નવીદિલ્હી ખાતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની એક બેઠક મળી હતી. જેમાં કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પા અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલાં રહ્યાં હતા, પરંતુ નકારાત્મક કારણોસર.
-ગુજરાતનો મુદ્દો છવાયેલો રહ્યો ભાજપની બેઠકમાં
-ગુજરાત વિરોધી તત્વોને કેન્દ્ર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે : ભાજપ
-નવીદિલ્હી ખાતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની એક બેઠક મળી હતી
ગુજરાતનું ઉદાહરણ ટાંકીને ભાજપ દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો કે, યુપીએની સરકાર દ્વારા વિરોધપક્ષની સરકારો સામે કેન્દ્રીય સંસ્થાઓનો દુરૂપયોગ કરવામાં આવે છે. જેનાથી સંઘીય ઢાંચાને આઘાત પહોંચે છે. ભાજપ શાસિત રાજ્યો સાથે કેન્દ્ર સરકારનો ભેદભાવ, રાજ્યપાલો દ્વારા નિભાવવામાં આવેલા પક્ષપાતપૂર્ણ વલણ જેવા મુદ્દા છવાયેલાં રહ્યાં હતા.
ગુજરાતના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અંગે પણ આ બેઠકમાં ચિંતા પ્રગટ કરવામાં આવી હતી. ભાજપના એક સૂત્રે એવો મત વ્યક્ત કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના અસંતુષ્ટ તત્વોને આશ્રય આપવામાં આવે છે અને તેમને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે. ગુજરાત સરકાર સામે લડાઈ લડવા માટે આ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આગામી દિવસોમાં ભાજપ વધુ આક્રમક બનશે. સંજીવ ભટ્ટ સામે ચાલી રહેલાં કેસો અંગેનું એક વિવરણ પણ હાજર રહેલાં લોકોને આપવામાં આવ્યું હતું.
આ બેઠકને સંબોધતા ભાજપના દિગ્ગજ નેતા એલ. કે. અડવાણીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, યુપીએ સરકાર દ્વારા સંઘીય ઢાંચા પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. વળી સીબીઆઈનો દુરૂપયોગ કરીને ભાજપ શાસિત રાજ્યોની સરકારોને નબળી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં અડવાણીએ ગુજરાતનું ઉદાહરણ પણ ટાંક્યું હતું.
જો કે, ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપે આત્મમંથન કરવાનું નક્કી કર્યું છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પા પરના ભ્રષ્ટાચારના આરોપો પક્ષ માટે શરમનું સબબ બન્યા હતા. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો એક આંતરિક વ્યવસ્થાતંત્ર ઊભું કરવા માટે સહમત થઈ ગયા હતા. જે આંતરિક કામગીરીનું મુલ્યાંકન કરશે.
તમારો મત
શું તમને લાગે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ભાજપ શાસિત રાજ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે ? જો કોઈ કારણસર રાજ્ય સરકારો વાંકમાં હોય તો તેને કેન્દ્ર સરકારની દ્વેષાત્મક કામગીરીમાં ખપાવી શકાય ? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.