ભાસ્કર ઉત્સવ કાર્યક્રમોની શ્રૃંખલા અંતર્ગત શુક્રવારે અત્રે બિરલા ઓડિટોરિયમમાં આયોજિત મોટિવેશનલ સેમિનારમાં મુખ્ય વક્તા આધ્યાત્મિક અને કોર્પોરેટ ગુરુ સ્વામી સુખબોધાનંદે પ્રાચીનતા અને આધુનિકતાનું મિશ્રણ કરીને જીવનમાં પરિવર્તન લાવવાની પદ્ધતિઓની વાત કરી. કબીરના દોહા, વેદ અને ગીતાના સાર સાથે સમજ આપી કે હકારાત્મક વિચારોથી જીવનમાં પરિવર્તન કઇ રીતે આવી શકે છે. સેમિનારનો વિષય હતો 'પરિવર્તનની પ્રથમ સીડી’.
સ્વામીજીએ કહ્યું કે આનંદની અનુભૂતિ સાથે તનાવમુક્ત રહીને સફળતા મેળવી શકાય છે. તેની મદદથી જ પરિસ્થિતિ, મનોસ્થિતિ અને આત્મસ્થિતિને બદલવી સંભવ છે. શક્તિ, પ્રસિદ્ધિ અને નાણા હોવા છતાં લોકો ડીપ્રેશનમાં રહે છે. મનની ખરાબ સ્થિતિનું આ કારણ છે. તેમણે કહ્યું કે,'મન તનાવભરી સ્થિતિમાં રહેતાં હકીકતોનો સ્વીકાર કરતું નથી. ભય રહેશે તો તનાવભરી સ્થિતિ પણ રહેશે. નંબર એક બનવાની હોડમાં આપણી સફળતા જ નિષ્ફળતા બની જતી હોય છે. મન જ જીતે છે અને મન જ હારે છે. કબીર પણ કહે છે કે, 'મનકે હારે હાર હૈ, મનકે જીતે જીત.’ આપણે મનની સ્થિતિમાં પરિવર્તન લાવવાનું છે.
બોસે તમને ઇડિયટ કહ્યું. તમે દુ:ખી થઇ ગયા. આ તમારો નહીં બોલનારનો દોષ છે. નકારાત્મક શબ્દો આપણને ઘાયલ કરે છે. તે અનુભૂતિ છે. આનંદ અને પરિવર્તન માટે આપણે આ અનુભૂતિને હકારાત્મક બનાવવાની છે. વિશ્વાસ પ્રમાણે જ અનુભૂતિ થશે. સ્વામીજી બેંગલોરના પ્રસન્ના ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ છે. તેઓ વેદાંત, સૂફીઝમ અને સાઇન્ટોલોજીમાં જ્ઞાન ધરાવે છે. ન્યૂર્યોકમાં લોટસ મિલિયેનર્સ ઇન્ટેલેકચ્યુઅલ ક્લબ દ્વારા સન્માન પ્રાપ્ત કરનારા તેઓ બીજા ભારતીય છે.