? આપનો અભિપ્રાય નીચેના ફિડબેક બોક્સમાં જણાવો.