બિગ-બીના ભાઇ અજિતાભ મેયરના પ્રચાર માટે મેદાનમાં

જૂના મિત્ર માટે અજિતાભ માદરેવતન પધાર્યા
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના નાના ભાઇ અજિતાભ બચ્ચન અલ્હાબાદના મેયરના હોદ્દા માટેની ચૂંટણીમાં કોંગ્રેસનું પીઠબળ ધરાવતાં ઉમેદવાર શ્રી વધવાન માટે પ્રચાર ક્ર્યો છે.
ગઇકાલે પોતાના વતન આવેલા ૬૭ વર્ષના અજિતાભે મેયર પદના ઉમેદવાર શ્રી વધવાનના ટેકામાં કેટલીક જાહેરસભાઓ સંબોધી હતી. શ્રી વધવાન ૨૭મી જૂનના રોજ થનારી અલ્હાબાદ મેયરની બેઠક માટે ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક મહિલા માટે અનામત છે.
બિગ-બી અને નહેરુ-ગાંધી પરિવાર વચ્ચેના સંબંધો સહિત રાજકારણને લગતા પ્રશ્નોને ટાળીને અજિતાભે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રચાર કરવાનો તેમનો નિર્ણય વ્યક્તિગત છે. શ્રીના પતિ રવિ ભૂષણ વધવાન મારા જૂના મિત્ર છે. જે કાંઇ પણ પ્રસંગ હોય, પણ મારા માટે તો આ શહેરની મુલાકાત લેવી તે વતન પધારવા જેવું છે.
છેલ્લે હું વર્ષ ૨૦૦૭માં અમારા માતાના નિધન વખતે આ શહેરમાં આવ્યો હતો. તે સમયે અમિતાભ, જયા અને અભિષેક પણ મારી સાથે હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રવિ ભૂષણ વધવાન શહેરના બિઝનેસમેન છે અને ૧૯૯૦માં અલ્હાબાદના મેયર હતા.
જોકે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે શરૂઆતમાં મેયર પદના ઉમેદવાર તરીકે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા રિતા બહૂગુણા જોશીના ખાસ અંગત મનાતા સત્યા પાંડેને ઊભા રાખ્યા હતા. અલબત્ત,રવિ વધવાને પોતાના પત્ની શ્રીને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રાખવાની જાહેરાત ક્ર્યા બાદ કોંગ્રેસ ઝૂકી ગઇ હતી.






