- જનતા મિજાજ ગુમાવે ત્યારે શું થાય તેની નેતાઓને ખબર પડી
વર્ષ 2011ને બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે. આ વર્ષે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ભાવવધારાથી દેશનો સામાન્ય નાગરિક ત્રસ્ત થઇ ગયો. જેના પડઘા ક્યારેક શરદ પવારને પડેલી થપ્પડરૂપે સંભળાયા તો ક્યારેક સુરેશ કલમાડી પરના હુમલામાં સંભળાયા. આટલું ઓછું હોય તેમ જાહેર જીવનમાં રહેલી પ્રશાંત ભૂષણ, સ્વામી અગ્નિવેશ જેવી અમુક વ્યક્તિઓએ વિવાદાસ્પદ નિવેદનો કરીને સામાન્ય નાગરિકોનો રોષ વહોરી લીધો. પરિણામે તેઓ પણ પોતાના પરના હુમલાને ખાળી ન શક્યા. અહીં રજૂ કર્યા છે વર્ષ 2011માં થયેલા એવા હુમલાઓ જેણે ભારે ચર્ચા જગાવી હતી.
- સુરેશ કલમાડી
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં તિહાર જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયેલા કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના ચેરમેન અને કોંગ્રેસી સાંસદ સુરેશ કલમાડી પર એપ્રિલ, 2011માં ચપ્પલ ફેંકાયું હતું. પોલીસ જ્યારે દિલ્હી કોર્ટમાં કલમાડીને રજૂ કરવા લઇ જઇ રહી હતી ત્યારે પાછળથી આવેલા એક વ્યક્તિએ કલમાડી પર ચપ્પલ ફેંક્યું હતું. કેમેરામાં આ ઘટના કેદ થઇ ગઇ હતી. આ હુમલા બાદ પોલીસે તરત જ ચપ્પલ ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.
- સ્વામી અગ્નિવેશ
ટીમ અણ્ણાના તત્કાલીન સભ્ય સ્વામી અગ્નિવેશ પર મે, 2011માં અમદાવાદમાં હુમલો થયો હતો. ટીમ અણ્ણાની જાહેરસભા પૂરી થયા બાદ સ્વામી નિત્યાનંદે તેને સુતરની આંટી પહેરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અગ્નિવેશ જેવા સુતરની આંટી પહેરવા નીચે નમ્યા કે નિત્યાનંદે તેના પર હુમલો કરી દીધો. આ ઘટના બાદ નિત્યાનંદે કહ્યું કે અમરનાથ યાત્રા અંગેના સ્વામી અગ્નિવેશના નિવેદનથી તે નારાજ હતા અને એટલે જ આ હુમલો કરાયો હતો.
- પ્રશાંત ભૂષણ
સ્વામી અગ્નિવેશ બાદ ટીમ અણ્ણાના અન્ય સભ્ય અને જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ પરના હુમલાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી. સુપ્રીમ કોર્ટ સામે જ આવેલી તેમની ઓફિસમાં ઓક્ટોબર, 2011માં હુમલો કરાયો હતો. આ સમયે ભૂષણ એક ખાનગી ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા અને હુમલાખોરોએ અચાનક આવી તેમને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં એક હુમલાખોર ઝડપાઇ ગયો હતો. કાશ્મીર અંગેનું નિવેદન ભૂષણ પરના હુમલા માટે જવાબદાર બન્યું હતું.
- સુખરામ
નવી દિલ્હીમાં ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામ પર નવેમ્બર, 2011માં હરવિંદરસિંહ નામના યુવકે હુમલો કર્યો હતો. ટેલિકોમ કૌભાંડમાં કોર્ટે સુખરામને 5 વર્ષની જેલની સજા ફટકારી હતી આ સજા સાંભળીને સુખરામ જ્યારે બહાર આવી રહ્યા હતા ત્યારે કોર્ટ પરિસરમાં જ હરવિંદરસિંહ નામના યુવકે હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે તે સમયે હુમલાખોર પાસે કોઇ હથિયાર નહતું તેણે સુખરામને માત્ર ઢીકા-પાટુનો માર જ માર્યો હતો.
- શરદ પવાર
માર પડવાની આ સિલસિલામાં વધુ એક નામ ઉમેરાયું કેન્દ્રીય કૃષિ મંત્રી અને અઠંગ રાજકારણી તરીકે જાણીતા શરદ પવારનું. સુખરામ પર હુમલો કરનાર હરવિંદરસિંહે જ નવેમ્બર, 2011માં દિલ્હીમાં જ શરદ પવારને એક સણસણતો લાફો ચોડી દીધો હતો. કહેવાય છે કે સતત વધતી જતી મોંઘવારીથી નારાજ થઇ હરવિંદરે આ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ હરવિંદરની ધરપકડ કરી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. પવાર પરના હુમલાએ સંસદમાં ભારે હંગામો મચાવ્યો હતો. ભાજપે આ હુમલાનો મોંઘવારી અંગે પ્રહારો માટે ખૂબ ઉપયોગ કર્યો હતો.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.