ભોપાલ ગેસ કાંડ માટે જવાબદાર અમેરિકન કંપની યૂનિયન કાર્બાઈડ કોર્પોરેશનના ભૂતપૂર્વ સીઈઓ વારેન એન્ડરસન 7 ડિસેમ્બરે પોતાની મુક્તિના તુરંત બાદ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળ્યો હતો. આ સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે, તત્કાલિન રાજીવ ગાંધી સરકારમાં મંત્રી રહી ચુકેલા અરુણ નહેરુએ. આ ખુલાસા બાદ પહેલેથી ટીકાઓ સહન કરી રહેલી કોંગ્રેસ વધારે દબાણમાં આવી શકે છે.
એક ટીવી ચેનલ પર અરુણ નહેરુએ કહ્યું હતું કે મુક્ત થયા બાદ એન્ડરસન સરકારી વિમાન દ્વારા દિલ્હી આવ્યો હતો. તે તત્કાલિન ગૃહ મંત્રી પી. વી. નરસિંહરાવ અને રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહને પણ મળ્યો હતો. આ એવી ઘટના છે કે જેનું સ્પષ્ટીકરણ આપવું જરૂરી છે. માત્ર સરકાર જ આ મામલામાં કોઈ સ્પષ્ટીકરણ આપી શકે છે. અરુણ નહેરુ એક સમયે રાજીવ ગાંધીના મુખ્ય રણનીતિકાર રહી ચુક્યા છે.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ પર એ વાતનું દબાણ પડી રહ્યું છે કે તે તે પરિસ્થિતિઓને સ્પષ્ટ કરે કે જેના કારણે એન્ડરસનને મુક્ત કરવામાં આવ્યો હતો. તેની મુક્તિ 7 ડિસેમ્બરે થઈ હતી. તેના માત્ર પાંચ દિવસ પહેલા ભોપાલના ગેસ પ્લાંટમાં ખતરનાક મિથાઈલ આઈસો સાઈનાઈટ ગેસનું ગળતર થયું હતું. તેના કારણે સેંકડો લોકોના મોત નીપજ્યા હતા.
*