બે માલવાહક જહાજોની ટક્કર બાદ ખતરનાક રસાયણોનો રિસાવ થવાને કારણે મુંબઈ અને આસપાસના તટીય વિસ્તારોમાં ગંભીર પર્યાવરણ સંકટ પેદા થઈ ગયું છે. આ ખતરનાક રસાયણનો રિસાવ માલવાહક જહાજ ચિત્રામાંથી થઈ રહ્યો છે. જો કે ઘટનાસ્થળે કોસ્ટ ગાર્ડના 6 જહાજો અને પ્રદૂષણ નિરોધક પ્રણાલી યુક્ત એક હેલિકોપ્ટરને રિસાવ રોકવા માટે અને સમુદ્રની સફાઈ માટે કામે લગાડાયા છે.મુંબઈ પોર્ટ ટ્રસ્ટે મોટા જહાજોના આવાગમન પર રોક લગાવી દીધી છે. ટક્કર બાદ માલવાહક જહાજ ચિત્રા 80 ડિગ્રી જેટલું નમી ગયું હતું. જહાજ પર ખતરનાક રસાયણોથી લદાયેલા 1219 કન્ટેનરોમાંથી 250 કન્ટેનરો ખતરનાક રસાયણ સાથે સમુદ્રમાં પડી ગયા છે.