- ભાગવતના વધુ એક નિવેદનથી વિવાદ: પત્ની જ્યાં સુધી કોન્ટ્રેકટનું પાલન કરે ત્યાં સુધી પતિ તેની સાથે રહે છે
- પતિ અને પત્ની સામાજિક કોન્ટ્રેકટથી બંધાયેલા છે : ભાગવત
- ભાગવતે પશ્ચિમી સંસ્કૃતિની વાત કરી છે, ભારતની નહીં : રામ માધવ
આરએસએસના વડા મોહન ભાગવતે વધુ એક વિવાદ છેડ્યો છે. હવે તેમણે એવી ટિપ્પણી કરી છે કે મહિલા તેના પતિની સારસંભાળ લેવા માટે કોન્ટ્રેકટ અનુસાર બાધ્ય છે. તેમણે તાજેતરમાં દુષ્કર્મના મામલે એમ કહ્યું હતું કે દુષ્કર્મ ઈન્ડિયામાં થાય છે, ભારતમાં નથી થતા.
ભાગવતે અહીં એક રેલી દરમિયાન કહ્યું કે ‘પતિ અને પત્ની વચ્ચે કોન્ટ્રેકટ હોય છે અને આ કોન્ટ્રેકટ અંતર્ગત પતિ કહે છે કે તારે મારા ઘરની સારસંભાળ લેવાની અને હું તારી તમામ જરૂરિયાતોની કાળજી લઈશ. હું તને સલામત રાખીશ. આથી પતિ કોન્ટ્રેકટની શરતોનું પાલન કરે છે. પત્ની જ્યાં સુધી કોન્ટ્રેકટનું પાલન કરે ત્યાં સુધી પતિ તેની સાથે રહે છે અને જો પત્ની કોન્ટ્રેકટનો ભંગ કરે એટલે પતિ તેનાથી અલગ થઈ શકે છે. એ જ રીતે પતિ કોન્ટ્રેકટનું પાલન ન કરે તો પત્ની પણ તેને છોડી શકે છે અને અન્ય કોન્ટ્રેકટ કરી શકે છે.’
- નિવેદનની ઉગ્ર ટીકા :
ભાગવતની આ ટિપ્પણીના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. સીપીએમના નેતા બ્રિન્દા કરાતે કહ્યું છે કે ‘મને આ ખરેખર આશ્ચર્યજનક નથી લાગતું, કારણ કે આ આરએસએસ છે. આ એવા લોકો છે, જે ભાજપ સત્તામાં હતી ત્યારે દેશમાં ‘મનુસ્મૃતિ’ આધારીત નવું બંધારણ ઘડવા માગતા હતા. આ નિવેદન તેની વિચારધારા બતાવે છે.’
- સંઘની સ્પષ્ટતા
આરએસએસના પ્રવકતા રામ માધવે કહ્યું છે કે ભાગવતે લગ્નવ્યવસ્થા અંગે જે મંતવ્ય રજુ કર્યા છે તે પશ્ચિમી સંસ્કૃતિના સંદર્ભમાં કહ્યાં હતાં. ભારતીય સંદર્ભમાં તે કહેવાયું જ નથી. તેમણે કહ્યું હતું કે પશ્ચિમના દેશોમાં આવું થાય છે જ્યારે ભારતીય લગ્ન વ્યવસ્થામાં સંબંધને મહત્વ છે અને ખૂબ જ પવિત્ર વ્યવસ્થા છે. હકીકત સાથે સંપૂર્ણપણે ચેડાં કરવામાં આવ્યાં છે. મીડિયાએ ભાગવતજીના પશ્ચિમી વ્યવસ્થા અંગેના વિચારો ભારતીય લગ્નવ્યવસ્થા માટે કહેવાયા હોવાનું રજુ કર્યું તે અત્યંત દુભૉગ્યપૂર્ણ છે.
- દિલ્હીના દુષ્કર્મીઓ બિહારી છે: રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ દિલ્હીના સામુહિક દુષ્કર્મ માટે બિહારી સ્થળાંતરકારીઓને જવાબદાર ઠેરવીને ફરી એક વખત ‘પરપ્રાંતિયો’ને વધતી ગુના ખોરી પાછળ કારણભૂત હોવાના પુનરુચ્ચાર સાથે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. શનિવારે રાતે ઉત્તર મુંબઈના ગોરેગામ ખાતે ‘ગ્લોબલ કોંકણ’ મહોત્સવના ઉદ્ઘાટન વેળાની જાહેર સભાને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે ‘‘સૌકોઈ દિલ્હીના સામૂહિક દુષ્કર્મ વિશે ચર્ચા કરે છે. પરંતુ એ ગુનેગારો ક્યાંથી આવ્યા એ કોઈ પૂછ્યું નથી. એ કમકમાટી ઉપજાવનારો અપરાધ કોણે આચર્યો એ કોઈ પૂછતું નથી. બિહારીઓ વિરુદ્ધ બોલવા માટે મારી સામે અનેક કેસ નોંધાયા છે.